રાજકોટ
News of Wednesday, 15th May 2019

છેલ્લા બે મહિનામાં ૪પ૮ મકાન ધારકો પાણી ચોરીમાં ઝડપાયાઃ પ લાખનો દંડ

મ્યુ. કોર્પોરેશન દ્વારા ૩૪ હજાર મકાનોમાં પાણી ચોરી અટકાવવા ચેકીંગ કરાયુ

રાજકોટ, તા. ૧પ :  શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા મ્યુ. કોર્પોેરેશન દ્વારા ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલા લેવામાં આવી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં ૪પ૮, પાણી ચોરીમાં પકડાયા હતા.  તેઓને તા. ૪.૮૩ લાખનો દંડ વસ્તુ કર્યો છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ તા. ૧૩ માર્ચથી તા. ૧૩ મે દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરમાં હાથ ધરાયેલા ચેકિંગ દરમ્યાન ડાયરેકટ પમ્પીંગના ૩૭૭ કિસ્સા અને ૮૧ ભૂતિયા નળ જોડાણ ઝડપાયા હતા. ડાયરેકટ પમ્પીંગ અને ભૂતિયા નળ જોડાણ ઉપરાંત પાણીનો બગાડ કરનારા લોકો પાસેથી કુલ મળીને રૂ. ૪,૮૩,રપ૦/- નો દંડ વસુલ કરાયો હતો.

દરમિયાન શહેરના ત્રણેય ઝોનમાં કુલ ૩૪૬૦૩ મકાનોમાં ચેકીંગ કરાયું હતું. આ દરમ્યાન ડાયરેકટ પમ્પીંગના ૧૯૭ કિસ્સાઓમાં ઇલેકટ્રીક મોટર જપ્ત કરી સંબંધિત આસામીઓને નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી. ભૂતિયા નળ જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતા. જયારે ડાયરેકટ પમ્પીંગના કિસ્સાઓમાં પ્રત્યેક આસામી પાસેથી બબ્બે હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. અને પાણીનો બગાડ કરતા આસામીઓ પાસેથી રૂ. રપ૦/- નો દંડ વસુલ કરાવમાં આવ્યો હતો.

(3:51 pm IST)