રાજકોટ
News of Friday, 14th September 2018

દેશી તમંચા કાર્ટીસ સાથે પકડાયેલ બે આરોપીઓનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા.૧૪: દેશી તમંચા તેમજ કારટીસ સાથે પકડાયેલા બે આરોપીઓનો અદાલતે નિર્દોષ છુટકારો કરેલ છે.

આ બનાવની વિગત એવી છે કે આ કામના ફરિયાદી એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. કે.કે. ઝાલા સહિતના માણસો સાથે તા. ૧૬-૬-૨૦૧૫ના રોજ પેટ્રોલીંગમાં હતાં ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે ''એ'' ડિવીઝનના લુંટના આરોપીઓ લુંટની રકમની ભાગ બટાઇ કરી ભાગી જવાની પેરવીમાં છે તેમજ તેઓ ગ્રીનલેન્ડ ચોકડી પાસે, બસ સ્ટોપ પાસે ઉભેલ છે તેથી ત્યાં રેડ કરતાં આરોપી (૧) રવિ ભીખારામ ગોંડલીયા, (ર) પ્રતાપ જીલુભાઇ ખાચર વિગેરે ચાર આરોપીઓ પાસેથી લુંટની રકમ મળી આવેલ તેમજ ઉપરોકત બંને આરોપીઓ પાસેથી દેશી બનાવટનો તમંચો તેમજ જીવતા કાર્ટીસ નંગ -૩ મળી આવતાં તેઓ ઉપર આર્મ્સ એકટ મુજબનો ગુનો નોંધી ધરપકડ કરેલ હતી.

ત્યારબાદ ઉપરોકત ગુનાનાં કામે કેસ ચાલી જતાં બચાવપક્ષે બંને આરોપીઓના એડવોકેટ અમીત એન. જનાણીએ દલીલમાં જણાવેલ કે હાલના કેસમાં કોઇ સ્વતંત્ર સાહેદ કે બનાવ સ્થળના સ્થાનિક માણસોના નિવેદનો લેવામાં આવેલ નથી તેમજ સદર હાલના કામે ફરિયાદી તેમજ તપાસ કરનાર અધિકારી પણ એક જ છે. જેને ધ્યાને લઇ આરોપીઓ વિરૂદ્ધનો કેસ ફરિયાદ પક્ષ નિઃશંકપણે પુરવાર કરી શકેલ ન હોય, નિર્દોષ છોડી મુકવા દલીલો કરેલ.

ઉપરોકત રજુઆતોને ધ્યાને લઇ રાજકોટના જયુડી. મેજી. શ્રીએ બંને આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપી (૧)રવિ ભીખારામ ગોંડલીયા, (ર) પ્રતાપ જીલુભાઇ ખાચર વતી રાજકોટના ધારાશાસ્ત્રી અમીત એન. જનાણી રોકાયેલ હતા.

(4:00 pm IST)