રાજકોટ
News of Friday, 15th March 2019

સગીર પુત્રીને મળવા દેવા - કબજો આપવાની પિતાની અરજી કોર્ટે અમાન્ય ઠરાવી

ફેમિલી કોર્ટમાં ચાલતા કેસ દરમિયાન

રાજકોટ તા.૧પઃ પતિ અને પત્નીના છુટાછેડાના એક કેસમાં પિતાએ કરેલી સગીર પુત્રીને મળવા દેવા તથા તેનો કબજો આપવાની અરજીને ફેમીલી કોર્ટે રદ કરતો હુકમ કર્યો છે.

કેસની વિગત જોઇએ તો રાજકોટના રહીશ જયેન્દ્રભાઇ કીશોરભાઇરાઠોડે તેમના પત્ની સામે હિન્દુ મેરેજ એકટની કલમ ૧૩(૧) મુજબ છુટાછેડા મેળવવા અરજી કરી છે.

આ અરજીનો નિર્ણય આવે ત્યાર પહેલા ચાલુ કેસે પોતાની પુત્રી વૈદેહીને મળવા દેવા તેમજ તેમનો કબ્જો અપાવવા અરજદાર જયેન્દ્રભાઇએ અરજી કરી માંગણી કરી હતી.

આ કામમાં સામાવાળા પત્ની કૃતિ ઉર્ફે ક્રિષ્નાબેન જયેન્દ્રભાઇ રાઠોડ વતી એડવોકેટ રેખાબેન લીંબાસીયાએ  આ અરજી સામે વાંધો રજુ કરેલ અને જણાવેલ કે આ અરજી પ્રથમ દૃષ્ટિએ જ રદ કરવી જોઇએ કાયદા મુજબ આ અરજી ટકવા પાત્ર નથી.

બંને પક્ષના વકિલોની દલીલો સાંભળી ફેમીલી કોર્ટના જજે અરજદાર પતિ જયેન્દ્રભાઇની અરજીને અયોગ્ય ઠરાવી રદ કરેલ છે.

આ કામમાં સામાવાળા કૃતિ ઉર્ફે ક્રિષ્નાબેન વતી મહિલા એડવોકેટ રેખાબેન એન. લીંબાસીયા તથા નમ્રતા આર.કોઠીયા રોકાયા હતા.

(3:53 pm IST)