રાજકોટ
News of Saturday, 15th September 2018

એરપોર્ટ ફાટક એમ.પી.ના મુક-બધીર યુવાન કાલીરામનું ટ્રેનની ઠોકરે મોત

ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીને આધારે ઓળખ થઇઃ શિતલ પાર્કમાં રહેતાં મૃતકના ભાઇએ લાશ ઓળખી

 જ્યાંથી લાશ મળી તે રેલ્વેના પાટા પાસે રેલ્વે પોલીસ તથા બીજા લોકો અને જેની લાશ મળી તે યુવાન અને ખોપરી પર ઉંડો ઘા જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૫: એરપોર્ટ ફાટક પાસેથી સવારે અજાણ્યા આશરે ૩૦ થી ૩૫ વર્ષના પુરૂષની લાશ મળી આવતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ યુવાનની કાનની પાછળ ખોપરીમાં ઇજા છે. આ ઇજા ટ્રેનની ઠોકરે ચડવાથી થઇ કે પછી કોઇએ કોઇના પ્રહારથી? કે પછી પડી જતાં ઇજા થઇ? તે જાણવા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ટ્રેનની ઠોકર લાગ્યાનું ખુલ્યું હતું. આ યુવાન મુળ મધ્યપ્રદેશનો અને મુક-બધીર હોવાનું ખુલ્યું હતું.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ એરપોર્ટ ફાટક પાસે એક યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં રેલ્વે પોલીસના હેડકોન્સ. ઘનશ્યામસિંહ સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. પરંતુ હદ ગાંધીગ્રામ પોલીસની હોઇ અને ટ્રેનની ઠોકર પણ નહિ લાગી હોવાનું જણાતાં ત્યાં જાણ કરવામાં આવતાં પીએસઆઇ ઓ. જે. ચિહલા, પરાક્રમસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસે તપાસ કરતાં આ યુવાનની ઉમર આશરે ૩૦ થી ૩૫ વર્ષની હોવાનું જણાયું હતું. મૃતકે બ્લુ કલરનું જીન્સ તથા કોફી જેવો શર્ટ પહેરેલો છે. ડાબા કાનની ઉપરની ભાગે ખોપરીમાં મોટો ઉંડો ઘા જોવા મળ્યો હતો. મૃતક પાસેથી મળેલી ચિઠ્ઠીમાં તેના શિતલપાર્કમાં રહેતાં ભાઇનું એડ્રેસ હોઇ તેના આધારે ઓળખ થઇ હતી. મૃતકનું નામ કાલીરામ વૃજલાલ કાછી (ઉ.૩૧) છે. તે મુક-બધીર હતો અને રખડતું જીવન જીવતો હતો.

(3:51 pm IST)