રાજકોટ
News of Saturday, 15th June 2019

કાલાવડ રોડ સાવન પાર્કમાં ૫૯ વર્ષના પટેલ અમૃતલાલ મોરીનો ઝેરી દવા પી આપઘાત

રાજકોટ તા. ૧૫: કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાસે આવેલા સાવન પાર્ક બ્લોક નં. ૪માં રહેતાં પટેલ વૃધ્ધે ઝેર પી જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

સાવન પાર્કમાં રહેતાં અમૃતલાલ બાબુભાઇ મોરી (ઉ.૫૯) નામના પટેલ વૃધ્ધે ઝેર પી લેતાં ગિરીરાજ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્યાં સારવાર દરમિયાન દમ તોડી દેતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ મારફત જાણ થતાં તાલુકા પોલીસ મથકના એએસઆઇ રૂષીરાજસિંહ પી. જાડેજા અને પૃથ્વીરાજસિંહ ગોહિલે ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર અમૃતલાલ મોરી અમદાવાદની કૃણાલ સ્ટ્રકચર નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં હતાં. તેમના મોટા પુત્ર પણ આ કંપનીમાં જ નોકરી કરે છે. જ્યારે નાનો દિકરો એન્જિનીયરીંગનો અભ્યાસ કરે છે. અમૃતલાલે રાત્રે ઝેરી દવા પી લીધા બાદ પુત્રને જગાડીને જાણ કરતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

(4:06 pm IST)