રાજકોટ
News of Friday, 14th September 2018

વોર્ડ નં.૩ના વિવિધ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજયઃ ગાયત્રીબાનો આક્રોશ

સંતોષીનગર, પોપટપરા, રૂખડિયાપરા સહિતનાં વિસ્તારનાં પ્લોટ, વોંકળામાં કચરાના ઢગલાઃ જેલ માંથી નિકળતો એઠવાડ- કચરો લોકો માટે અસહયઃ તંત્ર જાગે

રાજકોટ તા.૧૪: શહેરના વોર્ડ નં.૩ના  પોપટપરા, સંતોષીનગર, રૂખડીયા પરા સહિતના વિસ્તારના પ્લોટ, વોંકળામાં કચરા-ગંદકીની સમસ્યા ઉકેલવા પુર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નં. ૩ના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા રજુઆત કરવામાં આવી છે.

આ અંગે ગાયત્રીબા એ પત્રમાં જણાવેલ હતું કે, શહેરમાં વોર્ડ નં.૩માં સંતોષીનગર, પોપટપરા, રૂખડીયાપરા સહિતનાં વિસ્તારોમાં તેમજ ખુલ્લા પ્લોટો તેમજ મ.ન.પા.ના સાર્વજનિક પ્લોટોમાં તેમજ વિસ્તારમાંથી પસાર થતા વોંકળાઓમાં ઠેર-ઠેર ગંદકી અને કચરાના ઢગલાઓ જોવા મળે છે. અનેક ફરિયાદો છતાં મ.ન.પા.નું સફાઇતંત્ર કયારેક વી.વી.આઇ.પી.ઓની સેવામાં વ્યસ્ત તો કયાંક મેેળાઓમાં મસ્ત બન્યું છે. શહેરમાં રોગચાળો દિવસે-દિવસે વધતો જાય છે. પરંતુ તંત્ર સફાળ બાબતે ભયંકર લાપરવાહી દાખવી રહયું છે ને લોકોના જાનને જોખમમાં મુકી રહયું છે શહેરની મોટી હોટલો તેમજ ખાનગી ધંધા વાળાઓ પોતાના ધંધાનાં સ્થળ માંથી નિકળતો કચરો નજીકનાં વોંકળાઓમાં, સાર્વજનિક પ્લોટોમાં કે આજી નદીનાં અવાવરું રોડ -રસ્તા ઉપર ફેંકી જતાં હોય છે. શહેરનાં વોર્ડનં. ૩માં આવેલ પોપટપરા જેલની પાછળના રોડ ઉપર જુની માઉન્ટેન પોલીસલાઇન નજીક મામા સાહેબની જગ્યા પાસે પોપટપરા જેલ માંથી નીકળતો એઠવાડ સહિતનો બધોજ કચરો ટ્રેકટરો ભરી આ જાહેર રોડના કિનારે ઠલવવામાં આવે છે. જેમાંથી ભયંકર દુર્ગંધ આવે છે. રાહદારીઓને તેમજ આજુબાજુમાં વસવાટ કરતા લોકોનું જનઆરોગ્ય જોખમાય છે. ત્યારે મ.ન.પા.નાં તંત્રને આ બાબતે રજુઆત કરવા છતાં આ સમસ્યા ઉકેલાઇ નહિ હોવાનું ગાયત્રીબાએ જણાવ્યું હતું.

ત્યારે વોર્ડ નં.૩નાં પછાત વિસ્તારો માંથી તાત્કાલિક ધોરણે કચરાનાં ઢગલાઓ ઉપાડી વોંકળાઓની પણ સફાઇ કરવા માંગ કરવામાં આવી છે.

(3:58 pm IST)