રાજકોટ
News of Friday, 15th March 2019

એનઆરઆઇ દંપતીએ કરોડોનું મકાન રાજકોટના વેપારીને વેચ્યા બાદ બીજાને સાટાખત કરી દીધું!

૧.૩૩ કરોડ લઇ લીધા બાદ અન્યને સાટાખત કરી આપી ૯૦ લાખ રૂપીયા કટકટાવી લીધાઃ વેપારી : વિમલભાઇ સરવૈયાએ વૃજેશ ધાનક તથા તેની પત્ની મેના ધાનક સામે લોધીકા પોલીસમાં ફરીયાદ કરી

રાજકોટ, તા., ૧પઃ રાજકોટની ભાગોળે આવેલ હરીપર પાળ ગામની સીમમાં આવેલ કરોડોનું કિંમતી મકાન એનઆરઆઇ દંપતીએ રાજકોટના વેપારીને વેચ્યા બાદ બીજાને સાટાખત કરી દેતા લોધીકા  પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ રોડ એલીગન્સ પાર્ટી પ્લોટ પાછળ રોયલ હોમ્સની બાજુમાં હરીપર પાળમાં રહેતા વેપારી વિમલભાઇ નરશીભાઇ સરવૈયાએ એનઆરઆઇ દંપતી વૃજેશ જેન્તીલાલ ધાનક  તથા તેની પત્ની મેનાબેન વૃજેશભાઇ ધાનક (રહે. બંન્ને સાધુ વાસવાણી રોડ, માર્કેટની બાજુમાં, પારીજાત બંગલો રાજકોટ સામે)  લોધીકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ઉકત એનઆરઆઇ દંપતીએ દોઢેક વર્ષ પુર્વે તેનું હરીપર પાળ ગામની સીમમાં એલીગન્સ પાર્ટી પ્લોટ પાછળ આવેલ ૩૦૦ વારનું મકાન ફરીયાદી વિમલ સરવૈયાને ૧.૩૩ કરોડમાં વેચ્યું હતું. ફરીયાદીએ તમામ રકમ  આપી દીધેલ હોવા છતાં એનઆરઆઇ દંપતી આ મકાનનો દસ્તાવેજ કરી આપતા ન હતા અને આ મકાન અન્ય કોઇ વ્યકિતને ૯૦ લાખ રૂપીયામાં વેચી નાખી તેને  સાટાખત કરી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી હતી.

આ ફરીયાદ અન્વયે લોધીકા પોલીસે એનઆરઆઇ દંપતી સામે ૪૦૬, ૪ર૦ તથા ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કર્યો છે. વધુ તપાસ પીએસઆઇ એચ.પી.ગઢવી ચલાવી રહયા છે.

(11:49 am IST)