રાજકોટ
News of Saturday, 15th May 2021

સીંગાપોરના ૧૧૬ ઓકિસજન કોન્સ્ટ્રેટર રાજકોટ શહેર અને ગ્રામ્ય માટે ભેટ

નામાંકિત કંપનીઓનો સહયોગઃ અર્બન કંપનીના અભિરાજસિંઘ ભાલ અને કે.પી.એમ.જી. ઇન્ડીયાના સુરજ મહેતા દ્વારા સંકલન

રાજકોટ તા. ૧પ : કોરોનાની દેશવ્યાપી મહામારીએ રાજકોટને પણ ભરડો લીધો છે ત્યારે માનવતાનો સાદ સાંભળી બે સેભાવી સ્વજનો  દ્વારા સંકલન કરી એકટ ગ્રાન્ટ ઇનીશીએટીવ અંતર્ગત રાજકોટ માટે ૧૩૦ ઓકસીજન કોન્સ્ટ્રેટર મંગાવવામાં આવ્યા છે. આ કિંમતી મશીન હવામાંથી ઓકસીજન ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે.

કે.પી.એમ.જી. ઇન્ડીયાના સુરજ બીપીનભાઇ મહેતાના જણાવ્યા મુજબ આ મશીન સિંગાપોરની કંપનીમાંથી મંગાવવામાં આવ્યા છે. એકટ ગ્રાન્ટ ઇનીશીએટીવ અંતર્ગત રાજકોટ માટે ભેટ મળેલ છે. આ મશીનો જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા જરૂરીયાત મુજબ શહેર, જિલ્લામાં ફાળવવામાં આવશે. સિવિલ હોસ્પિટલના દર્દીઓ તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે પ્રિ-ટાયેજ એરીયા બનાવવામાં આવ્યો છે. સદનસીબે હાલ રાજકોટમાં કોરોનાનો હાઉ હળવો થયો છે છતા ઓકસીજનની જરૂરીયાતવાળા દર્દીઓની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં છે.આ મશીન ઓકસીજનના બાટલાનો વિકલ્પ બની શકે તેમ છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ઓકસીજનની જરૂરીયાતવાળા દર્દીઓ માટે આ ઓકસીજન મશીનો આશિર્વાદરૂપ બનશે. રાજકોટ માટે આ અનેરી ભેટ મેળવવા માટે હરીયાણાના ગુડગાંવની જાણીતી અર્બન કંપનીના કો-ફાઉન્ડર અભિરાજસિંઘ ભાલ સહયોગી બન્યા છે. ભવિષ્યમાં ગુજરાતના અન્ય વિસ્તારો માટે પણ આવી ભેટ અપાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

(3:12 pm IST)