રાજકોટ
News of Friday, 15th June 2018

જનજનને જગાડીશું...૧૪૦૦૦ ગામે પહોંચશે ગુજરાત જાગૃતિયાત્રા

પાક વિમો, મગફળી-કપાસના અપૂરતા ભાવથી ખેતરો છોડી મજબૂરીવશ રસ્‍તા ઉપર ઉતરી આવેલા ખેડૂતોનો રોષ સરકારના ધ્‍યાને નથી આવતો કેમ ?: વિરોધની રાજનીતિ કદાપી મંજૂર નથી, હકકની લડાઇ લડનાર અન્‍ય કોઇ આંદોલનકારીને કચડવા દેશદ્રોહ જેવા કેસ ન થાય તે માટે વ્‍યવસ્‍થા પરિવર્તન લાવવાની જરૂર : શિક્ષણમાં પણ મોંઘવારી સાથે ખાનગીકરણનો ભરડો, ગરીબોને બાળકો ભણાવવા કેવી રીતે ?: તમામ સમાજના છાત્રોને શિક્ષણ નિઃશુલ્‍ક, કોલેજ પૂર્ણ કરનારને યોગ્‍ય સ્‍થળે નોકરી માટેની વ્‍યવસ્‍થા અને ખેડૂતોને પોતાના પાક માટે ભાવ જાતે જ નક્કી કરવા દેવામાં આવે તો આંદોલન પૂર્ણ કરવાની તૈયારી : દરેક બાબતે રાજકોટ-સૌરાષ્‍ટ્રને પ્રાધાન્‍ય, સૌરાષ્‍ટ્ર વિના ગુજરાત પણ અધૂરૂ લાગે... સૌરાષ્‍ટ્રની ખેતી-ભાષા, લોકોનો માતાજી, ભગવાન પ્રત્‍યેનો વિશ્વાસ સૌથી ચડિયાતો : સૌરાષ્‍ટ્રને જ કર્મક્ષેત્ર-રાજનીતિક ક્ષેત્ર બનાવવાના પ્રયાસો તરફ વધીશ આગળ

અકિલા'નાં  અતિથિ... અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સરકારની નીતિરિતી, કાર્યશૈલી, અનામત આંદોલન અને આગામી કાર્યક્રમો વિશે નિખાલસતાથી ચર્ચા કરતા પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા, ‘પાસ'ના સુપ્રિમો હાર્દિક પટેલ

રાજકોટ તા. ૧પ : સૌરાષ્‍ટ્ર-ગુજરાત સહિત દેશના ઘણા રાજયોમાં પાક વિમો, મગફળી-કપાસના અપૂરતા ભાવ સહિતના વિવિધ પ્રશ્ને આગબબૂલા બનેલા ખેડૂતો મજબૂરીવશ સરકારના કાન સુધી માંગણી પહોંચાડવા માટે ખેતરો છોડી રસ્‍તાઓ ઉપર આવી ગયા હોવા છતાં પણ  સરકારના ધ્‍યાને નહિ આવતા ધરતીપુત્રોનો ગુસ્‍સો દિવસેને દિવસે નહિ આવતા ધરતીપુત્રોનો ગુસ્‍સો દિવસેને દિવસે વધવામાં છે ત્‍યારે ગુજરાતમાં પણ ખેડૂતોના વિવિધ અણઉકેલ પ્રશ્નોને વાચા અપાવવાના ભાગરૂપે જન જનની સમસ્‍યા જાણવા કાજે હાર્દિક પટેલ દ્વારા ૧૪૦૦૦ ગામડે-ગામડે ગુજરાત જન જાગૃતિ યાત્રા' ફેરવવાની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવાઇ છે.

આ અંગે અકિલા  ફેસબુક લાઇવ' દરમિયાન પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા- પાસ' ના કન્‍વીનર હાર્દિક પટેલે જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં પાકવિમો, મગફળી-કપાસના ભાવો પૂરતા પ્રમાણમાં નહિ મળતા હોવાથી ખેડૂતોમાં ભારોભાર આક્રોશ છે. પણ કરે તો પણ શુ કરે ? એવી સ્‍થિતિ વચ્‍ચે સૌ ધરતી પુત્રોને જાગૃત કરવા માટે ગુજરાતભરના ૧૪૬૦૦ ગામોમાં ગુજરાત જન જાગૃતિ યાત્રા' ફેરવી લોકોને જાગૃત કરાવવાના પ્રયાસો થશે.

આંદોલનનો મતલબ જ જાગૃત અને જાગરણ થતો હોવાનો ઉલ્લેખ કરી ઉમેર્યુ હતું કે, પહેલા તો અનામતની વાત કરતા ત્‍યારે સવાલ સંભળાતા હતા કે, અનામત શા માટે ?, પણ જયારે અનામત આંદોલન આદર્યુ' ને સાઇડ ઇફેકટ નિકળતા જાણવા મળ્‍યુ કે, જમીનો જતી રહી, જમીનોના પૂરતા ભાવ નથી મળતા... ડુપ્‍લીકેટ બિયારણોને લીધે પાક પણ સારા પ્રમાણમાં ઉગતો નથી. કપાસમાં પણ વાત રૂા. ૧પ૦૦ તથા  મગફળીમાં ૧ર૦૦-૧૩૦૦ આપવાની વાત હતી, પણ ૭૦૦ થી ૮૦૦ રૂપિયા મળે તો ખેડૂતોની          મહેનત તો પાણીમાં જ જાયને ?

તો શિક્ષણમાં વધતા ખાનગીકરણ અને મોંઘીદાટ ફીના મુદ્‌્‌ે જણાવ્‍યું હતું કે, એક સમયે ગુજરાતની શાળા-કોલેજો સરકારી હતી... પણ હવે સ્‍થિતિ ઉલ્‍ટી થઇ રહી હોવાથી મોટાભાગની શાળા-કોલેજો ખાનગી છે. શિક્ષણમાં વર્ષેને વર્ષે વધી રહેલા ખાનગીકરણ સાથે સાથે ફી વધારાએ અજગરી ભરડો લીધો હોવાથી ગરીબ પરિવારના બાળકોને શિક્ષણ લેવડાવવું કેવી રીતે ? એ સૌથી મોટો સવાલ સામે આવીને ઉભો છે.

૧૩ મહિના સુધી ગુજરાતના ૧૪,૬૦૦ ગામડામાં જન જન સુધી જાગૃતિ પ્રસરાવવાના ભાગરૂપે ગુજરાત જન જાગૃતિ યાત્રા' દરમિયાન લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયાસો કરવાનું કહી હાર્દિક પટેલે કહયું હતું કે, લોકોમાં જેટલી જાગૃતિ આવશે એટલો જ એમને એમના હકકો મેળવવામાં સરળતા રહેશે... દેશમાં વર્તમાન સમયમાં વિરોધની રાજનીતિ થઇ રહી છે... કોઇ દિવસ વ્‍યવસ્‍થા પરિવર્તનની રાજનીતિ નથી કરવામાં આવી. ભવિષ્‍યમાં કોઇ હાર્દિક નામનો છોકરો પોતાના કે સમાજના હકક માટે આંદોલન કરે ત્‍યારે તેને કચડી નાખવા માટે દેશદ્રોહ જેવા ગંભીર કેસ ન થાય તે માટે વ્‍યવસ્‍થા પરિવર્તન લાવવું ખુબ જ જરૂરી લાગી રહ્યુ છે...!

રાજકોટની સભા ઐતિહાસીક રહી હોવાનો આનંદ વ્‍યકત કરી કહેલ કે, તમામ યુવાનોએ સફળતા પૂર્વક જવાબદારી નિભાવી છે. વર્તમાન સમયના યુવાનોમાં ઘણી શકિત છે. દેશ હવે યુવાનોથી ચાલવાનો છે... મોટી ઉમરના વ્‍યકિતઓએ પણ યુવા વર્ગને મહત્‍વ આપવું જોઇએ.

તો, રાજકોટ-સૌરાષ્‍ટ્રને ટાંકીને ઉમેર્યુ હતું કે, રાજકોટ સૌથી અલગ છે.... એમાંયે સૌરાષ્‍ટ્રની ખેતી હોય, ભાષા હોય... શ્રી સોમનાથ મહાદેવ, શ્રી દ્વારકાધીશ ભગવાનના દેવાલયોની પવિત્ર ભૂમિ સૌરાષ્‍ટ્રમાં વસતા લોકોનો માતાજી અને ભગવાન પ્રત્‍યેનો વિશ્વાસ અને શ્રધ્‍ધા પણ સૌથી સવાયા છે. દરેક બાબતે સૌરાષ્‍ટ્રને હમેંશા પ્રાધાન્‍ય આપુ છુ એમ કહી આગળ કહેલ કે, સૌરાષ્‍ટ્ર જ કર્મક્ષેત્ર-રાજનિતિક ક્ષેત્ર બને એવા પ્રયાસો છે.

ચર્ચા દરમિયાન કમીટીના સભ્‍યોના રાજીનામા પ્રશ્ને પ્રકાશ પાડયો હતો કે, જયારે ૧પ વ્‍યકિતની કોર કમીટી હતી ત્‍યારે ૧પ માંથી ૭ સભ્‍યો જતા રહેતા. સૌ પ્રથમ લાગ્‍યુ કે, કયાંકને કયાંક અમારી પણ ભૂલ હશે... પણ જે છોડીને ગયા તેઓએ સમાજ માટે કોઇ અલગથી લડાઇ નથી ચાલુ કરી, પરંતુ અમે જેની સામે લડતા હતાં. એની સાથે બેસીને પોતાનો હકક-સ્‍વાર્થનો ઉપયોગ કરી લીધો. જો સમાજને ન્‍યાય અપાવવા માટે મજબૂતાઇથી નિઃસ્‍વાર્થભાવે અલગથી લડાઇ લડી હોત તો માનત કે હું ખોટો છું, પણ સામેના પક્ષમાં ભળી જઇ પીઠ પાછળ વાર કર્યા ત્‍યારે લાગે છે કે, અમારી લડાઇ સાચી જ છે. પ થી ૧૦ કરોડની લાલચમાં ઇમાન' વેચી દેનારાને જોઇને જરૂર મનોમન વિચાર  આવે છે કે, પૈસા માટે સમાજ સાથે દગો કરી ઇમાન' વેચવાવાળાની યુવાની લાંછનરૂપ ગણાય.

પોતાના ઉપર રૂપિયા મુદ્‌્‌ે લાગેલા તમામ આરોપોને તથ્‍ય વિનાના ગણાવી કહયુ હતું કે, ર૦ કરોડની જંગી રકમનો ખર્ચ જો બહેનના લગ્નમાં કર્યો હોય તો મારા જેવી ભૂલ કોઇ ન કરે અને ભાજપાવાળા થોડા મને છોડે....?

હાલના સંજોગોમાં રાજકારણનો ભારોભાર વિરોધ કરી જણાવ્‍યું હતું કે, કોઇ એની બહેનના લગ્ન કરાવે તો, એની ઉપરેય આટલા વાપર્યાને, આટલા વાપર્યા જેવા આરોપો લગાડવાનો મતલબ શું...? અમિતભાઇ શાહ, લક્ષ્મી મિતલ જેવા લોકોને સંતાનોના લગ્નના ખર્ચ બાબતે કેમ કોઇ પૂછતું નથી...? આક્ષેપો કરવા સહેલા છે, પણ સાબિત કરવા અઘરા છે.

રૂપાણી સરકારની કાર્યશૈલી- પધ્‍ધતિ વિશે કહ્યું હતું કે, જનતાનો નિયમ હોય છે સત્તાની સમાંતર ન ઉભા રહી શકે. જનતાનું કર્મ રહ્યુ છે કે, એણે સત્તાની વિરૂધ્‍ધમાં પોતાના અધિકારની વાત કરવી જોઇએ. વિજયભાઇનો વ્‍યકિતગત વિરોધી ન હોય શકુ. વિજયભાઇ મુખ્‍યમંત્રી બન્‍યા પછી પણ કાનુન-વ્‍યવસ્‍થામાં કોઇ જ પ્રકારનો બદલાવ નથી આવ્‍યો. કયાં છે સારી સ્‍થિતિ ? તે શોધવું મુશ્‍કેલ છે.

ભાજપે ચૂંટણીના ૮ મહિના વિતી જવા છતાં પણ પ્રજાને આપેલા વાયદામાંથી કેમ એકેય વાયદો પૂરો કર્યો નથી...? સૂજલામ- સૂફલામ યોજનાના નામે ધોળા દિવસે લૂંટો થવા માંડી તળાવ ખોદયુ એ માટી ગઇ કયાં ? કોઇ પ્રજાને કીધુ કે, માટી અહિયા કે પછી ત્‍યાં વાપરવામાં આવી ? તો માટીનો નિચલા પળના ખેતરોને ઉંચા લાવવામાં ઉપયોગ કર્યો ? વિજયભાઇ જયારે પ્રવકતા હતા ત્‍યારે બાહોશથી ટીવીમાં વાતો કરતાં હવે તો મુખ્‍યમંત્રી બની ગયા પછી લોકોના પ્રશ્નો હલ કરવાની શકિત કેમ નથી...? એ સૌથી મોટો સવાલ સૌના મનમાં છે.

સરકારમાં બદલાવની વાતો કેટલાક સમયથી જોરશોરમાં હોવાના પ્રશ્ને હાર્દિક પટેલે જણાવેલ કે, પહેલા મુખ્‍યમંત્રી પદેથી આનંદીબેન પટેલને પણ બદલવાની વાત હતી ત્‍યારે તેઓ નરેન્‍દ્રભાઇના એકદમ વિશ્વાસુ-નજીકના હોવાથી કંઇ રીતે બદલવા એ મોટો પ્રશ્ન હતો.

જેતે સમયે ચૂંટણી નજીક હોવાથી પદ પરથી હટાવે તો પક્ષનું ખરાબ દેખાઇ આવે એમ હતુ એટલે આનંદીબેનને  ૭પ વર્ષ થઇ ગયા હોવાથી યુવાનોને તક આપવાના બહાના  ફેસબુક ઉપર વહેતા મુકયા... તો જેવી રીતે આનંદીબેનનું રાજીનામુ લેવાયુ, બસ એવી જ રીતે  વિજયભાઇનું પણ રાજીનામું લઇ લેવામાં આવશે એવો  વિસ્‍ફોટ કર્યો હતો. ભાજપ સમયની રાહ જૂએ છે. રાજસ્‍થાન-મધ્‍ય પ્રદેશના કે ર૦૧૯ ના પરિણામ આવ્‍યા પછી કંઇક નવા - જૂની થશે જ. હવે  દેખાતુ નથી કે, સરકાર લાંબો ટાઇમ ચાલે પાર્ટીમાં નિરાશા વધી છે. પ્રજાલક્ષી કાર્યો કરવા માટે કોઇ આવતું નથી. સૌ પોત-પોતાનું કરાવાવાળા છે... લોકોના હિતની વાત કોઇ કરવાવાળું છે ખરૂ ?....

દરમિયાન સરકારની કામગીરી-નીતિરીતિને આડે હાથ લેવા સાથે જ હાર્દિક પટેલે વેધક સવાલો કર્યા હતાં કે છેલ્લા પાંચ વર્ષમાં દેશની ટોપટેન યુનિવર્સિટીઓમાં ગુજરાતની કેમ એકેય યુનિવર્સિટી નથી ૧૪૦૦૦ ઓરડાઓ હજૂ સુધી કેમ નથી બન્‍યા ? ૧૪૦૦૦ શિક્ષકોની ભરતી કરવામાં કોની રાહ જોવાય છે ?

વિદ્યાર્થીઓને ૧ થી ૭ ધોરણમાં પંચર કરતા શિખડાવવું, ભજીયા તળાવવાનું શિખડાવવું એ કયાંનું શિક્ષણ ? આવું જ કરાવવાનું હોય તો પછી ભણાવવાનું કામ જ શું ? ખરેખર સરકાર પાસે કોઇ વિઝન નથી...  શું સરકારની તાકાત છે કે, ૧૦ વર્ષ પછી ૧૦૦  છાત્રોને આઇપીએસ તરીકે તૈયાર કરી દેશમાં  વિવિધ ભાગોમાં ફરજ બજાવતા કરીશું ?

કેમ ગુજરાતનો કોઇ ખેલાડી ઓલ્‍મપિકમાં નથી જતો ? ખરેખર કોઇ વિઝન સાથે સરકાર કામ કરવા આગળ વધે તો યુવા વર્ગને પણ આનંદ થાય.

બિન અનામત વર્ગ માટે સરકાર કોઇ મોટી યોજના જાહેર કરે તો પાટીદારો ઉપર કોઇ અસર થાય ? તેવા સવાલમાં કહેલ કે, બે યોજના ગુજરાત માટે મળી લડતા હતાં પટેલ, પણ યોજના પટેલ સમાજ માટે નથી  બધા સમાજ માટે છે. હંમેશા એવું વિચાર્યું છે કે, બધાને આપો બીજાને મળતું હોય તો અમને પણ મળવું જોઇએને.

બિન અનામત આયોગમાં યોજનાની ઘણી બધી વાતો થઇ પણ એ યોજનાઓ અનામતને સમકક્ષ નથી એની અંદર એક જ વાત છે લોન આપવાની ગુજરાતની અંદર ઘણી યોજનામાં લોન મળે છે. ખેડૂતના દિકરાને તો મંડળીમાંથી પણ લોન મળી જશે. સરકાર નહિ આપે તો પણ ચાલશે. બિનઅનામત આયોગનો મકસદ હતો કે છાત્રોને નિઃશુલ્‍ક શિક્ષણ મળવું જોઇએ. ધો. ૧ર કે કોલેજમાંથી પાસ થઇને નિકળે એટલે રોજગારીની સારી વ્‍યવસ્‍થા હોવી જોઇએ... અમારી ત્રણ જ માંગણી છે પહેલી માંગણીમાં દલિત હોય, બ્રાહ્મણ હોય પટેલ કે ક્ષત્રિય હોય તમામ સમાજના છાત્રોને નિઃશુલ્‍કમાં શિક્ષણ આપો, બીજી માંગણીમાં કોલેજ પૂર્ણ કરનારને કોલેજમાં જ સારી-સારી કંપનીઓમાં નોકરીએ લગાડવાની વ્‍યવસ્‍થા ઉભી કરો... ત્રીજી માંગણીમાં ખેડૂતો પોતાના પાકની કિંમત જાતે જ નક્કી કરી શકે.. જો ત્રણેય માંગણીઓ પૂર્ણ થાય તો આંદોલન પૂર્ણ કરવા તૈયારી દર્શાવી હતી.

વળી, સરકારની કામગીરી સામે વેધક સવાલો સાથે હાર્દિક પટેલે તો એમ પણ કહી દીધું હતું કે, સરકારને ખુદને જ ખબર નથી કે કયા ખેડૂત પાસે કેટલી જમીન છે ? માપણીમાં મોટુ કૌભાંડ થયું છે. કેટલાકની જમીન  એક બીજાના નામે જતી રહી, તો ઘણાની ઘટી, ઘણાની જમીનમાં વધારો થઇ ગયો આવી માપણી કરતા તો વગર માપણીએ સારી.

પાટીદારોના દમન મુદ્દેની તપાસ બાબતે ઉમેર્યું હતું કે, ‘તપાસમાં ઘરના ભુવા ઘરના ડાકલા' જેવું જ થયું... હજુ સુધી ન્‍યાય મળ્‍યો નથી. કોઇ વ્‍યવસ્‍થા નથી.

દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો મુદ્દે વર્ણવ્‍યું હતું કે, ઇમાનની સામે બેઇમાન જીત્‍યા છે. માત્ર હું નથી કહેતો પણ ચૂંટણી આયોગના પૂર્વ કમિશ્નરે  પણ વાત કરી છે કે, ગુજરાતમાં પરિણામો વખતે સર્જાયેલી પરિસ્‍થિતિ પાછળ ઇવીએમની ગરબડી જવાબદાર ગણી શકાય... !!

ચૂંટણી ટાણે કોંગ્રેસે અનામતના આપેલા મુદ્દા ઉપર   વાત કરવા પણ ભાજપ તૈયાર નથી કેમ?

માંગણીના નિવારણાર્થે સામે બેસો તો ખબર પડી જશે કે કોણ સાચું'ને કોણ ખોટું?

અકિલા ફેસબુક લાઇવ' દરમિયાન વિવિધ પ્રશ્નોના મુદ્દાસર જવાબો આપ્‍યાની સાથે-સાથે અનામત' વિશેના સવાલ બાબતે પણ હાર્દિક પટેલે કહેલ કે, અગાઉ અનેક વખત ભાજપને કહયું છે, ને ફરી પણ કહેવા માંગુ છુ કે... કોક દિ' ડાંગ બાજુ જાવ ત્‍યારે પુછજો કે, અનામતની કેટલી જરૂરીયાત છે?

કરવું કાંઇ નથીને માત્ર અનામત ન માંગવી, અનામત ન માંગવી જોઇએ' એવા જ ગાણા ગાયા કરે છે, પણ કોઇ દિવસ અનામતની જરૂરીયાતવાળા વર્ગને મળીને પૂછયું છે કે, તમારે માટે અનામત કેટલી જરૂરી છે... જો આવું કરશો તો  ભાજપવાળાને પણ તુરંત અહેસાસ થશે કે, અનામત ન માંગવી જોઇએ એવા આપણા ગાણા તદ્દન ખોટા છે.'

સાથે-સાથે કોંગ્રેસની વાતને ટાંકીને ઉમેર્યુ હતું કે, જે તે વખતે ચૂંટણી પહેલા કોંગ્રેસે અનામત આપવાની ખાત્રી આપી હતી. એ જ રીતે અનામત આપવા બાબતે સામે બેસશો તો ખબર પડી જશે કે, તે વખતે પાટીદારોને અનામત આપવા મુદ્દે અપાયેલી ખાત્રી ખરેખર શકય હતી કે નહિ?... પણ ભાજપને માત્ર વાતો કરવામાં જ રસ હોય એવું લાગે છે. જો કામ કરવું હોય તો તુરંત બેસીને કોઇ નિવેડો લાવ્‍યા હોત.

જનતાની લાગણી-માંગણી સંતોષવા કાજે સતત પ્રયત્‍નશીલ રહેવાનું પસંદ 

કોંગ્રેસનો કોઇ સભ્‍ય નથી કે નથી કદી મંચ ઉપર ગયો તો કોંગ્રેસી કહેવાવ કેવી રીતે?

અકિલા ફેસબુક લાઇવ' દરમિયાન ચર્ચાનો દોર જેમ-જેમ આગળ વધતો ગયો તેમ-તેમ હાર્દિક પટેલે મનમૂકીને વિવિધ બાબતો ઉપર પ્રકાશ પાડયો હતો. જેમાં કોંગ્રેસના એજન્‍ટ જેવા અવાર-નવાર ભાજપ તરફથી થતા આક્ષેપ મુદ્દે પણ કહ્યુ હતુ કે, અત્‍યાર સુધી કોંગ્રેસનો કોઇ સભ્‍ય નથી. કે પછી નથી ધારાસભ્‍ય નથી સાંસદ કે હજુ સુધી કોંગ્રેસના કોઇ મંચ ઉપર ગયો નથી. તો કંઇ રીતે કોંગ્રેસી કહેવાય છે? એ સમજાતું નથી.

કોંગ્રેસી છુ એવું કહેવાવાળા છે તો ભાજપ વાળાને જ ને. ભાજપનું કામ છે વિપક્ષીને નિશાન બનાવવાનું ને એ લોકોના નિશાને હુ છુ.

કોંગ્રેસમાં જોડાવાનો ન હોવાનું કહીને સ્‍પષ્‍ટપણે કહી દીધુ હતું કે, હું ત્‍યારે જ કોઇ પક્ષ સાથે જોડાઇશ જયારે કોઇ પાર્ટી તમામ માંગણીઓ પૂર્ણ કરશે ત્‍યારે જ જરૂર એમાં જોડાઇ જવાનો વિચાર કરીશ.

મારી પાસે છે એ મારે જનતાને નથી આપવુ... જનતાને જોઇએ એ આપવા માટે મારા સતત પ્રયત્‍નો રહ્યા છે અને રહેશે.

સામાન્‍ય ચૂંટણીમાં હાર'ને મુખ્‍ય ચૂંટણીમાં જીત એ જ ભાજપનો પોલિટીકલ એજન્‍ડા

અકિલા'કાર્યાલય ખાતે ચર્ચા વખતે વિવિધ પ્રશ્નોના નિખાલસતાથી જવાબો આપ્‍યા બાદ એક પછી એક પેટા ચૂંટણીમાં ભાજપના નબળા પરિણામોનો ઉલ્લેખ કરીને હાર્દિક પટેલે સ્‍પષ્‍ટ પણે કહી દીધુ હતુ કે, દશેરાના દિવસે જ ઘોડા દોડાવવાના હોય. સામાન્‍ય ચૂંટણીમાં ભાજપની હાર થાય એટલે લોકતંત્ર ઉપર વિશ્વાસ રહે...એની સામે મુખ્‍ય ચૂંટણીમાં ભાજપની જીત થાય ત્‍યારે જો કોઇ ઇવીએમમાં ગરબડી હોવાની વાત કરે તો લોકો એવું કહેવાવાળાને તુરત મુર્ખ સમજાવે લાગે... ખરેખર એ પોલિટીકલ એજન્‍ડા હોય છે.

જાણો...અનામત વિશે હાર્દિક પટેલે કહ્યુ શું?

અકિલા' કાર્યાલય ખાતે અનામત' આપવાનું શકય કઇ રીતે? એ બાબતે હાર્દિક પટેલે જણાવ્‍યુ હતુ કે, કોઇ પણ એવી સંવિધાનની ચોપડી હોય, ભારતનું બંધારણ હોય કે સુપ્રિમ કોર્ટે જો કોઇ નવું બંધારણ અલગથી બનાવ્‍યુ હોય તો એ, આરએસએસએ કોઇ નવું બંધારણ બનાવ્‍યુ હોય એ...  એક પણ બંધારણમાં એવું કોઇ બતાવશે કે, ૫૦ ટકાથી વધારે અનામત ન આપી શકાય, ૫૧ ટકાથી વધારે ન આપી શકાય, પટેલોને ન આપી શકાય, બ્રાહ્મણોને ન આપી શકાય કે રાજપૂતોને ન આપી શકાય? એવું કયાંય લખ્‍યું  છે?

વધુમાં ઉમેર્યુ હતુ કે, ભારતનું બંધારણ એવું કહે છે કે, દરેક સમાજને સમાંતર રાખવા એનો મુખ્‍ય મંતલબ એવો થાય છે કે, જેની જેટલી વસ્‍તી છે એને એટલું અનામત, નોકરીઓ અને શિક્ષણની અંદર અધિકાર મળવા જોઇએ.

આ મુદ્દે વધુમાં પ્રકાશ પાડેલ કે, સુપ્રિમ કોર્ટનુ જજમેન્‍ટ છે કે ૫૦ ટકા વધારે અનામત આપવું હોય તો સર્વે કરવો. નાઇન શિડયુલમાં એની વાત રાખવી જોઇએ અથવા તો રાજયમાં કોઇ એવી વિપરિત પરિસ્‍થિતિ ઉભી થઇ હોય ત્‍યારે આપી શકાય. સુપ્રિમ કોર્ટના આવા ત્રણ જજમેન્‍ટ છે, તો નક્કી એ કરવું જોઇએ કે, ત્રણમાંથી માનવું કયાં જજમેન્‍ટને?

(4:00 pm IST)