રાજકોટ
News of Wednesday, 15th May 2019

છ વર્ષીય કાજલ ૧ વર્ષથી ગુમ... તંત્રની સંવેદના જાગતી નથી

બિહારના શ્રમિક પરિવારની કરૂણતા : રાજકોટમાં તેને સાંભળનાર કોઇ નથી : સંવેદનશીલ સરકારના ગોકીરા વચ્ચે અસંવેદનાનું અટ્ટહાસ્ય : રાજકોટ પોલીસ એલફેલ જવાબ આપે છે, સામાજિક સંસ્થાઓને રસ નથી, બેટી બચાવોના નારા લગાવનારાને કામ કરી દેખાડવાનો મોકો

રાજકોટ તા. ૧૫ : સંવેદનશીલ ગુજરાતનું સૂત્ર આપનાર રૂપાણી સરકાર પ્રવચનોમાં સંવેદના ખૂબ વરસાવે છે, પરંતુ મુખ્યમંત્રીના શહેરમાં જ અસંવેદન અટ્ટહાસ્ય કરે છે.

એક પરપ્રાંતીય શ્રમિક પરિવારની છ વર્ષીય દીકરી એક વર્ષથી ગુમ થઇ છે. આ પરિવાર શોધવા ભટકે છે, તેને જવાબ આપનાર કોઇ નથી. તેને મદદ કરનાર કોઇ નથી. તેને સધિયારો આપનાર કોઇ નથી...

વિગત એવી છે કે, બિહારના ભાગલપુર વિસ્તારના વિનોદભાઇ મંડલ કામ-ધંધા માટે ગુજરાત આવ્યા છે. ૨૦૦૨ની સાલથી રાજકોટમાં શાપર - વેરાવળ ખાતે ફેકટરીમાં લેથ મશીન પર ટર્નર તરીકે હાર્ડવર્ક કરીને ગુજરાન ચલાવે છે. પરસેવે રેબઝેબ થઇ જાય ત્યારે તેમને મહિને રૂ. ૭/૮ હજાર મળે છે.

શાપર - વેરાવળમાં પત્ની રીનાદેવી સાથે એક ઓરડી ભાડે રાખીને વિનોદભાઇ રહે છે. 'અકિલા' સાથે વાતચીત દરમિયાન રડતા - રડતા વિનોદભાઇએ કહ્યું કે, એકાદ વર્ષ પહેલા મારી દીકરી છ વર્ષીય કાજલ કુમારી ગુમ થઇ ગઇ. આ પૂર્વે એક પાનની કેબીન ધારકે આક્ષેપ કર્યો હતો કે, કાજલ અમારૃં રૂ. ૫૦૦નું પરચૂરણ લઇ ગઇ છે.

વિનોદભાઇ કહે છે કે, નાનકડી દીકરી આટલું પરચૂરણ લઇ જઇ શકે ? આટલું બધું પરચૂરણ દીકરી પાસે હોય તો છૂપું રહે? આ આક્ષેપ બાદ દીકરી કાજલ ગુમ થઇ ગઇ. આ બિહારી પરિવારને પાનવાળા તથા અન્ય બે યુવાનો રિતીક અને રાજુ પર શંકા છે, આ અંગે પોલીસમાં પણ જાણ કરાઇ છે.

આ ઘટનાને એક વર્ષ વીતી ગયું, પરંતુ સંવેદનશીલ સરકારનું અસંવેદન તંત્ર કંઇ કરી શકયું નથી.

વિનોદભાઇ આખો દિવસ શ્રમ કરીને ગુજરાન ચલાવે છે. દીકરીને શોધવા માટે રજા મૂકે તો પરિવારનું ગુજરાન ચાલતું બંધ થઇ જાય. આ કારણે રજાના દિવસે બુધવારે દીકરી માટે ભટકે છે. એક-બે વખત પોલીસ સ્ટેશને પણ પૂછપરછ કરી, પરંતુ તંત્રની સંવેદના મોટા માણસો - ભદ્ર પરિવારો માટે જાગે છે, સામાન્ય શ્રમિક પરિવારને અપમાનજનક જવાબ મળે છે.

વિનોદભાઇ રડતા - રડતા કહે છે કે, મારી દીકરી કયાં હશે. તેનો ખ્યાલ આવતો નથી. મારી દીકરી હયાત છે કે નહિ તેની પણ ખબર નથી. કાજલ હયાત ન હોય તો તે અંગે પણ અમને જાણ કરો. અમે દરરોજ કાજલની યાદમાં તડપીએ છીએ, પરંતુ લાચાર છીએ. કામધંધો છોડીને તેને શોધવા પણ જઇ શકતા નથી.

આ ઘટના સમાજસેવકો માટે પડકારરૂપ છે. કાઠિયાવાડ સંવેદના - સેવાની ભૂમિ છે. આ ભૂમિ પરથી દીકરી ગુમ થાય અને પરપ્રાંતીય પરિવાર લાચારીથી તડપતો રહે એ સૌરાષ્ટ્રની ધરાની શરમ છે.

સામાજિક સંસ્થાઓ આવી ઘટનાઓમાં શા માટે રસ લેતી નથી ? બેટી બચાવોના દેકારા કરનારા સામે બેટી શોધવાનો પડકાર છે. બેટી કાજલને બચાવવાની તક છે. પોલીસ પર દબાણ લાવીને તેને કામ કરતી કરી શકાય છે. સરકારે પણ સંવેદનશીલ હોવાનું પ્રમાણ આવી ઘટનામાં પરિણામલક્ષી સક્રિયતા દાખવીને આપવું જોઇએ. માત્ર પ્રવચનોથી સંવેદનશીલ સાબિત ન થાય.

બિહારી પરિવાર અંગે વધારે માહિતી માટે વિનોદભાઇ મો. ૯૬૬૨૧ ૯૭૪૩૭ નંબર ઉપર સંપર્ક થઇ શકે છે.

(3:43 pm IST)