રાજકોટ
News of Saturday, 15th June 2019

ક્રિકેટનો સટ્ટો રમતાં ગાંધીગ્રામનો દિનેશ પકડાયોઃ ફિરોઝ લીંગડીયાનું નામ ખુલ્યું

એએસઆઇ વિજયસિંહ ઝાલા અને કોન્સ. યોગીરાજસિંહ જાડેજાની બાતમી પરથી કાર્યવાહી : ઝડપાયેલો શખ્સ બાંધકામ કોન્ટ્રાકટરઃ અગાઉ જૂગારમાં લાખો હારી ગયો'તો

રાજકોટ તા. ૧૫: ગાંધીગ્રામ નાણાવટી ચોક નંદનવન કવાર્ટર બ્લોક નં. ૫૬૬ પહેલા માળે રહેતાં દિનેશ દેશાભાઇ વાઘેલા (ઉ.૩૩)ને ક્રાઇમ બ્રાંચના એએસઆઇ વિજયસિંહ ઝાલા અને કોન્સ. યોગીરાજસિંહ જાડેજાની બાતમી પરથી ક્રિકેટ મેચના રનફેર પર જૂગાર રમતાં તેના ઘરેથી ઝડપી લીધો હતો. મેચના સોદા લખેલી બૂક, બોલપેન, બે મોબાઇલ ફોન કબ્જે કરાયા છે. તે ફિરોઝ લીંગડીયા પાસે કપાત કરાવતો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

એસીપી જે.એચ. સરવૈયા, પીઆઇ એચ.એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. સોકતખાન ખોરમ, યોગીરાજસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી. ફિરોઝ ઝડપાયા બાદ વધુ બુકીઓના નામ ખુલવાની શકયતા છે. ઝડપાયેલો શખ્સ અગાઉ પંદરેક લાખ રૂપિયા જુગારમાં હારી ગયો હતો. તે બાંધકામના કોન્ટ્રાકટ રાખી કામ કરે છે. તિનપત્તીમાં હારેલા જૂગારના રૂપિયા હવે ક્રિકેટ સટ્ટા થકી કવર કરવા માટે સટ્ટો રમાડવાનું ચાલુ કર્યાનું પોલીસ સુત્રોએ જણાવ્યુ હતું.

(4:07 pm IST)