રાજકોટ
News of Saturday, 15th June 2019

હિન્દી બાળપોથી, પહેલી, દૂસરી, તીસરી અને વિનીતીની પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાશે

સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા ૬૦૦ કેન્દ્ર પર ગોઠવણી

રાજકોટ તા. ૧પઃ ભારતની રાષ્ટ્રભાષા હિન્દી છે, અને આ દેશના નાના-મોટા તમામ નાગરીકો રાષ્ટ્રભાષાનું જ્ઞાન મેળવે એ જરૂરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ એક એવી સંસ્થા છે જે શહેર અને ગામડાઓમાં નાના વિદ્યાર્થીઓથી માંડીને શ્રૌઢ સુધીના નગરજનોને રાષ્ટ્રભાષાનું જ્ઞાન આપે છે અને વર્ષમાં બે વખત તેની પરીક્ષા લે છે તેમજ ઉતીર્ણ થનાર વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપે છે.

સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા વર્ષમાં બે વખત લેવાતી હિન્દી બાળપોથી, પહલી, દૂસરી અને તીસરી અને ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા લેવાતી વિનીતની પરીક્ષાઓ ર૦૧૯ની સાલમાં ર૮ અને ર૯ સપ્ટેમ્બર, ર૦૧૯ અનુક્રમે શનિ તથા રવિવારે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં લેવાશે. આ પરીક્ષાઓનાં અરજીપત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૦મી ઓગષ્ટ રહેશે. જયારે ભરાયેલા અરજીપત્રકો તેની ફી ની રકમ સાથે કાર્યાલયમાં પહોંચાડવાની છેલ્લી તારીખ ૧૪મી ઓગષ્ટ ર૦૧૯ નકકી કરાયેલ છે.

અત્રે એ પણ યાદ રહે કે આ પરીક્ષા સૌરાષ્ટ્ર કચ્છનાં ૬૦૦ થી વધુ કેન્દ્રોમાં હાલ લેવાય છે. આ પરીક્ષાને રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકારે માન્યતા આપેલ છે. રાજકોટ કાર્યાલયમાં ચાલતા જનરલ કેન્દ્ર, (પેટા કેન્દ્ર) માં અરજીપત્ર ભરી પહોંચાડવાની છેલ્લી તારીખ પ-૭-ર૦૧૯ રહેશે.

સૌરાષ્ટ્ર-કચ્છના એવા ઘણા ગામો કે શિક્ષણ સંસ્થાઓ છે કે જયાં આ પરીક્ષાનું કેન્દ્ર નથી. આવા ગામો અને શિક્ષણ સંસ્થાઓ કે જે પરીક્ષા કેન્દ્રો શરૂ કરવા ઇચ્છે તેમણે તે શાળાના આચાર્યશ્રીની ભલામણ સાથે મંત્રીશ્રી, સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ, રાષ્ટ્રીયશાળા પ્રાંગણ, રાજકોટ-૩૬૦ ૦૦ર, સાથે પત્ર વ્યવહાર કરવો અથવા ટેલિફોન નંબર (૦ર૮૧) ર૪૬૬રર૭ (કાર્યાલય) ઉપર સંપર્ક સાધવો તેમ જણાવાયું છે.

(4:07 pm IST)