રાજકોટ
News of Friday, 15th March 2019

કુવાડવાના કુચીયાદળ પાસે ગોડાઉન અને બે ઓફીસના તાળા તુટયાઃ ૧૬ હજારની ચોરી

રતીલાલભાઇ બામકાના ગોડાઉનમાંથી રોકડ અને બે કારખાનાની ઓફીસમાં ચોરીનો પ્રયાસઃ બુકાનીધારી ચાર તસ્કરો કેમેરામાં કેદ

રાજકોટ, તા.૧પઃ કુવાડવા પાસે કુચીયાદળ ગોકુલધામ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલા એક ગોડાઉન અને બે કારખાનાની ઓફીસને નિશાન બનાવી તસ્કરોએ ગોડાઉનમાંથી રૂ.૧૬ હજારની રોકડ ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રાણપુર ગામમાં શીવધારા સોસાયટીમાં રહેતા અને કુચીયાદળમાં ગોકુલધામ ઇન્ડસ્ટ્રીઝ ઝોન પ્લોટ નં.૧પમાં ચતુરભાઇ વેકરીયાના ગોડાઉનમાં બાલાજી વેફરનો સ્ટોક રાખી ગાયત્રી એન્ટરપ્રાઇઝ નામે ગોડાઉન ધરાવતા રતીલાલભાઇ ગોવિંદભાઇ બામકા (ઉ.વ.૪પ)એ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે પોતે અઢી વર્ષથી કુચીયાદળ ગોકુલધામ ઇન્ડસ્ટ્રીઝ ઝોન પ્લોટ નં.૧પમાં ગાયત્રી એન્ટરપ્રાઇઝના નામે એજન્સી ધરાવે છે. પરમદિવસે પોતે તથા તેનો ભાણેજ લાલજી અને કુલદીપ ત્રણેય ગોડાઉન બંધ કરી ઘરે જતા રહ્યા હતા.

અને તેમાં કાઉન્ટરમાં વકરો અંદાજે ૧૬ હજાર જેટલો જે પરચુરણ દરમાં હતા. જે થેલામાં રાખેલ હતા. અને ગઇકાલે સવારના ગોડાઉને આવ્યા ત્યારે ગોડાઉનનું શટર નીચેથી વચ્ચેના ભાગેથી ઉંચુ થયેલ હતું. અને અંદર જઇ જોતા કાઉન્ટર ઉપર રહેલ થેલામાં રાખેલા રૂ.૧૬૦૦૦ ગાયબ હતા. બાદ પોતે ગોડાઉનના માલીકને જાણ કરી હતી. ત્યારબાદ બાજુમાં વિવેકભાઇ પટેલના અભય પોલીમર્સ નામના કારખાનામાં પણ તસ્કરોએ બારીની ગ્રીલ તોડી ઓફીસમાં પ્રવેશ કરી જુદા-જુદા કાઉન્ટરના લોક તોડયા હતા. પરંતુ તસ્કરોને કાંઇ હાથ લાગ્યુ ન હતું. અને તેની બાજુમાં ન્યુદીપ ઇન્ડસ્ટ્રીઝનની ઓફીસના પણ તાળા તોડી સામાન વેર-વિખેર કર્યો હતો. પરંતુ તેમાંથી પણ કાંઇ ગયુ ન હતું. બનાવ અંગેની જાણ કરતા કુવાડવા રોડ પોલીસ સમર્થકના પીએસઆઇ આર.પી.મેઘવાળ અને હેડ કોન્સ.હમીરભાઇએ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. અને કારખાના સીસીટીવી ફુટેજ ચેક કરતા તેમાં ચાર તસ્કરો બુકાની બાંધેલા દેખાયા હતા. આ અંગે પોલીસે રતીલાલભાઇ બામકાની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:49 pm IST)