રાજકોટ
News of Friday, 15th March 2019

ડીજીપી હોકી ટૂર્નામેન્ટના ફાઇનલ મેચમાં વડોદરા પોલીસ સામે રાજકોટ શહેર પોલીસની ટીમ વિજેતા

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીએ શુભેચ્છા પાઠવી

રાજકોટઃ ગુજરાત પોલીસ દ્વારા દર વર્ષે જુદી-જુદી રમતોમાં જુદા-જુદા યુનિટની ટીમો વચ્ચે ડીજીપી કપ ટુર્નામેન્ટ યોજાય છે. તે અંતર્ગત આ વર્ષે વડોદરામાં ડીજીપી કપ-૨૦૧૯ હોકી ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં લગી મેચ, સેમી ફાઇનલ મેચોમાં ગુજરાત પોલીસની જુદા-જુદા યુનિટની ૧૦ ટીમોએ ભાગ લીધો હતો. હોકી લીગની તમામ મેચો રાજકોટ પોલીસની ટીમે જીતી હતી. ૨૮મીએ એસઆરપી ગ્રુપ-૯ વડોદરા અને રાજકોટ શહેર પોલીસની ટીમ વચ્ચે સેમી ફાઇનલ મેચ રમાયો હતો. જેમાં પણ રાજકોટની ટીમ વિજેતા થઇ હતી. એ પછી ૧૩/૩ના રોજ વડોદરા એસઆરપી કેમ્પ ખાતે રાજકોટ શહેર પોલીસ અને વડોદરા શહેર પોલીસની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાયો હતો. જેમાં વડોદરાની ટીમ ૩-૨ ગોલથી પરાજીત થતાં રાજકોટની ટીમ ડીજીપી કપમાં વિજેતા થઇ હતી. આ ટીમ તરફથી પુષ્પરાજસિંહ જાડેજા, આશિષ દવે, યશ ગોંડલીયાએ એક-એક ગોલ કર્યા હતાં. જ્યારે સમગ્ર મેચ દરમિયાન સારા પર્ફોમન્સ બદલ મેન ઓફ ધ મેચ તરીકે રમેશ સાટીયા જાહેર થયા હતાં. ફાઇનલ મેચમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોૈત, વડોદરા આર્મ્સ યુનિટના ડીઆઇજી એચ.આર. ચોૈધરી તથા એસઆરપી ગ્રુપ-૯ના સેનાપતિ શ્રી યાદવ હાજર રહ્યા હતાં. રાજકોટની ટીમનો આ પ્રથમ વિજય હોઇ આજે આ ટીમના તમામ ખેલાડીની પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીએ ખાસ અભિનંદન આપ્યા હતાં. અગાઉ રાજકોટની ટીમ ચાર વખત ફાઇનલ સુધી પહોંચી હતી. આ વખતે વિજેતા બનવામાં સફળતા મળી છે. ૧૯૯૭થી આ ટૂર્નામેન્ટ યોજાય છે. તસ્વીરમાં વિજેતા ટીમ અને તેને અભિનંદન પાઠવતાં અધિકારીઓ જોઇ શકાય છે.

(3:38 pm IST)