રાજકોટ
News of Sunday, 15th September 2019

સરકાર PUC સર્ટીફીકેટનો આગ્રહ રાખે છે પરંતુ રાજયમાં ગણ્યા ગાંઠયા જ PUC સેન્ટરો છે તેનું શું ?

રહી રહીને આજે ૧૧૦૦ નવા પીયુસી સેન્ટરો ઉભા કરવા જાહેરાત આપી ! હજુ તો રાજયમાં ૧૧૦૦ પીયુસી સેન્ટરો ખોલવા માટે વાહન વ્યહાર ખાતાએ ૪ એકોટબર સુધીમાં ઓનલાઇન અરજીનો મંગાવી છે ત્યારે રાજય સરકારે પીયુસી સર્ટીફીકેટ માટે ૩૦ સપ્ટેમ્બરનીજ મુદત આપતા આ બાબત હાસ્યાસ્પદ બની ?? રાજયમાં નવા પીયુસી સેન્ટરો ખોલવાની પ્રક્રિયા નવેમ્બર સુધી ચાલશે ત્યારે સરકારે પીયુસી સર્ટીફીકેટ માટે ૩૧ ડીસેમ્બર ૧૯ અથવા જાન્યુઆરી ૨૦ સુધીની મુદત આપવા પ્રબળ બનતી લોક લાગણી

રાજકોટ તા. ૧૪ : કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એકટની તમામ જોગવાઇઓના કડક અમલ માટે ભારે દંડની જોગવાઇ કરીને કડક અમલવારી કરતા સરકારના આ નિર્ણય અને દંડની રકમ સામે ભારે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. જેને લઇને કેન્દ્ર રાજય સરકારોને ભારે મુશ્કેલીમાં મુકાવાનો સમય આવી રહ્યો છે.

ગુજરાતની રૂપાણી સરકારે બહુ ઝડપથી કેન્દ્રના નિયમોનો રાજયમાં અમલ કરાવવાની શરૂઆતો કરી દીધી છ.ે અને જાહેરાત કર્યા પછી પી.યુ.સી. સર્ટીફીકેટ નંબર પ્લેટની બાબતમાં બાંધછોડ કરી મુદત વધારવાની પણ નોબત આવી છે.

આવી પરિસ્થિતી વચ્ચે ફરીથી રાજય સરકાર અને વાહન વ્યવહાર ખાતા વચ્ચે સંકલન ન હોવાથી હાસ્યાસ્પદ  બાબત પીયુસી સર્ટીફીકેટ પ્રશ્ને બહાર આવી છે જે રાજય સરકાર માટે મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે.

વાત એવી છે કે કેન્દ્રના વાહનોને લગતી દંડની રકમમાં સુધારા કરી ગુજરાતની રૂપાણી સરકારે ઝડપથી અમલ કરવાની જાહેરાત કર્યા બાદ હોબાળો મચતા તા. ૧ર ના રોજ ફરીથી પીયુસી સર્ટીફીકેટ માટેની મુદત તા. ૩૦ સપ્ટેમ્બર અને એચએસઆરપીની નંબર પ્લેટ માટે ૧૬ ઓકટો. સુધીની મુદત વધારવી પડી છે.

હવે નવાઇની વાત એ છે કે રાજયમાં પીયુસી સેન્ટરની સંખ્યા જ નહિવત હોય રાજયમાં અધધધ કહી શકાય તેટલા ૧૧૦૦ પીયુસી સર્ટીફીકેટ સેન્ટરો ખોલવા માટે વાહન વ્યવહાર ખાતાએ તા. ૧૪ સપ્ટેમ્બરના દૈનિકોમાં જાહેરાત આપીને આ માટે ૪ ઓકટોબર સુધીમાં ઓનલાઇન અરજીઓ મંગાવી છે.

૪ ઓકટો. સુધીમાં અરજી આવ્યા બાદ તેની ચકાસણી કરીને રાજયનું વાહન વ્યવહાર ખાતું પીયુસી સેન્ટરને મંજૂરી આપે અને નવા પીયુસી સેન્ટર ખોલવાની પ્રક્રિયા પુર્ણ થતા જ ઓકટોબર માસ પણ પુર્ણ થઇ જાય  તેવી પરિસ્થિતી વચ્ચે રાજય સરકાર( પીયુસીની મુદત માત્ર ૩૦ સપ્ટેમ્બર સુધી જ નિશ્ચિત કરી એક ઓકટોબરથી ચેકીંગ ઝૂંબેશ કરશે તો વાહન ચાલકો કારણ વગર દંડાશે અને પીયુસી સેન્ટરોમાં કલાકો સુધી ઉભુ રહેવું પડશે.આમ વાહન વ્યવહાર ખાતુ અત્યાર સુધી સુતુ રહ્યું અને હવે નવા સેન્ટરો ખોલવાની જાહેરાત કરી છે. સાથો સાથ રાજય સરકાર અને વાહન વ્યવહાર ખાતા વચ્ચે કોઇ સંકલન ન હોવાની પોલ પણ ખોલી છે ત્યારે રાજય  સરકારે પીયુસી સેન્ટરો રાજયમાં ન ખુલે ત્યાં સુધી જાન્યુઆરી ર૦ સુધી પીયુસી સર્ટીફીકેટમાંથી મુકિત આપવી જોઇએ તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.

(3:35 pm IST)