રાજકોટ
News of Saturday, 15th June 2019

બુલેટ ચોરી કરી ત્રણ વર્ષથી ફેરવતા અમૃત અને કમલેશ ઉર્ફે જીગો પકડાયા

ભકિતનગર પોલીસે બંનેને અટીકા ફાટક પાસેથી દબોચ્યાઃ સીન જમાવવા માટે બુલેટ ચોર્યાની કબુલાત

રાજકોટ તા. ૧૪: ભકિતનગર વિસ્તારના લાલપાર્ક મેઇન રોડ પર શ્રધ્ધાપુરી પાર્કમાંથી બુલેટ ચોરી કરી ત્રણ વર્ષથી ફેરવતા બે આહીર શખ્સોને ભકિતનગર પોલીસે અટીકા ફાટક પાસેથી પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયા, એએસઆઇ સુભાષભાઇ ડાંગર, હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા, રણજીતસિંહ પઢારીયા, મહેન્દ્રસિંહ ડોડીયા, દેવાભાઇ ધરજીયા, ભાવેશભાઇ મકવાણા, મનિષભાઇ શિરોડીયા, દિવ્યરાજસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા, રાજેશભાઇ ગઢવી તથા હિતેષભાઇ અગ્રાવત સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ઢેબર રોડ અટીકા ફાટક પાસે બે શખ્સો નંબર વગરનું ચોરાઉ બુલેટ લઇને ઉભા હોવાની એએસઆઇ સુભાષભાઇ ડાંગરને બાતમી મળતા સ્ટાફ સાથે અટીકા ફાટક પાસે વોચમાં હતા ત્યારે બે શખ્સો નંબર વગરનું બુલેટ લઇને નિકળતા તેને રોકી લાયસન્સ તથા બુલેટના કાગળો માંગતા બંને શખ્સો ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસે બંનેને પકડી લઇ બંનેના નામ પૂછતા અમૃત ચંદુભાઇ મકવાણા (ઉ.વ.ર૪) (રહે. ૮૦ ફુટ રોડ, નહેરૂનગર શેરી નં. ૬) અને કમલેશ ઉર્ફે જીગો કાનાભાઇ લોખીલ (ઉ.ર૭) (રહે. ૮૦ ફુટ રોડ ગોપવંદના સોસાયટી શેરી નં. ર) નામ આપ્યા હતા. બાદ પોલીસે વધુ પુછપરછ કરતા બંનેએ આ બુલેટ ત્રણ વર્ષ પહેલા લાલપાર્ક મેઇન રોડ શ્રધ્ધાપુરી પાર્ક શેરી નં.  ર માંથી ચોરી કર્યાની કબુલાત આપતા બંનેની ધરપકડ કરી હતી. અમૃત અને કમલેશ ઉર્ફે જીગો મજૂરી કામ કરે છે. બંનેએ મોજશોખ અને સીન જમાવવા માટે બુલેટ ચોરી કર્યાનું જણાવ્યું હતું.

(3:58 pm IST)