રાજકોટ
News of Wednesday, 15th September 2021

સાધુ વાવસાણી રોડ પર મિત્રના ઝઘડામાં નિખીલને રાજૂલાથી આવેલા અજયએ માથામાં તલવાર ઝીંકી

છોકરીને મેસેજ કરવાના મનદુઃખમાં ડખ્ખો થયો

રાજકોટ તા. ૧૫: રૈયા રોડ પર મામા સાહેબના મંદિર નજીક સરસ્વતિ સોસાયટીમાં રહેતાં અને ઓફિસ બોય તરીકે પ્રાઇવેટ નોકરી કરતાં નિખીલ નટુભાઇ સરવૈયા (ઉ.વ.૧૯) નામના વાલ્મિકી યુવાનને રાતે નવેક વાગ્યે સાધુ વાસવાણી રોડ ગોપાલ ચોક નજીક ડિલકસ પાન પાસે હતો ત્યારે રાજુલાથી આવેલા અજય નામના શખ્સે માથામાં તલવાર મારી દેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

નિખીલે જણાવ્યું હતું કે મારા મિત્ર પારસને રાજુલાની એક છોકરી સાથે અગાઉ વાતચીતના સંબંધ હોઇ એક બીજાને મેસેજ કરતાં હતાં. પરમ દિવસે મારા મિત્રથી ભુલથી એ છોકરીને મેસેજ થઇ જતાં અજય નામના શખ્સે ફોન કરી ઝઘડો કર્યો હતો. ગઇકાલે અજય અને પારસ સમાધાન કરવા ભેગા થયા હોઇ અજય રાજુલાથી રાજકોટ આવ્યો હતો. પોતે પણ સમાધાનમાં સાથે રહ્યો હોઇ બોલાચાલી થતાં પોતાને તલવાર ઝીંકી દેવાઇ હતી. 

(11:39 am IST)