રાજકોટ
News of Tuesday, 15th May 2018

દુકાન બહાર બેસવા બાબતે બાવાજી વૃધ્ધ અને બે ભત્રીજા પર ચાર શખ્સોનો હુમલો

કુવાડવા ગામમાં બનાવ : વિશાલ, કિશન,વિજય અને રમેશ સામે ગુનો

રાજકોટ તા ૧૫ : કુવાડવા ગામમાં કરિયાણાની દુકાન પાસે કામ વગર બેસવા બાબતે ઠપકો આપતા બાવાજી વૃધ્ધ અને તેના બે ભત્રીજા પર ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કુવાડવા ગામમાં રહેતા રમેશભાઇ હસમુખભાઇ રામાવત (ઉ.વ.૩૫) પોતાના ઘરે હતા ત્યારે તેના ઘર પાસે આવેેલ પોતાની ચામુંડા કરિયાણાની દુકાનની બહાર પડોશમાં રહેતા વિશાલ નકાભાઇ પીપળીયા, તેનો પુત્ર કિશન, વિજય ઘોઘા, રમેશ અમરશી પીપળીયા ચારેય દુકાનની બહાર બેઠા હતા ત્યારે રમેશભાઇ એ ચારેયને દુકાનની બહાર કામ વગર બેસવાની ના પાડતા ચારેયે ઉશ્કેરાઇને ઝઘડો કરી લાકડાના ધોકા વડે માર માર્યો હતો, તેને બચાવવા માટે વચ્ચે પડેલ તેનાભાઇ વિશાલ તથા મોટાબાપુ ડાયાભાઇ રઘુરામભાઇ રામાવતને પણ ઢીકા પાટુનો માર માર્યો હતો. બાદ ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે રમેશભાઇ રામાવતે કુવાડવારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. જયપાલસિંહ તથા રાઇટર હરસુખભાઇએ તપાસ આદરી છે.

(2:43 pm IST)