રાજકોટ
News of Sunday, 15th September 2019

લૂંટમાં પકડાયેલા ત્રણ પોલીસ કર્મચારી સસ્પેન્ડ

વોર્ડનને ડિસમીસ કરવામાં આવ્યોઃ સલૂનમાં ખોટા ધંધા કરો છો...કહી સંચાલકને લાફા મારી લૂંટ ચલાવી હતી

રાજકોટ તા. ૧૪: યુનિવર્સિટી રોડ પર સુવર્ણ કોમ્પલેક્ષમાં એન્જોય હેર નામે સલૂનમાં જઇ સંચાલક  અશોકભાઇ ધીરજલાલ વાઘેલા (ઉ.૪૩) નામના વાળંદ યુવાનને તમે લેડિઝને રાખીને ખોટુ કામ કરો છો તેમ કહી લાફા મારી રોકડા રૂ. ૮૫ હજાર અને ડીવીઆરની લૂંટ કરવાના ગુનામાં ઝડપાયેલા ત્રણ પોલીસ કર્મચારી અને એક વોર્ડનના રિમાન્ડ પુરા થયા બાદ કોર્ટ હવાલે કરવામાં આવતાં જેલહવાલે કરવા હુકમ થયો હતો.  દરમિયાન લૂંટમાં સામેલ ત્રણેય પોલીસ કોન્સ્ટેબલને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે અને ટ્રાફિક વોર્ડનને ડિસમીસ કર્યો છે.

ગાંધીગ્રામ પોલીસે આ કેસમાં આઇપીસી ૩૯૪, ૨૦૧, ૧૭૦, ૩૪  મુજબ ગુનો નોંધી હેડકવાર્ટરના સસ્પેન્ડ પોલીસ કર્મચારી કેયુર વનરાજભાઇ આહિર (ઉ.૨૪-રહે. ૩૦૧-એ, શંખેશ્વર એપાર્ટમેન્ટ પટેલ ચોક નાગેશ્વર મંદિરથી આગળ), ટ્રાફિક બ્રાંચના જોગેશ રમેશભાઇ ઠાકરીયા (ગઢવી) (ઉ.૨૯-રહે. રત્નમ્ સીટી ગેઇટ નં. ૨, મકાન નં. ડી-૧૧ એસઆરપી કેમ્પ સામે), પ્રવિણ વજુભાઇ મહિડા (અનુ. જાતી) (ઉ.૩૦-રહે. રામનાથપરા પોલીસ લાઇન બ્લોક નં. ૨ કવાર્ટર નં. ૧૭) તથા ટ્રાફિક વોર્ડન તરીકે કામ કરતાં નવઘણ યોગેશભાઇ દેગડા (ચારણ) (ઉ.૨૧-રહે. વિરડા વાજડી ગામ વીવીપી એન્જિનીયરીંગ કોલેજની સામે પ્રાર્થના એપાર્ટમેન્ટની બાજુમાં)ની ધરપકડ કરી હતી.

ચારેયના ૧૩મી તારીખ સુધી રિમાન્ડ હતાં. જે પુરા થયા બાદ જેલહવાલે થયા છે. બીજી તરફ ત્રણ પોલીસમેનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છ અને વોર્ડનને ડિસમીસ કરી દેવાયો છે.

(3:35 pm IST)