રાજકોટ
News of Thursday, 15th April 2021

અનેક નાગરિકોને કોરોનાથી બચાવનારા મ.ન.પા.ના અધિકારી

નિલેશ દવેનું સર્વોચ્ચ બલિદાન : કોરોના સામે જિંદગીનો જંગ હાર્યા

કોરોના વોરિયર્સ બની સતત કોરોના પોઝિટિવ દર્દીઓના હોમ આઇસોલેશન - સારવાર - કોરન્ટાઇનની કામગીરી છેલ્લા ૧ાા વર્ષની સંભાળતા હતા : જાહેરહીતમાં જીવના જોખમે શ્રેષ્ઠ ફરજ બજાવનારા નિલેશ દવેએ મ.ન.પા. પરિવારનો સાથ છોડતા મેયર પ્રદિપ ડવ - મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ સહિત સમગ્ર મ.ન.પા. તંત્ર શોકમગ્ન

કોરોના પોઝિટિવ દર્દીઓની સાર-સંભાળ રાખનાર મ.ન.પા.ના અધિકારી એન.યુ.દવે કોરોના સામે જંગ હારી ગયા છે ત્યારે સદ્ગત એન.યુ.દવેને મેયર પ્રદિપ ડવ તથા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓએ બે મીનીટ મૌન પાડી અને શ્રધ્ધાંજલિ આપી હતી તે ઉપરની તસ્વીરમાં નજરે પડે છે. જ્યારે નીચેની તસ્વીરમાં સ્વ. એન.યુ.દવે તેમજ તેઓએ કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેશન વખતે સારવાર સહિતની કામગીરી બજાવી હતી તે વખતની ફાઇલ તસ્વીર દર્શાય છે.

રાજકોટ તા. ૧૫ : કોરોના વાઇરસે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લઇ રાખેલું છે. કોરોનાએ લોકોના તેમના પોતાના સદસ્યને જ પોતાનાથી અલગ કર્યા છે. હજારો નાગરિકો કોરોના સામે ઝઝૂમીને સાજા થાય છે અને તેવા પણ ઉદાહરણ છે જેમાં કમનસીબે કેટલાક દર્દીઓ કોરોના સામે હારી પણ ગયા છે. કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા અને સંક્રમિત નાગરિકોને સારવાર ઉપલબ્ધ બને તે માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના વોરિયર તરીકેની જ ભૂમિકા નિભાવી રહ્યા છે. પોતાના જીવના જોખમે પણ ફીલ્ડ વર્કની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી તેઓ ખુદ પણ કોરોના સામે રીતસર બાથ ભીડી રહ્યા છે. સ્વભાવિકરીતે જ સંક્રમિત થવાનું જોખમ ઝળુંબતુ જ હોય છે, આમ છતાં તેઓ નાગરિકોના સ્વાસ્થ્યના હિતમાં દિવસરાત જોયા વગર તેમજ કયારેક તંત્રની કે વ્યકિતગતરીતે પણ થતી ટીકા ટીપ્પણીનો સામનો કરી માનસિક દબાણ વચ્ચે પણ પોતાની જવાબદારી નિભાવે છે. આ પ્રકારે અત્યંત નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી નિભાવતા નિભાવતા રાજકોટ મહાનગરપાલિકાની કમિશનર શાખાના સ્ટેનોગ્રાફર અને વોર્ડ નં. ૭ ના વોર્ડ પ્રભારી શ્રી નીલેશભાઈ યુ. દવે કોરોનાથી સંક્રમિત થયા હતા અને આજે બપોરે ૩ વાગ્યા આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૫૫ વર્ષના હતા. તેઓ તેમના પત્ની શ્રી પ્રજ્ઞાબેન દવે તથા બે પરિણીત પુત્રીઓ (નિયતીબેન અને ખુશ્બુબેન) અને મહાનગરપાલિકાના પરિવારને રડતા છોડી ગયા છે.

     એક સરકારી અધિકારી વર્તમાન વૈશ્વિક કોરોના મહામારીના અત્યંત કપરા અને જોખમી સમયમાં જાહેર હિતમાં અને નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતામાં જીવના જોખમે પણ કેવી કપરી કામગીરી બજાવતા હોય છે તેનું સમાજ માટે અભૂતપૂર્વ ઉદાહરણ સ્વ. શ્રી એન. યુ. દવે બન્યા છે. તેઓ વોર્ડ પ્રભારી તરીકેની ફરજ બજાવતા બજવતા તા.૦૮-૦૪-૨૦૨૧ ના રોજ કોરોના સંક્રમિત થયા હતા. અને ગઇકાલે તા. ૧૪ના રાજકોટ મહાનગરપાલિકા પરિવારના અધિકારી શ્રી નીલેશ યુ. દવેએ છેલ્લા એક વર્ષથી દિવસરાત જોયા વગર સતત કોરોના સામેની શ્રેષ્ઠ કામગીરી કરી આખરે કોર્પોરેશન પરિવારનો સાથ છોડ્યો હતો. કોરોના સામેની કામગીરીમાં સૌથી આગળ રહી જવાબદારી નિભાવી હતી. પોતાની મૂળ કામગીરી ઉપરાંત વોર્ડ નં. ૭ ના પ્રભારી તરીકેની ફરજ પણ પુરી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. સદગતના માનમાં આજે સાંજે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી, કોન્ફરન્સ હોલ ખાતે મળેલી વોર્ડ પ્રભારીઓની ડેઈલી રીવ્યુ મીટીંગમાં મેયરશ્રી ડો. પ્રદીપ ડવ અને મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ સહિતના કોર્પોરેશનના અધિકારીઓ – કર્મચારીઓએ ૨ (બે) મીનીટ મૌન રાખી શ્રધ્ધાંજલિ અર્પી હતી, તેમજ પરમાત્મા તેમના પરિવારને આ આઘાત સહન કરવાની હિમ્મત આપે અને સદગતના આત્માને શાંતિ આપે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના દરેક અધિકારી – કર્મચારીએ પરિવારના સભ્ય બનીને કોરોના સામે કામગીરી કરી છે જે સાચા અર્થમાં કોરોના વોરિયર્સ છે. આજે કોર્પોરેશને એક પરિવારના સદસ્યને ગુમાવ્યો છે જેનું દુઃખ થયું છે. મનપાના કર્મચારીએ પોતાની જાનની પરવા કર્યા વગર કામગીરી કરી છે જેનું આ ઉદાહરણ છે. લોકોને પણ ખબર પડે કે કોર્પોરેશનના સભ્યો કોરોના પોઝિટિવ દર્દી વચ્ચે જઈને કામગીરી કરે છે. આપણે વધુ તકેદારી રાખીશું તો વધુ કામગીરી કરી કરી શકીશું. કોર્પોરેશનના આવા સ્ટાફની જરૂર છે, પરમાત્મા સ્વ. શ્રી નીલેશ દવેના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને હિમ્મત આપે, તેમ મેયરશ્રી ડો. પ્રદીપ ડવએ જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરશ્રીએ આ તકે દુઃખ વ્યકત કરતા જણાવ્યું હતું કે, સ્વ. શ્રી નીલેશ દવેએ પોતાની મૂળ કામગીરી સહીત પ્રભારીની કામગીરીમાં સૌથી પહેલા વહેલી સવારે ફિલ્ડમાં પહોંચી લાઈવ લોકેશનનો મેસેજ કરતા હતા, કોરોના પોઝિટિવ દર્દીના વિસ્તારમાં રૂબરૂ પહોંચી પુરી નિષ્ઠાપૂર્વક કામગીરી નિભાવતા હતા. સાચા અર્થમાં કોરોના વોરિયર્સની કામગીરી નિભાવી છે. કોર્પોરેશનને તેમની ખોટ હંમેશા વર્તાશે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને આ કપરી સમસ્યામાં હિમ્મત આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.

સ્વ. શ્રી નીલેશ દવે કે જેમની ઉંમર વર્ષ ૫૫ હતી. રહે.- શા સ્ત્રીનગર, નાનામવા રોડ, તેઓ તા. ૧૬-૧૨-૧૯૮૯ થી રાજકોટ મહાનગરપાલિકામાં જોડાયા હતા અને ૩૧-૧૨-૨૦૨૩ ના રોજ ફરજ પરથી નિવૃત થવાના હતા. કોર્પોરેશન પરિવાર સાથે ૩૨ વર્ષથી જોડાયેલા હતા. પરિવારમાં પત્ની શ્રી પ્રજ્ઞાબેન અને બે દીકરી (નિયતીબેન અને ખુશ્બુબેન, બંને પરિણીત છે). રાજકોટ મહાનગરપાલિકામાં તેમની મૂળ કામગીરી કમિશનર શાખામાં સ્ટેનોગ્રાફર તરીકેની હતી. આ ઉપરાંત તેઓ વોર્ડ નં. ૭ ના વોર્ડ પ્રભારી તરીકે ફરજ બજાવતા હતા. જેમાં તેમની કામગીરી આરોગ્ય કેન્દ્રના વિવિધ વિસ્તારોમાં સર્વેલન્સ અને બીમાર કે અર્ધબીમાર લોકોની વિગતો મહાનગરપાલિકાને મોકલી આવશ્યકતા મુજબ તબીબી નિદાન અને સારવાર, ઉપરાંત કોરોના ટેસ્ટીંગ, કોરોના વેકસીનેશન, હોમ આઇસોલેશનમાં રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓનું ફોલોઅપ કરવું તેમજ રોજબરોજની કામગીરીનું દરરોજ રીપોર્ટીંગ સહિતની કામગીરીનો સમાવેશ થતો હતો. સાથોસાથ તેઓની મૂળ કામગીરીમાં સ્ટેનોગ્રાફર તરીકેની જવાબદારી અને મહાનગરપાલિકાના વિવિધ કામના ટેન્ડર તૈયાર કરવા અપલોડ કરવાની કામગીરી પણ નિભાવતા હતા.

(4:02 pm IST)