રાજકોટ
News of Thursday, 15th March 2018

કરીમપુરા મેમણ સમાજની મિલ્કતના મુદ્દે પ્રમુખ દ્વારા કોર્ટમાં થયેલ ફરિયાદ

રાજકોટ તા. ૧પઃ રાજકોટના હાથીખાના વિસ્તારમાં આવેલ કરીમ પુરા મેમણ સમાજની આવેલ મીલ્કતો બળજબરી પુર્વક પડાવી લઇ કબજો લઇ લીધા અંગે કરીમપુરા મેમણ સમાજના હાલના પ્રમુખ અનવર અબ્દુલકાદર દારૂવાલા એ આઇ.પી.સી.ની કલમ ૩૯પ, ૪પર, પ૦૪, પ૦૬ (ર), ૧૧૪, ૩૪, હેઠળ કોર્ટમાં ફરીયાદ કરતા એડી. ચીફ. જયુડી. મેજી. શ્રી જે. ડી. સોલંકીએ સી.આર.પી.સી.ની કલમ ર૧૦ હેઠળ પોલીસીને તપાસ રીપોર્ટ કોર્ટમાં રજુ કરવા હુકમ ફરમાવેલ છે.

રાજકોટના હાથીખાના વિસ્તારમાં આવેલ કરીમપુરા મેમણ સમાજની મસ્જીદ તથા અન્ય મીલકતો આવેલ છે જે મીલકતોની દેખરેખ કરીમપુરા મેમણ સમાજનું રજીસ્ટર્ડ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ટ્રસ્ટનો તમામ વહીવટ વર્ષ ર૦૧પ થી અનવર અબ્દુલકાદર દારૂવાલા એ પ્રમુખ દરજજે સંભાળેલ હતો જેથી પ્રમુખ દરજજે અનવરભાઇએ વહીવટ સંભાળ્યા બાદ હદીસ અનુસાર અગાઉના અવસાન પામેલ ટ્રસ્ટીઓ હાજીભાઇ ઇશાકજુસફ તથા ગફાર તૈયદભાઇ આકબાણીના વારસો પાસેથી ટ્રસ્ટનો બાકી રહેલ હીસાબ સોંપવા અનેક વખત મૌખીક રીતે વિનંતીઓ કરેલ પરંતુ વારસોએ હીસાબ આપવા અંગે કોઇ જ પ્રકારનો સકારાત્મક અભિગમ દર્શાવેલ નહીં અને ગત તા. ર૦-ર-ર૦૧૮ના રોજ અનવરભાઇ દારૂવાલા નમાજ પઢી અને ટ્રસ્ટની ઓફીસે બેઠા હતા ત્યારે હનીફભાઇ ઇશાકભાઇ આકબાણી, ઇનુશભાઇ ગફારભાઇ આકબાણી, હાજીભાઇ સલીમભાઇ આકબાણી, અમીનભાઇ ગફારભાઇ આકબાણી, મોહસીનભાઇ રફીકભાઇ આકબાણી, મુદસર હનીફભાઇ આકબાણી, ઇમરાન સીસાંગીયા, ફીરોઝ સતાભાઇ લાકડીવાલા, રફીક સતારભાઇ લાકડીવાલા તથા અજાણ્યા ઇસમો ટોળા સ્વરૂપે આવેલ અને અનવરભાઇ દારૂવાલા ને ટ્રસ્ટનો હીસાબ આપવાની ના પાડી દીધેલ.

આ ટ્રસ્ટનો હોદો છોડી દેવા જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપેલ જેથી જે તે વખતે અનવરભાઇએ પોલીસને બોલાવેલ પરંતુ ટ્રસ્ટની આબરૂ ને બટો લાગે નહીં તે હેતુથી પોલીસ ફરીયાદ કરેલ નહીં પરંતુ ત્યારબાદ બે ત્રણ દિવસ પછી આ શખ્સોએ અને ટ્રસ્ટની હાથીખાના ખાતે આવેલ ઓફીસના તાળા તોડી ગેરકાયદેસર રીતે કબજો લઇ લીધેલ અને ઓફીસમાં પડેલ અનવરભાઇ દારૂવાલાનું લેપટોપ તેમજ રૂપિયા ૧.પ લાખ જેટલી રોકડ રકમ લુંટી લીધેલ જેથી ટ્રસ્ટના પ્રમુખે 'એ' ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તેમજ પોલીસ કમીશ્નરશ્રીને આ અંગે લેખીત ફરીયાદ આપેલ પરંતુ પોલીીસે કોઇજ કાર્યવાહી કરેલ નહીં જેથી અનવરભાઇએ કોર્ટમાં આરોપીઓ વિરૂધ્ધ ૩૯પ, ૪પર, પ૦૪, પ૦૬ (ર), ૧૧૪, ૩૪, મુજબની ફરીયાદ દાખલ કરેલ. આ કામે ફરીયાદી વતી એડવોકેટ સંજય એચ. પંડિત રોકાયેલ છે.

(4:30 pm IST)