રાજકોટ
News of Saturday, 15th May 2021

સિવિલ હોસ્પિટલમાં મ્યુકોર્માઈકોસીસના ઈન્જેકશનની અછતના કારણે દર્દીઓના જીવ જોખમમાં: કોંગ્રેસનો આક્ષેપ

આ રોગની દવાઓની અછત તાકિદે દૂર કરવા ગાયત્રીબા વાઘેલા, દિપ્તીબેન સોલંકી, મનીષાબા વાળા તથા હિરલબેન રાઠોડ દ્વારા કલેકટરને રજૂઆત

રાજકોટ, તા. ૧૫ :. રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મ્યુકોર્માયકોસીસના ઈન્જેકશનની અછત દૂર કરવા સહિતના પ્રશ્ને કમીના કારણે યોગ્ય કરવા પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી દિપ્તીબેન સોલંકી, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા તથા હિરલબેન રાઠોડ દ્વારા કલેકટરને પત્ર પાઠવી માંગ કરી છે.

આ અંગે ગાયત્રીબા, દિપ્તીબેન સોલંકી તથા મનીષાબા વાળા તથા હીરલબેન રાઠોડે પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે, રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે એક માત્ર જગ્યાએ મ્યુકોમાઈકોસીસના રોગચાળાની સારવાર થાય છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અને રાજકોટ શહેરમાંથી અસંખ્ય દર્દીઓ હાલ સિવીલમાં દાખલ છે ત્યારે આ ઈન્જેકશનની અછતના કારણે દર્દીઓના જીવ જોખમમાં હોવાનો આક્ષેપ કર્યો હતો.

કોંગી મહિલા અગ્રણીઓએ વધુમાં જણાવ્યુ હતુ કે આજદિન સુધીમાં રાજકોટ સીવીલ હોસ્પીટલમાં મ્યુકોમાઈકોસીસ રોગચાળાના લગભગ ૨૭૦થી ૨૭૮ પેશન્ટો દાખલ છે. આટલી સંખ્યામાં દાખલ પેશન્ટોની સારવાર માટે અંદાજિત ૩૦,૦૦૦ જેટલા જથ્થાની જરૂરીયાત હોય તેની સામે ગઈકાલ સુધી માત્ર ૨૭૦ ઈન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ હતો. ઓછા ઈન્જેકશનના જથ્થાના કારણે માત્ર ૨૫ થી ૨૭ જેટલા પેશન્ટોની જ સારવાર થઈ શકે છે. જેથી આ સમસ્યા ઉદભવી છે જેના કારણે આ રોગચાળામાં ડેથ રેશીયો (મૃત્યુ દર) પણ ઉંચો જતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

અંતમાં તંત્ર દ્વારા લોકોને રાહત આપે તે પ્રકારના પગલાઓ ભરવા અને ઈન્જેકશન કે દવાની અછત દૂર કરવા સહિતના મુદ્દે યોગ્ય કરવા ગાયત્રીબા, દિપ્તીબેન, મનીષાબા વાળા તથા હિરલબેન રાઠોડ દ્વારા માંગ કરવામાં આવી છે.

(4:17 pm IST)