રાજકોટ
News of Saturday, 15th June 2019

ખેતીવાડીના હજુ ૩૭૯ ફીડર બંધઃ ૬૭ ટ્રાન્સફોર્મર ફેઇલ ૭પ૩ થાંભલા જમીનદોસ્તઃ રાજકોટ-બોટાદથી ટીમો દોડાવાઇ

રાજકોટ સીટીના તમામ ફીડર ચાલુઃ ૯૦૦થી વધુ ફરીયાદોનો ધડાધડ નીકાલઃ મોડી રાત સુધી મોનીટરીંગ કરતા ચીફ ઇજનેર-કોઠારી-ગાંધીઃ તંત્રની કામગીરી સંદર્ભે ઉર્જા મંત્રીએ પીઠ થાબડી

રાજકોટ તા. ૧પ :.. વાયુ વાવાઝોડાને કારણે કોસ્ટલ એરીયામાં વીજ તંત્રને ભારે ક્ષતિ પહોંચી હતી, પરંતુ યુધ્ધના ધોરણે કામગીરી સંદર્ભે માત્ર ખેતીવાડીને બાદ કરતાં અન્ય તમામ ફીડરો ચાલુ કરી દેવાતા શહેરો-ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યાન્વીત કરી દેવાયો છે.

પીજીવીસીએલના ચીફ ઇજનેર શ્રી કોઠારીએ આજે સવારે 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે રાજકોટના તમામ ફીડરો ઉપર પોતે તથા ચીફ ઇજનેર શ્રી ગાંધી અને અન્ય તમામ ઇજનેરો-સ્ટાફે મોડી રાત સુધી મોનીટરીંગ રાખી, રાત્રે ૩ વાગ્યા સુધી ફરીયાદોના ફોનનો જવાબ દઇ શહેરની ૯૦૦ માંથી મોટાભાગની ફરીયાદોનો નિકાલ કરી દેવાયો છે, રાજકોટ સીટીના તમામ ફીડરો ચાલુ કરી દેવાયા છે.

દરમિયાન આજ સવારના લેટેસ્ટ રીપોર્ટ મુજબ રાજકોટ રૂરલ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેતીવાડીના હજુ ૩૭૯ ફીડરો બંધ છે, તેમાં સૌથી વધુ જુનાગઢ-૧૬૦, જામનગર-૭૩, અને અમરેલી જીલ્લમાં ૪૯ ફીડરો બંધ છે.આ માટે રાજકોટ-બોટાદ અને સુરેન્દ્રનગરથી આજે સવારે ઉપરોકત તમામ અને અન્ય કોસ્ટલ એરીયામાં વધારાની ટીમો દોડાવાઇ છે. અને સાંજ સુધીમાં આ ફીડરો ચાલુ કરી દેવાશે.

હજુ જુનાગઢમાં ૪૦, અને પોરબંદર પંથકમાં ૧૪ મળી કુલ ૬૭ ટ્રાન્સફોર્મર ફોલ્ટમાં છે. તથા પોરબંદર-ર૩૭, જૂનાગઢ જીલ્લામાં ૧૭૬, જામનગર-૧૧૪, ભાવનગર-૪૩, અમરેલી-૧૧પ, અને સુરેન્દ્રનગર-૪૬, મળી કુલ ૭પ૩ થાંભલા જમીન દોસ્ત હોય આ થાંભલા ઉભા કરવા તંત્ર ધંધે લાગ્યું છે.દરમિયાન પીજીવીસીએલની ટીમોએ યુધ્ધના ધોરણે કરેલ કાર્યવાહી સંદર્ભે ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ તથા પ્રજાએ પણ, વીજ તંત્ર, ઇજનેરો-સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતાં. અને આભાર વ્યકત કર્યો હતો.

(11:47 am IST)