રાજકોટ
News of Friday, 15th May 2020

સોની વેપારીની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ આરોપીની માનવતાની અરજી રદ

આજી નદીના પુલ પાસે એક કરોડના દાગીનાની લૂંટ કરી

રાજકોટ, તા. ૧પ : આજી નદીના પુલ પાસે કિસાન ગૌ-શાળા જવાના રસ્તા ઉપર સોની વેપારીની લુંટના ઇરાદે હત્યા કરવાના ગુનામાં પકડાયલ આરોપી ભરત હરસુખ ઉર્ફે હસમુખલાલ લાઠીગરાની માનવતાના ધોરણે ૩૦ દિવસના જામીન મળવાની અરજીને સેસન્સ અદાલતે રદ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે મરનાર સોની વેપારી વસંત ભોગીલાલ ઝીંઝુવાડીયા તા. ૧૪-૭-૧૮ના રોજ આજી નદીના પુલ પાસેથી કિશાન ગૌશાળા જવાના રસ્તે જતાં હતાં ત્યારે ૧ કરોડની કિંમતના ૩ કિલો ર૦૦ ગ્રામ સોનાના બિસ્કીટ લઇને જતા હતાં ત્યારે લૂટના ઇરાદે છરીના ઘા મારીને હત્યા કરી હતી.

આ બનાવ અંગે જામનગર રોડ ઉપર જીથરીયા પીરની દરગાહ પાસે મિતરાજ એપાર્ટમેન્ટમાં રહેતા મૃતકના પુત્ર ભાવીનભાઇ ઝુંજુવાડીયાએ ફરીયાદ નોંધાવી હતી.

આ ગુનામાં આરોપી ભરત લાઠીગરાએ ૩૦ દિવસના હાથમાં ફ્રેકચર થયેલ હોય તેની સારવાર માટે વચગાળાના જામીન પર છોડવા માંગણી કરી હતી.

આ અરજીની સુનાવણી થતાં સરકારી વકીલ મુકેશ પીપળીયાએ રજુઆત કરેલ કે આરોપી સામે લૂંટના ઇરાદે હત્યા કર્યાનો ગંભીર ગુનો છે. આવા ગંભીર ગુનામાં માનવતાના કારણે પણ જામીન મંજુર કરી શકાય નહિ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને મુખ્ય સેસન્સ જજશ્રી યુ.ટી. દેસાઇએ આરોપીની માનવતાની જામીન અરજીને નકારી કાઢી હતી.

(2:54 pm IST)