રાજકોટ
News of Thursday, 15th April 2021

કાલે જિલ્લા પંચાયતની સમિતિઓની રચના, પી.જી.ને બાંધકામ અથવા શિક્ષણની શકયતા

કારોબારીમાં સભ્ય બને તેને અન્ય સમિતિમાં ચેરમેન પદ નહિ, બન્નેનું મહત્વ સમાન : આરોગ્ય સમિતિ મહિલાને મળી શકે છે : સામાજિક ન્યાય સમિતિમાં મોહનભાઇનું નામ મોખરે

રાજકોટ તા. ૧૫ : જિલ્લા પંચાયતની પ્રશ્નોત્તરી સાથેની સામાન્ય સભા આવતીકાલે શુક્રવારે સવારે ૧૧.૩૦ વાગ્યે પ્રમુખ ભૂપત બોદરની અધ્યક્ષતામાં મળશે. કાલે પંચાયતની વિવિધ ૮ સમિતિઓની રચનાનો મુદ્દો અગ્રક્રમે છે. કારોબારીમાં અધ્યક્ષ તરીકે સહદેવસિંહ જાડેજા જાહેર થઇ ચૂકયા છે. કારોબારીમાં અન્ય ૮ સભ્યોને સ્થાન અપાશે. કારોબારીના સભ્યપદ અને અન્ય સમિતિના અધ્યક્ષ પદનું મહત્વ સમાન ગણાતું હોવાથી કારોબારી સભ્યને અને સમિતિમાં અધ્યક્ષ બનાવાશે નહિ.

 

ભાજપના સિનિયર સભ્ય પી.જી.કયાડાને બાંધકામ સમિતિનું અધ્યક્ષ પદ મળે તેવી પ્રબળ શકયતા છે. વિકલ્પે તેમનું નામ શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે પણ સંભળાય છે. શિક્ષણ સમિતિનું અધ્યક્ષ પદ મહિલાને આપવાનું થાય તો સુનિતાબેન ચાવડાનું નામ આવી શકે છે. આરોગ્ય સમિતિના અધ્યક્ષ પદ માટે લીલાબેન ઠુંમર અથવા જ્યોત્સનાબેન પાનસુરિયા સંભવિત છે. સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે મોહનભાઇ દાફડાનું નામ મોખરે છે. અપીલ સમિતિમાં હોદ્દાની રૂએ પંચાયત પ્રમુખ જ અધ્યક્ષ હોય છે. જે સભ્યને કોઇ સમિતિના અધ્યક્ષ કે કારોબારી સમિતિના સભ્ય નહિ બનાવી શકાય તેને અન્ય એકથી વધુ સમિતિમાં સભ્ય પદ અપાશે તેમ આધારભૂત વર્તુળો જણાવે છે. પાર્ટી દ્વારા જ્ઞાતિ, ભૂગોળ વગેરે દ્રષ્ટિએ સંતુલન કરવા પ્રયાસ થઇ રહ્યો છે. નામોને આજે સાંજે આખરી ઓપ અપાશે.

(2:48 pm IST)