રાજકોટ
News of Saturday, 15th September 2018

સામાન્ય સભામાં ૨૦ સભ્યોએ વિરૂદ્ધમાં મતદાન કર્યુ છતા નોટીસ માત્ર ૧૨નેજ કેમ? નવો વિવાદ

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના આંતરકલહના કારણે વધુ એક કાનુની લડત

રાજકોટ તા.૧૫: જિલ્લા પંચાયતના ૧૨ બાગી કોંગી સભ્યોને અર્જુન ખાટરિયાની ફરીયાદના આધારે નામો નિર્દેષ અધિકારીએ પક્ષાંતર ધારા હેઠળ નોટીસ ફટકારી તા.૨૭ સપ્ટેમ્બરે જવાબ આપવા આદેશ આપ્યો છે. કોંગ્રેસના આંતરકલહના કારણે વધુ એક વખત કાનુની અને રાજકીય લડાઇનો રસ્તો ખુલ્યો છે. ૨૯ જુલાઇની સામાન્ય સભામાં કોંગીના ૨૦ સભ્યોએ પાર્ટીના આદેશ વિરૂદ્ધ સમિતિઓની રચના માટે મતદાન કર્યુ છતા ત્યારબાદ ૮ સભ્યો ફરી ખાટરિયા જુથ તરફ ઢળતા તેને બાદ કરી બાકીના ૮ સભ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ ફરીયાદ કરવામાં આવી છે.

આવો ભેદભાવ શા માટે? તેવો નવો મુદ્દો ઉભો થયો છે. બાગી જુથના નેતા પુર્વ પંચાયત પ્રમુખ નિલેષ વિરાણીએ આ મુદ્દો ઉઠાવી હાઇકોર્ટમાં જવાન ચીમકી ઉચ્ચારી છે જો કે કાયદાના નિષ્ણાંતો તો એવું કહે છે કે પાર્ટી ધારે તો ઇચ્છે એટલા બાગી સભ્યોને માફી આપી શકે છે.

સામાન્ય સભાની કાર્યવાહી નોંધમાં રર વિરૂદ્ધ ૧૩ સભ્યોએ મતદાન કર્યાનો ઉલ્લેખ છે. જેમાંથી ર સભ્યો ભાજપના હતા બાકીના ૨૦ પૈકી ૧૨ સભ્યોને ગેરલાયક શા માટે ન ઠેરવવા તેવી નોટીસ આપવામાં આવી છે. જો નામો નિર્દેષ અધિકારી સુનાવણીના અંતે ગેરલાયક ઠેરવે અને ત્યારબાદ બાગીઓને કોઇ કાનુની રક્ષણ ન મળે તો જેટલી બેઠકો ખાલી પડે તેના પર પેટા ચૂંટણી આવી શકે છે.(૧.૧૯)

(3:47 pm IST)