રાજકોટ
News of Friday, 14th September 2018

પૈસાની લેતી-દેતીમાં હરીફના રહેણાંક પર ફાયરીંગ કરી નાસી છુટેલા અઠંગ ચોરને ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચઃ ૮૦ લાખની ચોરી સહિત અનેક ગુન્હામાં વોન્ટેડ

બે વર્ષથી વોન્ટેડ હિતેષ ઉર્ફે હિતીયો ખીમસુરીયા અને હુમલાના ગુન્હામાં લાંબા સમયથી ફરાર બે વોન્ટેડને દબોચી લેવાયા : લેણદારોમાં ભય પેદા કરવા હિતેષ ઉર્ફે હિતીયાએ ૧પ દિવસ પહેલા અબ્દુલ સુલેમાનની હત્યાની કોશીષ અને સરાજાહેર ફાયરીંગ કર્યા'તાઃ બીજો આરોપી ચેતન રાઠોડ લોધીકા, સુરત, પીપાવાવના હત્યાની કોશીષ અને હુમલાના ગુન્હામાં વોન્ટેડ હતોઃ એસીપી જયદીપસિંહ સરવૈયા અને પીઆઇ એચ.એમ.ગઢવીની ટુકડીની સફળ કામગીરી

રાજકોટ, તા., ૧૪: ક્રાઇમ બ્રાન્ચે જુદા-જુદા ગુન્હાઓમાં લાંબા સમયથી વોન્ટેડ બે આરોપીઓને ઝડપી લઇ અણઉકેલ ગુન્હાઓ ઉકેલવા પ્રયાસો આદર્યા છે. ક્રાઇમ બ્રાન્ચના  એસીપી જયદીપસિંહ સરવૈયા અને પીઆઇ હિતેષદાન ગઢવીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં વોન્ટેડ હિતેષ ખીમસુરીયા અને ચેતન રાઠોડના ગુન્હાહીત ઇતિહાસ અંગે માહીતી આપી હતી.

બે વર્ષથી વોન્ટેડ અઠંગ ચોર અને તાજેતરમાં ફાયરીંગ કરી નાસી છુટેલો હિતેષ ખીમસુરીયા

તાજેતરમાં હરીફ અબ્દુલ સુલેમાનના ઘર ઉપર  સાગ્રીતો સાથે ગંજીવાડામાં ધસી જઇ ધડાધડ ફાયરીંગ કરી અબ્દુલની હત્યાની કોશીષ અને ત્યાંથી આગળ જઇ એસી ફુટના રોડ ઉપર અમુલ સર્કલ પાસે સરાજાહેર ફાયરીંગ કરી ખોફ ઉભો કરવાની ઘટનામાં સંડોવાયેલો હિતેષ ઉર્ફે હિતીયો ખીમસુરીયા આજી ડેમ ચોકડીથી માંડા ડુંગર તરફ જઇ રહયાની બાતમી હેડ કોન્સ્ટેબલ જગમાલભાઇ ખટાણા, મયુરભાઇ પટેલ, રવીરાજસિંહ પરમાર અને ફિરોજ શેખને મળી હતી. બાતમી મળતાની સાથે જ પીએસઆઇ આર.સી.કાનમીયા સહિતનો કાફલો સંબંધીત સ્થળે ધસી ગયો હતો. આ દરમિયાન જીજે-૧૦ એસી-૪૪૧ર નંબરની અલ્ટોમાંથી હિતેષ ખીમસુરીયા પસાર થતા આંતરી લેવાયો હતો. પીએસઆઇ કાનમીયા, એએસઆઇ રણજીતસિંહ ઠાકુર, બીપીનદાન ગઢવી, જયસુખભાઇ હુંબલ, મયુર પટેલ, સંતોષ મોરી, સંજય રૂપાપરા, રવીરાજસિંહ પરમાર અને સ્નેહ ભાદરકા સહિતની ટુકડીએ હિતેષ ખીમસુરીયાને ઝડપી લેવા માટે જહેમત ઉઠાવી હતી.

અલ્ટો કાર અને હિતેષની અંગજડતી દરમિયાન બે કાર્ટીસ લોડ કરેલી દેશી બનાવટની પિસ્તોલ અને એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો.

ઝડપાયેલો હિતેષ ખીમસુરીયા અઠંગ ઘરફોડીયો છે. છેલ્લા બે વર્ષથી તે રાજયના અનેક શહેરોની પોલીસના ચોપડે વોન્ટેડ હતો. બે-અઢી વર્ષ પહેલા તેણે તેના સાગ્રીત રાહુલ ગોહેલ સાથે મળી જેતપુરમાં ૮૦ લાખની મતાની ચોરી કરી હતી. આ ગુન્હામાં પણ તે વોન્ટેડ છે. બે વર્ષ પહેલા રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આમર્સ એકટના ગુન્હામાં પણ પોલીસ તેને શોધી રહી હતી. રાજકોટ રેલ્વે તથા જેતલસર રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હાઓમાં  તેના જામીન રદ થતા રેલ્વે પોલીસ પણ તેને શોધી રહી હતી. અગાઉ રાજકોટના માલવીયા નગર, ભકિતનગર, બી ડીવીઝન, રાજકોટ તાલુકા, કુવાડવા રોડ પોલીસ સ્ટેશન, થોરાળા પોલીસ સ્ટેશન, મોરબી, ટંકારા, જેતપુર, જેતલસર, રાજકોટ રૂરલના શાપર અને કોટડા સાંગાણીના ચોરીના ગુન્હાઓ અને બે વર્ષ પહેલા ગેરકાયદે હથીયાર સહિત ૧૭ થી ૧૮ ગુન્હામાં પકડાયો ત્યાર બાદ જામીન પર છુટી અંકલેશ્વર ભરૂચ તરફ પોતાનું કાર્યક્ષેત્ર વધાર્યુ હતું.

૧પ દિવસ પહેલા પૈસાની લેતી-દેતીના મામલે અબ્દુલ સુલેમાન ઉપર તેણે પ્રવિણ ઉર્ફે પલીયા અને સુરેશ ઉર્ફે વાંકો જીવરાજ કોળી તથા નરેશ ઉર્ફે લલ્લો વાલજી બાવળીયા સાથે મળી પોતાની પિસ્તોલમાંથી ફાયરીંગ કર્યા હતા. આ ગુન્હામાં આજે તેની ધરપકડ કરવામાં આવી છે અને તેના અન્ય સાગ્રીતોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

હત્યાની કોશીષ-હુમલાના ગુન્હામાં વોન્ટેડ ચેતન રાઠોડ

ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ મહાવીરસિંહ જાડેજાની ટુકડીએ હત્યાની કોશીષ-હુમલાના બનાવોમાં વોન્ટેડ ચેતન હસમુખભાઇ રાઠોડ (ઉ.વ.ર૭) (રહે. રેસકોર્ષ પાર્ક-ર, કેશવલાલ દલના મકાનમાં)  ને બાતમીના આધારે તેના રહેણાંક પાસેથી ઝડપી લીધો હતો. એએસઆઇ જયદીપસિંહ રાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ફિરોઝ શેખ અને યોગીરાજસિંહને મળેલી બાતમી પરથી  પીએસઆઇ મહાવીરસિંહ જાડેજા, પ્રતાપસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ, હરદેવસિંહ જાડેજા, શોકતખાન ખોરમ અને અમીત ટુંડીયાએ હત્યાની કોશીષ અને લોહીયાળ હુમલાઓની ઘટનામાં સંડોવાયેલા ચેતનને ઝડપી લીધો હતો.

આ શખ્સે નવેક માસ પહેલા સુરતના કામરેજમાં મારામારી કરી હતી. આ ઉપરાંત રાજકોટ નજીકના ખીરસરા પેલેસ પાસે એક શખ્સને છરીના ઘા મારી ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. આશરે પાંચેક માસ પહેલા આ બનાવ બન્યો હતો. આ ઉપરાંત પીપાવાવ ખાતે હત્યાની કોશીષ કરી હતી. જેનો કેસ રાજુલા સેસન્સ કોર્ટમાં ચાલુ છે. પરંતુ તે હાજર રહેતો ન હોય રાજુલા કોર્ટે પકડ વોરન્ટ કાઢયું હતું જે પણ પેન્ડીંગ છે. આ પહેલા રાજકોટના ગાંધીગ્રામ અને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ અને હત્યાની કોશીષમાં ઝડપાઇ ચુકયો છે.

ચેતન રાઠોડ થોડા સમય પહેલા કુખ્યાત બનેલી કાલાવડ રોડ પરની એમ.જી. હોસ્ટેલમાં પણ આશરો મેળવતો હોવાનું બહાર આવ્યું છે.

(4:06 pm IST)