રાજકોટ
News of Saturday, 15th May 2021

ફાયરીંગ કરી ખૂનની કોશિષના ગુનામાં ફરાર ત્રણને ક્રાઇમ બ્રાંચે પિસ્તોલ-કાર્ટીસ સાથે દબોચ્યા

ચોટીલાના ગુનામાં સામેલ મોરબી રોડ ના અવેશ ઉર્ફે અવલો, રામનાથપરાના ફરદીન અને ભગવતીપરાના નૈમિષ ઉર્ફ રવિ ઉર્ફ નેમોને સ્વીફટ કારમાં બેડી ચોકડીએથી પકડી લેવાયાઃ જયંતિભાઇ ગોહિલ, અભજીતસિંહ જાડેજા અને ભાવીનભાઇ રતનની બાતમી પરથી પીએસઆઇ જોગરાણાની ટીમની કામગીરી : અવેશ અગાઉ રાજકોટ, સુરેન્દ્રનગર મોરબીમાં મારામારી, રાયોટ, ધમકી, આર્મ્સ એકટ સહિતના ૯ ગુનામાં સંડોવાયો હતો

રાજકોટ, તા. ૧૫ :. ચોટીલામાં જૂના મનદુઃખના લીધે ફાયરીંગ કરી યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા રાજકોટના ત્રણ શખ્સોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે દેશી પીસ્ટલ કાર્ટીઝ સાથે ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપી તથા ગેરકાયદેસર હથિયારના ગુના શોધી કાઢવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સૂચના આપતા ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ યુ.બી. જોગરાણા, એએસઆઈ સી.એમ. ચાવડા, બી.આર. ગઢવી, હેડ કોન્સ. જયંતીભાઈ ગોહેલ, અભીજીતસિંહ, પ્રદિપસિંહ, ભાવીનભાઈ, કોન્સ. ઈન્દ્રજીતસિંહ તથા કરણભાઈ મારૂ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. જયંતીભાઈ, અભીજીતસિંહ અને ભાવીનભાઈને મળેલી બાતમીના આધારે ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાનો પ્રયાસ આર્મ્સ એકટ અને રાયોટના ગુનામાં સામેલ મોરબી રોડ સાગર પાર્ક શેરી નં. ૧ મકાન નં. ૫મા રહેતા અવેશ ઉર્ફે અવલો ગનીભાઈ ધોણીયા (ઉ.વ. ૩૫), મિત્ર ફરદીન ફિરોઝભાઈ સોઢા (ઉ.વ. ૨૨) (રહે. રામનાથપરા શેરી નં. ૧૨) અને નૈમીષ ઉર્ફે રવી ઉર્ફે નેમો ચંદ્રેશભાઈ ગોહેલ (ઉ.વ. ૨૪) (રહે. ભગવતીપરા જય નંદનવન સોસાયટી શેરી નં. ૩)ને મોરબી રોડ બેડી ચોકડી પાસેથી એક દેશી બનાવટની પીસ્ટલ અને ત્રણ જીવતા કાર્ટીસ સાથે પકડી લીધા હતા. બાદ પોલીસે દેશી પીસ્ટલ, ત્રણ જીવતા કાર્ટીઝ, ત્રણ મોબાઈલ,  જીજે-ર૩ એએફ-૭૮૬૩ નંબરની સ્વીટ કાર મળી રૂ. ર,૮પ,૮૦૦ ની મતા કબ્જે કરી હતી.

અવેશ ઉર્ફે અવલો ધોણીયા અગાઉ રાજકોટ, મોરબી અને ચોટીલામાં ચાર વખત હથિયારના અને મારામારીના નવ ગુનામાં પકડાઇ ચૂકયો છે. તેમજ ફરદીન સોઢા ચોટીલામાં મારામારીના ગુનામાં પકડાયો હતો. પોલીસની પુછપરછમાં ત્રણેય શખ્સોએ દોઢ મહિના પહેલા ચોટીલામાં રહેતા મનસુરભાઇ વલીભાઇ લોલાડીયા પોતાની સાઇટ મોટી વાડી ખાતે હતાં. ત્યારે અવેશ ઉર્ફે અવલો ધોણીયા અને તેના સાગરીતો ફોચ્યુનર કારમાં આવી અગાઉના મનદુઃખનો ખાર રાખી અવેશ ઉર્ફે ચાવલાએ પીસ્ટલ વડે ચાર રાઉન્ડ ફાયરીંગ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોત. બાદ ત્રણેય ફરાર થઇ ગયા હતાં. આ મામલે ક્રાઇમ બ્રાંચે અવેશ ઉર્ફે અવલો ફરીદીન સોઢા અને નૈમીષ ઉર્ર્ફે રવી ઉર્ફે નેમો ગોહેલ વિરૂધ્ધ આમ્સ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:22 pm IST)