રાજકોટ
News of Friday, 15th March 2019

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી

કાલથી ગરમીમાં ઉછાળો આવશે

કાલથી ગરમીમાં ક્રમશઃ વધારો થતો જશે : સોમ-મંગળ તાપમાન ૩૬ ડિગ્રીને પાર કરી જશેઃ તા.૨૦-૨૧ ફરી આંશિક ઘટશે : તા.૧૬થી ૧૯મીના સાંજ સુધી ભેજનું પ્રમાણ ઓછુ રહેશે

રાજકોટ, તા. ૧૫ : હાલમાં વ્હેલી સવારે અને મોડી રાત્રીના ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન આંશિક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આવતીકાલથી ગરમીમાં ધીમે ધીમે વધારો થશે. ભેજનું પ્રમાણ પણ ઘટશે. આગામી ત્રણ - ચાર દિવસમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીને વટાવી જશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે હાલમાં માર્ચનો અડધો મહિનો પૂરો થઈ ગયો છે. આમ છતાં પણ ગરમીનું પ્રમાણ ઓછુ જોવા મળે છે. જેમ કે, રાજકોટમાં મહત્તમ તાપમાન ૩૧.૮ (નોર્મલથી ૪ ડિગ્રી નીચુ), ન્યુનતમ તાપમાન ૧૫. ૮ (નોર્મલથી ૩ ડિગ્રી નીચુ), અમદાવાદ - ૩૨ ડિગ્રી (નોર્મલથી ૪ ડિગ્રી નીચુ), ન્યુનતમ તાપમાન - ૧૬ (નોર્મલથી ૩ ડિગ્રી નીચુ), અમરેલી - ૩૨.૫ (નોર્મલથી ૪ ડિગ્રી નીચુ), ન્યુનતમ તાપમાન ૧૭.૨ (નોર્મલથી ૧ ડિગ્રી નીચુ) હાલમાં રાજકોટ અને અમદાવાદમાં મહત્તમ નોર્મલ તાપમાન ૩૬ ડિગ્રી અને ન્યુનતમ નોર્મલ તાપમાન ૧૯ ડિગ્રી હોવુ જોઈએ.

અશોકભાઈ તા.૧૬ થી ૨૨ (શનિથી શુક્ર) માર્ચ સુધીની આગાહી કરતાં જણાવે છે કે આવતીકાલથી મહત્તમ તાપમાનમાં ઉછાળો આવશે. તા.૧૬ થી ૧૯ (શનિ થી મંગળ) દરમિયાન મહત્તમ તાપમાન નોર્મલ કે તેનાથી ઉંચુ જશે. ખાસ કરીને તા.૧૮ અને ૧૯ના ગરમીનું જોર વધુ જોવા મળશે. જયારે તા.૨૦ અને ૨૧ના ગરમીમાં ફરી થોડો ઘટાડો આવશે. જો કે ૨૨મીએ ફરી તાપમાન નોર્મલ આસપાસ પહોંચી જશે.

હાલમાં પવન ઉત્તરના છે જે ૧૯મીની સાંજથી પશ્ચિમના થશે. જે ૨૨મી સુધી પશ્ચિમી પવન રહેશે. તા.૧૬ થી ૧૯ની સાંજ સુધી ભેજનું પ્રમાણ ઓછુ રહેશે. જયારે તા.૨૦-૨૧-૨૨ના સવારે ભેજનું પ્રમાણ વધુ રહેશે.  તા.૧૬-૧૮-૧૯ના દિવસ દરમિયાન પવનનું જોર વધુ જોવા મળશે.(૩૭.૧૪)

(3:31 pm IST)