રાજકોટ
News of Friday, 15th June 2018

ગઇકાલે જ બનેલા સ્‍પીડ બ્રેકર પર બાઇક ઉછળ્‍યું: પતિ પાછળથી ગબડી પડતાં ૨૩ વર્ષના યાસ્‍મીનબેનનું મોત

રૈયા રોડના સુભાષનગરમાં રાત્રે બનાવઃ પતિ-પત્‍નિ સોડા પીવા નીકળ્‍યા ને બનાવ બન્‍યોઃ માંકડા-મેમણ પરિવારમાં માતમ

જેનો ભોગ લેવાયો તે યાસ્‍મીનબેન માંકડા (મેમણ)નો ફાઇલ ફોટો અને મોત માટે નિમીત બનેલુ સ્‍પીડ બ્રેકર

રાજકોટ તા. ૧૫: શહેરમાં ઠેક-ઠેકાણે વાહનોની ગતિને મર્યાદામાં રાખવા માટે સ્‍પીડ બ્રેકર્સ બનાવવામાં આવે છે. પરંતુ ઘણીવાર આડેધડ બનાવાતાં સ્‍પીડ બ્રેકર અકસ્‍માતનું કારણ બને છે અને ઘણીવાર આવા બ્રેકર કોઇની જિંદગી પુરી કરી નાંખે છે. આવી જ એક ઘટના રૈયા રોડ આમ્રપાલી પાછળના સુભાષનગરમાં બની છે. રાત્રે સવા બારેક વાગ્‍યે પતિના બાઇક પાછળ બેસી સોડા પીવા નીકળેલી મેમણ પરિણીતા  ગઇકાલે જ નવા બનાવાયેલા સ્‍પીડ બ્રેકર પર બાઇક ઉલળતાં પતિ પાછળથી ઉછળી પડતાં બેભાન થઇ જતાં મોત નિપજ્‍યું હતું. આવતીકાલે ઇદનો તહેવાર ઉજવવાની તૈયારી કરી રહેલા પરિવારમાં આ બનાવથી માતમ છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ સુભાષનગર શેરી નં. ૮-એમાં રહેતાં શેહબાઝભાઇ યુસુફભાઇ માંકડા નામના મેમણ યુવાન રાત્રે નમાઝ પઢીને ઘરે આવ્‍યા બાદ તેના પત્‍નિ યાસ્‍મીન (ઉ.૨૩)ને બાઇકમાં બેસાડીને  સોડા પીવા નીકળતાં નજીકના રામેશ્વર ચોકથી આગળ આરએમસી ઓફિસ પાસે પહોંચ્‍યા ત્‍યારે અચાનક સ્‍પીડ બ્રેકર આવતાં તે ન દેખાતાં શેહબાઝભાઇએ કાબૂ ગુમાવતાં પત્‍નિ યાસ્‍મીન માંકડા પાછળથી ઉછળી પડતાં બેભાન થઇ ગયા હતાં.

બનાવથી હેબતાઇ ગયેલા શેહબાઝભાઇએ તાકીદે પરિવારજનોને જાણ કરી હતી અને પત્‍નિને સિવિલ હોસ્‍પિટલે ખસેડી હતી. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે ગાંધીગ્રામ પોલીસને કરતાં પીએસઆઇ જી. એન. વાઘેલાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર યાસ્‍મીનબેનના માવતર જસદણ રહે છે. તેની શાદી ત્રણ વર્ષ પહેલા જ થઇ હતી. પતિ શહેબાઝભાઇ જ્‍યુબીલી શાક માર્કેટમાં ડુંગળી બટેટાનો ધંધો કરે છે.

શેહબાઝભાઇના ભાઇ અસલમભાઇ માંકડાના કહેવા મુજબ રામેશ્વર ચોકમાં અત્‍યાર સુધી સ્‍પીડ બ્રેકર નહોતું. હજુ ગઇકાલે જ નવું મોટુ સ્‍પીડ બ્રેકર બનાવાયું છે અને તેના પર સફેદ પટ્ટા લગાવવાના પણ બાકી છે. દરરોજ આ રસ્‍તેથી નીકળતાં લોકોને અચાનક સ્‍પીડ બ્રેકર બની ગયાની જાણ ન હોય એ સ્‍વાભાવીક છે. મારા ભાઇ શેહબાઝભાઇ પણ પત્‍નિને બેસાડીને નીકળ્‍યા હતાં અને સ્‍પીડ બ્રેકર બની ગયાની જાણ ન હોઇ બાઇક ઉલળતાં તેના પત્‍નિ પાછળથી ફેંકાઇ ગયા હતાં અને મોત થયું હતું. આ બનાવને પગલે માંકડા-મેમણ પરિવારમાં માતમ છવાઇ ગયો છે. ઉલ્લેખનિય છે કે શહેરમાં અગાઉ પણ સ્‍પીડ બ્રેકરને કારણે અકસ્‍માતના બનાવ બની ચુક્‍યા છે.  રામેશ્વર ચોકનું સ્‍પીડ બ્રેકર હજુ કોઇ અકસ્‍માતને નોતરે એ પહેલા તાકીદે તેના પર સફેદ પટ્ટા લગાવવા જરૂરી છે.

(11:37 am IST)