રાજકોટ
News of Thursday, 15th April 2021

માસ્ક સાથે મને માયા બંધાણી હો રાજ...

નહીં છોડુ, નહીં છોડુ સાથ રે આ જન્મો જનમનો સાથ...કોઇ ગુજરાતી ફિલ્મના ગીતની આ કડીઓ લલકારવાનું આજે મન થઇ આવે છે. જો કે અહીં સાથ શબ્દ જીવનસાથી માટે નહીં પણ માસ્ક માટે વાપરવાનો છે. હા માસ્ક! આપણે સૌ છેલ્લા ઘણા દિવસોથી મોઢે બાંધીએ છીએ તે માસ્કની વાત છે. હવે માસ્ક કોઇ માટે અજાણ્યું નથી.

મને તો જાણે માયા લાગી ગઇ છે. માસ્ક સાથે. કદાચ કોરોના કાળ પુરો થઇ જાય અને સંક્રમણની ચિંતા દુર થઇ જાય ને તોય આ માસ્ક હવે તો ઉતારવુ જ નથી. માસ્કના તો ગણ્યા ગણાય નહીં એટલા ફાયદા છે. તે માત્ર કોરોના વાયરસથી બચાવે એવું નથી. વાતાવરણમાં પ્રસરેલા કોઇપણ જીવાણુ સામે રક્ષણ આપે છે.

આ તો કોરોનાએ માસ્ક પહેરાવ્યા. નહી તો વાહનોના કારણે સર્જાતા હવા પ્રદુષણથી બચવા માટે પણ માસ્ક વહેલા મોડુ તો પહેરવાનું જ હતુ. હવા પ્રદુષણ સામે જો આપણે માસ્ક પહેરાવાનું શરૂ કર્યુ હોત તો આટલી જાગૃતી કદાચ ન આવત.  કેમ કે આજે જે રીતે દરેકે દરેક માસ્ક પહેરતા થઇ ગયા છે, તેમ કદાચ હવા પ્રદુષણની બીક સામે દરેક તો માસ્ક ન જ સ્વીકારત. એટલે એકલ દોકલ માસ્ક પહેરનાર થોડા હાસીપાત્ર જેવા પણ લાગત.

પણ કોરોનાનો ભય કહો કે ગમે તે, હવે માસ્ક ઠઠાડયુ જ છે તો કાયમ  માટે સ્વીકારી લેવામાં વાંધો નહીં આવે. કોરોના જાય પછી પણ માસ્ક પહેરવાનું ચાલુ રાખીશુ તો હવા પ્રદુષણ સામે પણ રક્ષણ મળશે. હજુ વધુ એક ફાયદો એ થશે કે કયાંય દુર્ગધ આવતી હોય તેવા સ્થળે જઇ ચડીએ તો પણ ખીસ્સામાંથી રૂમાલ કાઢેવાની જરૂર નહીં પડે, કેમ કે માસ્ક બાંધેલુ જ હશે.

ઘણાને બસમાં મુસાફરી કરતા સમયે પેટ્રોલ ડીઝલની વાસની એલર્જી હોય છે. અવા લોકો મુસાફરી દરમિયાન રૂમાલનો ડુચ્ચો હાથમાં લઇ મો પર દબાવી રાખતા હોય છે. પણ માસ્ક બાંધ્યુ હોય તો તેમને પણ રૂમાલની જરૂર નહીં પડે. આપણી બાજુમાં કોઇ વા છુટ કરે તો પણ મો આડો હાથ નહીં દેવો પડે, કેમ કે માસ્ક તો બાંધેલુ જ હશે.  દુર્ગધ જ નહીં.

તો વળી ઘણાને સુગંધની પણ એલર્જી હોય છે. કોઇ ધમધમતુ પરફયુમ છાંટીને નજીક આવે તો ઘણાને માથુ દુઃખવા લાગે છે. આવા લોકોને પણ નગમતી સુગંધથી બચવા માસ્ક ઉપયોગી બની રહેશે.

આમ તો માસ્ક બાંધવાનું શરૂ કર્યાને હવે એકાદ વર્ષ થવા આવ્યુ એટલે થોડી ઘણી ટેવ તો પડી જ ગઇ છે. શરૂ શરૂમાં ઘરની બહાર નીકળીએ એટલે માસ્ક બાંધતા ભુલાય જતુ. પણ હવે ટેવ પડવા લાગી છે. તમે કોઇની ઘરે જાવ એટલે ફળીયામાંજ વધારાની ખીતીઓ દીવાલોમાં લાગેલી જોવા મળે. તેના પર માસ્ક ટીંગાડેલા હોય. દરેક સભ્યોની અલગ અલગ અલગ પસંદગીના માસ્ક ટીંગાતા જાવા મળે.

માસ્કમાં પણ હવે ફેશન આવી ચુકી છે. જાઇએ તેવી ફેશનવાળા અને જાઇએ તેવા મટીરીયલના માસ્ક મળે છે. નવા કપડા હોય તો મેચીંગમાં પણ માસ્ક મળે છે. એ બધુ જે હોય તે પણ ટુંકમાં માસ્ક વગર હવે નહીં ચાલે. એટલે જ કહુ છુ કે માસ્ક સાથે માયા બંધાણી હો રાજ! હું પણ માસ્ક પહેરતો રહીશ, તમે પણ પહેરતા જ રહેજો.

- મિતેષ આહીર

(2:33 pm IST)