રાજકોટ
News of Friday, 15th March 2019

સામાકાંઠે સોલીડ વેસ્ટ શાખા ત્રાટકીઃ ૮ કિલો પ્લાસ્ટીક તથા ૧ હજાર ચાના કપ જપ્ત

ગંદકી ફેલાવતા ૫૫ વેપારીઓને રૂ.૧૫ હજારનો દંડ ફટકારાયો

રાજકોટ તા.૧૫: મ્યુ.કોર્પોરેશનની પુર્વ ઝોનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા આજે સામાકાંઠાનાં વિવિધ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં ૮ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક અને ૧ હજાર પ્લાસ્ટીકનાં ચાના કપ જપ્ત કરી રૂ.૧૫ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.

આ અંગે કોર્પોરેશનની સતાવાર માહિતિમાં જણાવ્યા પ્રમાણે શહેરીજનો પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરે અને સ્વચ્છતા જળવાય રહે તે માટે પુર્વ ઝોનના કોમર્શીયલ વિસ્તારોમાં આજરોજ સોલીડ વેસ્ટની ટીમ દ્વારા મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે ગંદકી ફેલાવતા તથા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ૫૫ વેપારીઓ પાસેથી રૂ. ૧૫ હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે તથા એક હજાર ચાના પ્લાસ્ટીકના કપ જપ્ત કરવામાં આવેલ છે.આ અંગે કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરના સામાકાંઠાના ૮૦ ફિટ રોડ, સંતકબિર રોડ, કોઠારિયા રોડ, કુવાડવા રોડ અને પેડક રોડ સહિતના વિસ્તારોમાં સોલીડ વેસ્ટ શાખા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન ૫૫  દુકાન ધારકો પાસેથી ૮ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક અને ૧ હજાર ચાના કપ જપ્ત કરી રૂ. ૧૫ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.

આ કામગીરી કમિશ્નરશ્રીની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નર સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેર જીજ્ઞેશ વાઘેલા, તથા વોર્ડના એસ. આઈ. ડી. કે. સીંધવ,  પ્રફુલ ત્રીવેદી, એન. એમ, જાદવ તથા વોર્ડના એસ. એસ. આઈ. પ્રભાત બાલાસરા, અશ્વિન વાઘેલા, પ્રશાંત વ્યાસ, પ્રતિક રાણાવસિયા, એ. એફ. પઠાણ, જે. બી, વોરા, તથા અર્પિત બારૈયા દ્વારા કરવામાં આવેલ હતી.

(3:49 pm IST)