રાજકોટ
News of Saturday, 15th June 2019

યુનિવર્સિટી રોડ પર જે.કે. ચોકમાં વૃક્ષારોપણ કરીને વોકર્સ ઝોનનો આડકતરો વિરોધઃ પોલીસ દોડી

ભગતસિંહ ગાર્ડનનાં લારી-ગલ્લા ધારકોનો વોકર્સ ઝોન જે પ્લોટમાં થનાર હતો ત્યાં જ વૃક્ષારોપણ કરી નંખાયુ

રાજકોટ તા. ૧પ :.. શહેરનાં યુનિવર્સિટી રોડ પર જે. કે. ચોક વિસ્તારમાં રેંકડી-ફેરીયાઓનાં વોકર્સ ઝોનનો આડકતરો વિરોધ દર્શાવવા જે પ્લોટમાં વોકર્સ ઝોન થનાર છે તે પ્લોટમાં લતાવાસીઓએ વૃક્ષારોપણ કરી નાંખતાં મ્યુ. કોર્પોરેશનની વિજીલન્સ પોલીસ દોડી હતી.

 

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરનાં વોર્ડ નં. ૧૦ માં આવેલ શહીદ ભગતસિંહ ગાર્ડન પાસે ઉભા રહેતાં ખાણી-પીણી ની રેંકડી ધારકો ફેરીયાઓનું સ્થળાંતર કરીને યુનિવર્સિટી રોડ પર જે. કે. ચોક વિસ્તારમાં આવેલ મ્યુ. કોર્પોરેશનનાં સાર્વજનીક પ્લોટમાં વોકર્સ ઝોન બનાવીને તેમાં વેપાર-ધંધોદ કરવાની છૂટ આપવામાં તંત્રનાં આયોજન ઉપર પાણી ઢોળ થાય તે પ્રકારે આ વોકર્સ ઝોનનાં અનામત પ્લોટમાં વિસ્તારવાસીઓએ વૃક્ષારોપણ કરી 'ટ્રી' ગાર્ડ લગાવી દેતાં પ્લોટમાં વોકર્સ ઝોન માટે જબરી અડચણ ઉભી થવાનાં સંજોગો સર્જયેલ આથી તાબડતોબ સ્થળ પર વિજીલન્સ પોલીસ દોડાવાયેલ પરંતુ ત્યાં સુધીમાં વૃક્ષારોપણ થઇ ગયુ હતું.  આમ વિસ્તારવાસીઓએ વોકર્સ ઝોનનાં પ્લોટમાં વૃક્ષારોપણ કરી વોકર્સ ઝોનનો આડકતરો વિરોધ કરતાં તંત્ર વાહકોમાં દોડધામ મચી હતી.

(3:59 pm IST)