રાજકોટ
News of Wednesday, 15th May 2019

રાજકોટ જીલ્લાના યુનિક જજ દ્વારા નવા કોર્ટ બિલ્ડીંગનું સ્થળ નિરીક્ષણ કરાયુઃ બાર એસો.ના હોદેદારો ઉપસ્થિત રહ્યા

વકીલોને પુરતી બેઠક વ્યવસ્થા આપવા ચીફ જસ્ટીસને દિલીપ પટેલનો પત્ર

રાજકોટ, તા. ૧૫ :. રાજકોટની ભાગોળે આવેલ ઘંટેશ્વર સર્વે નંબરમાં બનનાર નવા કોર્ટ બિલ્ડીંગ અંગે આજે ગુજરાત હાઈકોર્ટના રાજકોટ જીલ્લાના યુનિક શ્રી વોરા તથા શ્રી છાયા વિગેરેએ આજે નવા કોર્ટ બિલ્ડીંગવાળી જગ્યાનું સ્થળ નિરિક્ષણ કર્યુ હતું.

આજે બપોરના ૧૨ વાગ્યાના અરસામાં રાજકોટ જીલ્લાના યુનિક જજ શ્રી એચ.એસ. વોરા તેમજ શ્રી છાયા રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઈ રાજાણી, સેક્રેટરી જીજ્ઞેશભાઈ જોષી, એડવોકેટ મહર્ષિભાઈ પંડયા તેમજ અનિલભાઈ દેસાઈ તથા કલેકટર કચેરી રૂડા, પી.ડબલ્યુ.ડી.ના અધિકારીઓ તેમજ કોર્ટ મેનેજર સહિતના અધિકારીઓએ પણ એ નવા કોર્ટ બિલ્ડીંગની જગ્યાના સ્થળે મુલાકાત લીધી હતી.

રાજકોટમાં ભવિષ્યની કામગીરીને ધ્યાને લઈને જામનગર રોડ ઉપર ઘંટેશ્વર નજીક વિશાળ જગ્યામાં નવુ કોર્ટ બિલ્ડીંગ બંધાનાર હોય આ જગ્યાની આજે ઉપસ્થિત અધિકારીઓ ફીઝીકલ એન્ડ વેરિફીકેશન માટે સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતંુ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, વડોેદરા ખાતે બંધાયેલ નવા કોર્ટ બિલ્ડીંગમાં વકીલોની બેસવાની સગવડતા નહિ મળતા વકીલો દ્વારા આંદોલન ચાલી રહ્યુ છે. આવી કામગીરીનું પુનરાવર્તન રાજકોટના નવા કોર્ટ બિલ્ડીંગમાં ન થાય તે માટે ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને બાર કાઉ. ઓફ ઈન્ડીયાના મેમ્બર દિલીપભાઈ પટેલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીશને પત્ર પાઠવીને જણાવ્યુ છે.

બાર કાઉ.ના પૂર્વ ચેરમેન શ્રી દિલીપભાઈ પટેલે ચીફ જસ્ટીસને પાઠવેલા પત્રમાં જણાવેલ છે કે, રાજકોટમાં કરોડોના ખર્ચે અદ્યતન કોર્ટ બિલ્ડીંગ બનાવવાની રાજ્ય સરકારે મંજુરી આપી છે. જેમાં તમામ પ્રકારની સુવિધા સાથે વકીલો માટે પુરતી બેસવાની વ્યવસ્થા રાખવામાં આવે અને વડોદરા જેવુ આડુ-અવડુ બિલ્ડીંગ બનાવાઈ નહિ અને વડોદરા જેવો બિલ્ડીંગનો નકશો બને નહિ તેનું ધ્યાન રાખવા સુચન કરેલ છે.

રાજકોટમાં બહુમાળી બિલ્ડીંગને બદલે ચાર માળવાળુ બિલ્ડીંગ બને અને તે રીતે નકશો બનાવી મંજુરી આપવામાં આવે તેવી પણ વકીલોમાં માંગણી ઉઠી છે.

રાજકોટ ખાતે અદ્યતન કક્ષાનું નવુ કોર્ટ બિલ્ડીંગ આકાર પામી રહ્યુ છે ત્યારે આજે હાઈકોર્ટ જજ રાજકોટ જીલ્લાના યુનિક જજ શ્રી વોરા અને જસ્ટીશ શ્રી છાયા વિગેરેએ આજે સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતા નવા બિલ્ડીંગની કાર્યવાહીને ગતિ મળી રહી છે.

(3:45 pm IST)