રાજકોટ
News of Thursday, 15th August 2019

રાજકોટમાં જૂગારના પાંચ દરોડાઃ એક વૃધ્ધા પોતાના ઘરમાં જૂગાર રમાડતા'તાઃ કુલ ૨૫ પકડાયા

કોઠારીયા રોડ, કુબલીયાપરા, રેલનગર, રૈયાધાર કવાર્ટર અને કાલાવડ પર દરોડા

રાજકોટ તા. ૧૬: પોલીસે જુદા-જુદા સ્થળે જૂગારના પાંચ દરોડા પાડી ત્રણ મહિલા સહિત ૨૫ને પકડી લીધા હતાં. આ દરોડામાં કુલ રૂ. ૬૭૬૭૦ની રોકડ કબ્જે લીધી હતી.

વૃધ્ધાના ઘરમાં ભકિતનગર પોલીસનો દરોડો

ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ પુનિત સોસાયટીમાં રાંદલ કૃપા નામના સરોજબેન અરવિંદભાઇ ભુપતાણી (ઉ.૬૩) નામના વૃધ્ધાના મકાનમાં દરોડો પાડી તેને તથા અન્ય બે મહિલા સહિત ૮ને પકડી લઇરૂ. ૪૧૩૭૦ કબ્જે લીધા હતાં. પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ જેબલીયા અને ટીમે વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા અને ભાવેશભાઇ મકવાણાની બાતમી પરથી દરોડો પાડ્યો હતો. 

મચ્છી ચોકમાં થોરાળા પોલીસનો દરોડો

જ્યારે થોરાળા પોલીસે કુબલીયાપરા મચ્છી ચોકમાં દરોડો પાડી જાહેરમાં જૂગાર રમતાં જંગલેશ્વરના અયુબ, કુબલીયાપરાના સાગર , યુવરાજનગરના વિજય, બેડીપરાના સોૈફીને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૨૨૭૦ની રોકડ કબ્જે લીધી હતી. એએસઆઇ બી. જે. જાડેજા, સહદેવસિંહ જાડેજા સહિતે પી.આઇ. બી.ટી. વાઢીયાની રાહબરીમાં દરોડો પાડ્યો હતો.

મહારાણા ટાઉનશીપમાં પ્ર.નગર પોલીસનો દરોડો

ત્રીજા દરોડામાં પ્ર.નગર પોલીસે રેલનગર મહારાણા ટાઉનશીપમાં પાડી જાહેરમાં તિનપત્તી રમવા બેઠેલા આ ટાઉનશીપમાં જ રહેતાં રાકેશ , અજય, અમિત, રવિ તથા ઇરશાદને પકડી લઇ ગંજીપાના તથા ૫૨૭૦ રોકડા કબ્જે લીધા હતાં. પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં એએસઆઇ સુરેશભાઇ જોગરાણા, હિરેનભાઇ સહિતે દરોડો પાડ્યો હતો.

યુનિવર્સિટી પોલીસના બે દરોડોઃ એક ભાગ્યો

ચોથા દરોડામાં યુનિવર્સિટી પોલીસની ટીમે રૈયાધાર મફતીયાપરા પાસે આરએમસી ચાર માળીયા કવાર્ટર બ્લોક નં. એચ-૩માં રહેતાં ચંદન, આકાશ અને  અમિતને પકડ્યા હતાં અને રૂ. ૫૪૫૦ રોકડા તથા બે મોબાઇલ ફોન મળી રૂ. ૧૫૪૫૦ કબ્જે લીધા હતાં. દરોડો પડતાં એક શખ્સ નાશી ગયો હતો.

પાંચમો દરોડો પણ યુનિવર્સિટી પોલીસે પાડ્યો હતો. કાલાવડ રોડ રંગીલા પાર્ક સામે શ્રીજી ફૂડની સામે સિતારામ પાર્કમાં રહેતાં ધ્રુવનારાયણ ઉર્ફ ભાણા શ્રીરામગોપાલ સવિતા (પંજાબી) (ઉ.૨૯)ના ઘરમાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી દરોડો પાડી તેને તથા સંજય, અકરમ, રમેશ અને રજત ને પકડી લઇ રૂ. ૧૨૯૫૦ની રોકડ અને ગંજીપાના કબ્જે લેવાયા હતાં. પી.આઇ. એ.એલ. આચાર્યની રાહબરીમાં આ દરોડા પાડવામાં આવ્યા હતાં.

(11:55 am IST)