રાજકોટ
News of Saturday, 15th August 2020

અમારો ઘોડો હવે પછી જિંદગીમાં કયારેય પોલીસ ગ્રાઉન્ડમાં બાંધ્યો છે તો તને અને તારા સાહેબોને પતાવી દઇશું: પોલીસમેનને મહમદ ગોલીના પુત્ર અકિલ સહિત ચારની ધમકીઃ હુમલો

માઉન્ટેન પોલીસ લાઇન ઘોડેશ્વાર વિભાગના પોલીસમેન જાવેદભાઇ ચાનીયાને મહમદ ગોલીના પુત્ર અકિલ સહિત ત્રણે છરી બતાવી ઘુસ્તાવી તેની જ લાકડીથી ફટકાર્યા : રખડતો ઘોડો પોલીસ ગ્રાઉન્ડમાં બાંધી લીધો હોઇ તેને માફી માંગી ત્રણ શખ્સો છોડાવી ગયા બાદ કાવત્રુ ઘડી પોલીસમેનને પોપટપરા પાસે આંતરી માર માર્યો

રાજકોટઃ પોપટપરામાં રહેતાં મહેબૂબ ગોલીના પુત્ર અને બીજા ત્રણ જણાએ માઉન્ટેન પોલીસ લાઇન ઘોડાસ્વાર વિભાગમાં ઘોડાની દેખરેખની ફરજ બજાવતાં પોલીસમેનને પોપટપરામાં આંતરી 'અમારો ઘોડો હવે પછી જિંદગીમાં કયારેય પોલીસ ગ્રાઉન્ડમાં બાંધતો નહિ, નહિતર તને અને તારા સાહેબોને છરીના ઘા મારી પતાવી દઇશું' તેમ કહી ઢીકા-પાટુનો માર મારી તેમજ પોલીસમેનના બાઇકમાંથી તેની જ લાકડી કાઢી તેનાથી પણ માર મારતાં ફરિયાદ થઇ છે. રખડતો અજાણ્યો ઘોડો પોલીસ ગ્રાઉન્ડમાં આવ્યો હોઇ પોલીસમેને નિયમ મુજબ આ ઘોડાને ગ્રાઉન્ડ બહાર બાંધી દીધો હતો. આ ઘોડાને ત્રણ શખ્સો માફી માંગી પીઆઇ પાસેથી છોડાવી ગયા બાદ ત્રણેયએ મહેબૂબ ગોલીના છોકરા સાથે મળી ડખ્ખો કર્યા હતો. કાવત્રુ અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરાઇ છે.

બનાવ અંગે પ્ર.નગર પોલીસે પોપટપરા કૃષ્ણનગર-૪માં રહેતાં પોલીસ કોન્સ્ટેબલ જાવેદભાઇ ઇબ્રાહીમભાઇ ચાનીયા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી સમીર, અકિલ મહેબૂબ ગોલી તથા બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૩૨, ૧૨૦-બી, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

જાવેદભાઇ પોલીસ હેડકવાર્ટર માઉન્ટેન વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને સરકારી ઘોડાઓની સારસંભાળ તથા બીજી ફરજો બજાવે છે. ગઇકાલે તેઓ સવારે આઠ થી બપોરના એક સુધી ફરજ પર માઉન્ટેન પોલીસ લાઇન ઘોડા વિભાગમાં હતાં ત્યારે સાથે રાજુભાઇ, વિજયસિંહ, મેજર જેસીંગભાઇ લાવડીયા સહિતનો સ્ટાફ પણ હતો. આ વખતે સરકારી ઘોડાના ગ્રાઉન્ડમાં એક બહારનો અજાણ્યો ઘોડો આવી જતાં તેને ગ્રાઉન્ડ બહાર બાંધી લીધો હતો. એ પછી બપોરે ત્રણેક શખ્સો આવ્યા હતાં અને ઘોડો છોડાવવા ઘોડેસ્વાર વ્ભિાગની ઓફિસે આવ્યા હતાં.

આ વખતે જાવેદભાઇ ત્યાં હાજર હોઇ તેણે 'તમે જે ઘોડો બાંધી લીધો છે તે અમારો છો અને અમે છોડાવવા આવ્યા છીએ' તેમ કહેતાં જાવેદભાઇ આ ત્રણેયને ઘોડેશ્વાર વિભાગના ઇન્સ્પેકટર બી. એસ. સરવૈયા પાસે લઇ ગયા હતાં. આ ત્રણમાં એકનું નામ સમીર હતું. તેણે હવે પછી ઘોડો પોલીસ ગ્રાઉન્ડમાં નહિ આવે તેવી બાહેંધરી આપી હતી. ત્યારબાદ પીઆઇએ ઘોડો છોડી દેવાનું કહેતાં ઘોડો છોડી દીધો હતો. એ પછી સવા એકાદ વાગ્યે જાવેદભાઇ નોકરી પુરી કરી ઘરે મોટરસાઇકલ લઇને જમવા માટે જતાં હતાં ત્યારે પોપટપરા રોડ પર રોડ પર ૪૭-સિલેકશન નામની દૂકાન પાસે ઘોડો છોડાવી જનાર સમીર તથા અજાણ્યા બે શખ્સો ઉભા હતાં. તેમજ મહમદ ગોલીનો છોકરો અકિલ પણ હતાં. આ ચારેયએ તેને રોકી જબરદસ્તીથી ઉભા રાખેલ. અકિલે પેન્ટના નેફામાંથી છરી કાઢી હતી અને બે શખ્સોએ ગાળો આપી ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેમજ ગાળો દીધી હતી. આ ઉપરાંત હવે પછી જિંદગીમાં કયારેય પણ અમારો ઘોડો પોલીસ ગ્રાઉન્ડમાં બાંધી ન દેતો નહિતર છરીના ઘા મારી તને અને તારા સાહેબોને પતાવી દઇશ. તેમ કહી સમીરે જાવેદભાઇના મોટરસાઇકલમાંથી લાકડી કાઢી એ જ લાકડીથી માર માર્યો હતો. તેઓ દેકારો કરવા માંડતાં લોકો ભેગા થઇ જતાં બધા ભાગી ગયા હતાં.

પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં હેડકોન્સ. વી. બી. રાજપૂતે ગુનો નોંધ્યો છે. પીએસઆઇ બી.વી. બોરીસાગર અને ટીમે તપાસ હાથ ધરી છે.

(11:58 am IST)