રાજકોટ
News of Friday, 14th September 2018

આઇ.સી.આઇ.સી.બેંકમાં નકલી સોનું ગીરવે મુકીને લોન મેળવી ઠગાઇ કરવા અંગે આરોપીના જામીન રદ

રાજકોટ તા.૧૪: આઇ.સી.આઇ.સી.આઇ. બેંક પાસે સોના ઉપરનુ ધીરઆમ મેળવવા માટે જયદિપના ખોટા નામ સાથે હાજર થઇ પિતળના દાગીના ઉપર સોનાનો ગ્લેડ ચડાવી રૂ.૩૧-લાખની લોન અપાવનાર યુવરાજસિંહ ઉર્ફે લક્કીરાજસિંહ જગતસિંહ જાડેજાની જામીન અરજી એડી.સેશન્સ જજે રદ કરેલ છે.

આ કેસની હક્કિત એવા પ્રકારની છે કે, આરોપી યુવરાજસિંહ ઉર્ફે લકકીરાજસિંહ જગતસિંહ જાડેજાએ આઇ.સી.આઇ.સી.આઇ. બેંકમાં જઇ સોનાના દાગીના ઉપર લોન મળવા માટે માંગણી કરેલ અને તેમની સાથે અંજલીબા રાજદિપસિંહને લઇ પોતાના દાગીના ગીરવે મુકી લોન મેળવેલ. આ રીતે પ્રથમ પ્રયાસમાં સફળ થતા ફરી વખત બેંકમાં બીજા અરજદાર સાથે આવી ફરી વખત ખોટા સોનાના દાગીના ઉપર લોન મેળવેલ. આ રીતે બીજી વખત પણ સફળ થતા આરોપીઓએ આ બેંકની અન્ય બ્રાંચમાં જઇને વધુ બે વખત લોન મેળવેલ. બેંકના નિયમીત ઓડીટ દરમ્યાન જાણમાં આવેલ કે આ સોનાના દાગીનામાં સોનુ ફકત ઉપરથીજ ચડાવેલ અને અંદર પિતળના દાગીના છે. આમ બનતા બેંક દ્વારા પોલીસમાં ફરીયાદ થયેલ જેમાં યુવરાજસિંહ ઉર્ફે લક્કીરાજસિંહ જગતસિંહ જાડેજા અને અન્ય આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરવામાં આવેલ.

શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલશ્રી સંજયભાઇ કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ કે આઇ.સી.આઇ.સી.આઇ.બેંક પાસે આ આરોપીઓને જવાનુ કોઇ કારણ ન હતુ કારણ કે બેંક સાથે તેમને કોઇ વ્યવહાર નથી. તેમ છતા સી.સી.ટી.વી.ના ફોટા જોતા આ આરોપી અંજલીબા રાજદિપસિંહ સાથે તથા ત્યારબાદ બીજા આરોપી સાથે બીજી વખત લોન લેવા ગયેલ છે અને લોન મેળવ્યા બાદ પરત ભરપાઇ કરવા માટે કોઇ આરોપી આવેલ નથી.

આ વર્તનથી સાબિત થાય છે કે આરોપીઓનો ઇરાદો પ્રથમથી જ બેંક સાથે છેતરપીંડી કરી આટલી મોટી રકમની ઉચાપત કરવાનો હતો. આ ઉપરાંત તપાસ દરમ્યાન આરોપીએ આપેલ નિવેદનો ધ્યાનમાં લેતા આ લોનની રકમમાંથી બુલેટ મોટરસાઇકલ જેવા વાહનો પાછળ તથા મોજશોખ પાછળ લોનના પૈસા વાપરી નાખેલ હોવાનુ જણાય છે. આ તમામ સંજોગો જોતા આરોપીઓનું ગુનાહીત માનસ ધ્યાનમાં રાખી તેઓની જામીન અરજી રદ કરવી જોઇએ. શ્રી સરકાર તરફેની આ રજુઆતો ધ્યાનમાં લઇ એડી.સેશન્સ જજ શ્રી ટી.એસ.બ્રહ્મભટે યુવરાજસિંહ ઉર્ફે લક્કરાજસિંહ જગતસિંહ જાડેજાની જામીન અરજી રદ કરેલ છે.

આ કેસમાં જિલ્લા સરકારી વકિલ શ્રી સંજયભાઇ કે.વોરા તથા બેંક પતી પેનલ એડવોકેટ શ્રી પૂર્વેશ પી.કોટેચા રોકાયેલા હતા.

(4:00 pm IST)