રાજકોટ
News of Friday, 14th September 2018

મોબાઇલના સર્વિસ સેન્ટરમાં તોડફોડ કરી મારકુટના ગુનામાં આરોપીઓનો છુટકારો

રાજકોટ, તા. ૧૪ : માલવીયા ચોક, પ્રમુખ સ્વામિ આર્કેડમાં આવેલ સેમસંગના સર્વિસ સેન્ટરમાં કરવામાં આવેલ તોડફોડના ગુન્હામાં આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો અત્રેની અદાલતે હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, આ કામના ફરીયાદી રવિ પ્રવિણભાઇ શીશાંગીયા, રહે. કૃષ્ણનગર શેરી નં.૧૦, સ્વામિનારાયણ ચોક, રાજકોટના માલવીયા ચોક, પ્રમુખ સ્વામિ આર્કેડ, શ્રી વલ્લભ સર્વિસ સેન્ટર 'જયુબેલી બીટ'માં આવેલ સેમસંગના સર્વિસ સેન્ટરમાં મેનેજર તરીકે નોકરી કરતા હોય જે સર્વિસ સેન્ટરમાં આ કામના આરોપી નં.૧ ભગીરથસિંહ સુખદેવસિંહ ઝાલા, રહે. મું. રકતનપર, તા.જી.રાજકોટવાળા તેનો મોબાઇલ રીપેરીંગ કરવા આવેલ, પરંતુ સવિસ સેન્ટરનો સમય પૂરો થઇ ગયેલ હોય જેથી મોબાઇલ જોવાની કે રાખવાની ના પાડતા આરોપી નં.૧ પ્રથમ ગાળો આપી જતો રહેલ. ત્યારબાદ અન્ય આરોપીઓ (૧) મયુરસિંહ નિર્મળસિંહ ઝાલા, રહે. મુ. રતનપર, તા.જી. રાજકોટ (ર) પ્રતિપાલસિંહ કિરીટસિંહ રાયજાદા, રહે. મુ. લાઇટ હાઉસ રોડ, જામફરાબાદ, (૩) હર્ષદીપસિંહ ઉર્ફે બબલી ચંદ્રસિંહ જાડેજા, રહે. વિવેકાનંદનગર, મુ. વાંકાનેર, જી. રાજકોટ, (૪) રવિરાજસિંહ જયદેવસિંહ જાડેજા રહે.-રામકૃપા ડેરીવાળી શેરી, યુનિવર્સિટી રોડ, રાજકોટ, (પ) પૃથ્વીરાજસિંહ ભરતસિંહ પરમાર, રહે. સર્વોદય સોસાયટી, મુ. થાન તા.ચોટીલા, જી. સુરેન્દ્રનગરવાળા આવી ગેરકાયદેસર મંડળી રચી સમાન ઇરાદો પાર પાડવા સર્વિસ સેન્ટરમાં લાકડાના પાવડાના હાથા વડે સાહેદોને ગાળો આપી માથામાં તથા હાથે માર મારી હાથે ફ્રેકચર જેવી ઇજા પહોંચાડી સર્વિસ સેન્ટરમાં રહેલ કોમ્પ્યુટર, સી.પી.યુ., મોબાઇલ, વિન્ડો કાચ તોડી નાખી આશરે પ૦,૦૦૦/-નુકશાની કરી ગુન્હો કરેલ હતો.

ઉપરોકત ગુનાનું ચાર્જશીટ થયા બાદ સદર કેસ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા ફરીયાદી, સાહેદો તથા પંચોને તપાસી લીધા બાદ સરકારી વકીલશ્રી તથા આ કામના આરોપીઓના એડવોકેટશ્રીની દલીલો સાંભળી આ કેસના તમામ પુરાવાઓનું મૂલ્યાંકન કરી આ કામના આરોપીઓ વિરૂદ્ધ પૂરતો પુરાવો ન જણાય આવતા આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપીઓ વતી રાજકોટના ધારાશાસ્ત્રી મુકુંદસિંહ વી. સરવૈયા, શૈલેષગીરી કે. ગોસ્વામી, ગીરીશપુરી એન. ગોસ્વામી, જીનીયશકુમાર જે. સુવેરા તથા જીતેન એ. ઠાકર, રચિત એમ. અત્રી (આસીસ્ટન્ટ) રોકાયેલ હતાં.

(3:59 pm IST)