રાજકોટ
News of Saturday, 15th May 2021

સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં બળાત્કારનો ભોગ બનેલા મહિલાનું મોત

સોળ દિવસ પહેલાની ઘટનામાં આરોપી વોર્ડ એટેન્ડન્ટને પકડી જેલહવાલે કરાયો હતો

રાજકોટ તા. ૧૫: સિવિલ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં સોળ દિવસ પહેલા દાખલ કરાયેલા શહેરના ૫૫ વર્ષના એક મહિલા પર રાત્રીના સમયે વોર્ડબોય કમ સ્પેશિયલ એટેન્ડન્ટ યુવાન હિતેષ ઝાલાએ પીપીઇ કીટ પહેરેલી હાલતમાં આવી માથું દબાવી દેવાના બહાને તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી હતી. જે હાલમાં જેલહવાલે છે. દરમિયાન દૂષ્કર્મનો ભોગ બનેલા મહિલાએ ગઇકાલે સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

વિગત એવી છે કે ગત ૨૮મીએ પ્રોૈઢાની તબિયત ખરાબ થતાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમનો કોવિડ રિપોર્ટ તો નેગેટિવ આવ્યો હતો. પરંતુ શ્વાસ લેવામાં તકલીફ હોવાથી કોવિડ સેનટરમાં દાખલ કરાયા હતાં. ૨૯મીએ મોડી રાતે તેઓ પલંગ પર બેઠા હોઇ આ વોર્ડમાં ફરજ બજાવતાં એટેન્ડન્ટ યુવાન હિતેષ ઝાલાએ મોડી રાતે શું કામ જાગો છો, સુઇ જાવ તેમ કહેતાં આ મહિલાએ પોતાને ઉંઘ નથી આવતું માથું દુઃખે છે તેમ કહેતાં એટેડન્ટે વોર્ડની લાઇટ બંધ કરી ચાલો તમને માથુ દબાવી દઉ તેમ કહી માથુ દબાવી દીધા બાદ દૂષ્કર્મ ગુજાર્યુ હતું.

આ આરોપ પરથી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. દરમિયાન ભોગ બનેલા મહિલાએ ગઇકાલે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં એ.ડી. નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

(12:57 pm IST)