રાજકોટ
News of Saturday, 15th September 2018

ચરસના સોૈદાગર મહેબૂબ ઠેબાને સાથે લઇ ભકિતનગરની ટીમ અજમેર તપાસાર્થે રવાના

મદીના જુણેજાને ગાંજો પુરો પાડનાર સુરતના વિજય ભૈયાની શોધખોળ યથાવત

રાજકોટ, તા. ૧૫: શહેર પોલીસે  જંગલેશ્વરમાંથી રૂ. ૮૧,૩૨,૦૦૦ના ૮ કિલો ૧૩૨ ગ્રામ ચરસ સાથે ચાર શખ્સો જંગલેશ્વર-૧૩/૧૯માં રહેતાં મહેબૂબ ઓસમાણભાઇ ઠેબા (ઉ.૩૭), જંગલેશ્વર-૫ના ઇલ્યાસ હારૂનભાઇ સોરા (ઉ.૨૬), જંગલેશ્વર-૧૩/૧૯ના જાવેદ ગુલમહમદ દલ (ઉ.૩૯) અને જંગલેશ્વર-૧૧ના રફિક ઉર્ફ મેમણ હબીબભાઇ લોયા (ઉ.૫૫)ને ઝડપી લેતાં આ ચરસ છેક કાશ્મીરથી યાકુબખાન નામના શખ્સે સપ્લાય કર્યાની વિગતો બહાર આવી હતી. તેમજ મહેબૂબને કાશ્મીરના શખ્સ સાથે અજમેરના ં એક મુંજાવરે મુલાકાત કરાવી આપ્યાનું પણ બહાર આવ્યું હોઇ એક ટૂકડી તપાસ માટે અજમેર તરફ ગઇ છે. આ ઉપરાંત ગાંજાના જથ્થા સાથ ેઝડપાયેલી મદીના, તેનો પતિ, દિકરી સહિતના પણ ૧૭મી સુધી રિમાન્ડ હોઇ તેની પણ વિસ્તૃત તપાસ થઇ રહી છે. આ ગાંજો આપી જનાર સુરતના વિજય ભૈયાની શોધખોળ થઇ રહી છે.

ચરસ સાથે પોલીસે મહેબુબ ઓસમાણ ઠેબા, તેના સાગ્રીત ઈલિયાસ હારૂનભાઈ સોરા, મહેબૂબના ઉપરના મકાનમાં રહેતાં તેના બનેવી તેમજ મહેબૂબના મિત્ર રફીક ઉર્ફે મેમણને કુલ ૮ કિલો ૧૩૨ ગ્રામ ચરસ (૮૧ લાખ ૩૨ હજાર) ઉપરાંત ૭,૭૦૦ રોકડા અને ૩ મોબાઈલ ફોન સાથે પકડી લીધા હતાં.

ઝડપાયેલા ચારેય શખ્સો સામે એનડીપીએસ એકટની કલમ ૮ (સી), ૨૦-બી (III) સી તથા ૨૯ મુજબનો ગુન્હો ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.  ચારેય આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મંજુર થતાં પોલીસે તપાસ આગળ વધારી હતી. મહેબૂબે એવી કબુલાત આપી હતી કે પોતે ચરસ પીવાનો બંધાણી હોઇ બાદમાં ધીમે-ધીમે પોતે જ આ પદાર્થ મંગાવતો થઇ ગયો હતો. અજમેર નજીક એક દરગારહના મુંજાવર થકી તેની ઓળખ કાશ્મીરના યાકુબ ખાન સાથે થઇ હતી. યાકુબે પોતે ચરસ પુરૂ પાડશે તેવી વાત કરતાં બંને વચ્ચે ડીલીંગ શરૂ થયું હતું અને બે મહિનામાં જ સાત-આઠ કિલો જેટલુ ચરસ તેણે સપ્લાય કર્યુ હતું.

મહેબૂબને આ ચરસનો જથ્થો યાકુબનો રોટલીયો (ફન્ટર) જુનાગઢ તરફનો પટેલબાપુ તરીકે ઓળખાતો મુસ્લિમ શખ્સ આપી જતો હતો. આ શખ્સ પણ જમ્મુ કે શ્રીનગરની જેલમાં હવાની ચર્ચા છે. ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરી હેઠળ એક ટીમ મહેબૂબને સાથ લઇ અજમેર તપાસાર્થે રવાના થઇ છે.

જ્યારે ગાંજા સાથ ેઝડપાયેલા મદીના ઉસ્માન જુણેજા (ઉ.૪૫), તેના પતિ ઉસ્માન લધરભાઇ જુણેજા (ઉ.૪૯), દિકરી અફસના સલિમ કઇડા (ઉ.૨૫) રિમાન્ડ પર હોઇ તેની તપાસમાં ગાંજો કાર મારફત સુરતથી વિજય ભૈયો આપી ગયાનું બહાર આવ્યું હોઇ આ શખ્સની પણ શોધખોળ થઇ રહી છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ સરવૈયા, એસીપી બી. બી.રાઠોડની રાહબરીમાં પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, ઇન્દુભા રાણા, નિલેષભાઇ મકવાણા, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, મહેન્દ્રસિંહ ડોડીયા, ભાવેશભાઇ મકવાણા, વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા, વાલજીભાઇ જાડા, રાજેશભાઇ ગઢવી, હિતેષભાઇ અગ્રાવત સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે. (૧૪.૬)

(12:26 pm IST)