આજીડેમ ચોકડી પાસે ટ્રકે બાઇકને ઉલાળતાં ઉદયનગરના વંદનાબેન દેવમુરારીનું પતિ-પુત્રીની નજર સામે જ મોતઃ ૧૧ વર્ષની પુત્રી હેત્વીને ઇજા
પતિ-પુત્રી સાથે પિતાની ઘરે બેસવા જતી વખતે બનાવ
રાજકોટઃ કોઠારીયા ચોકડીથી આજીડેમ ચોકડી તરફ જતાં ઇન્ડિયન ઓઇલ પંપ નજીક રોડ પર ટ્રક નં. જીજે૨૫ગે-૯૭૯૭ના ચાલકે બાઇક નં. જીજે૦૩એલસી-૮૪૨૨ને ઠોકરે લેતાં બાઇક ચાલક મવડી રોડ ઉદયનગર-૨ના ચેતનભાઇ અરવિંદભાઇ દેવમુરારી (ઉ.વ.૩૧) તથા પાછળ બેઠેલા તેમના પત્નિ વંદનાબેન (ઉ.વ.૩૦) અને પુત્ર હેત્વી (ઉ.વ.૧૧) રોડ પર ફેંકાઇ ગયા હતાં. જેમાં વંદનાબેનને માથા, મોઢા પર ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રી હેત્વીને ઇજા થતાં સારવાર માટે ખસેડાઇ હતી. અકસ્માત સર્જી ચાલક ટ્રક મુકી ભાગી ગયો હતો.
આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. મનહરસિંહ બી. જાડેજાએ ચેતનભાઇની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુન નોંધ્યો છે. ચેતનભાઇ પાણીના જગની રિક્ષાના ફેરા કરે છે. સંતાનમાં બે પુત્ર છે. પોતે ગઇકાલે પત્નિ અને એક દિકરીને લઇ આજીડેમ ચોકડી નજીક રહેતાં સસરાના ઘરે બેસવા જઇ રહ્યા હતાં ત્યારે આ બનાવમાં પત્નિ ગુમાવી હતી. બનાવથી બે દિકરીઓ મા વિહોણી થતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.