રાજકોટ
News of Thursday, 15th February 2018

નવાગામ ચાર માળીયામાં લુખ્ખાઓની ગૂંડાગીરીઃ આઠેક વાહનોમાં તોડફોડ

નશાખોર જેવા દસેક શખ્સો રિક્ષાઓમાં રાત્રે બે વાગ્યે આવ્યા અને સાગમટે તમામ રહેવાસીઓને ગાળો ભાંડી તોડફોડ કરી ભાગી ગયા

રાજકોટ તા. ૧૫: લુખ્ખા-આવારા તત્વો ગમે ત્યારે ગમે ત્યાં સીન સપાટા કરી ગૂંડાગીરી કરી જાય છે અને પોલીસને પડકાર ફેંકી જાય છે. ગત મોડી રાત્રે નવાગામ ચાર માળીયા આવાસ યોજના કવાર્ટરમાં રિક્ષામાં આવેલા આઠ-દસ જેટલા નશાખોર જેવા શખ્સોએ સાગમટે તમામ રહેવાસીઓને બેફામ ગાળો ભાંડી હતી અને આઠ-દસ જેટલા વાહનોમાં ધોકા પાઇપ ફટકારી તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. આ મામલે રહેવાસીઓએ પોલીસને જાણ કરી છે.

એક રહેવાસીના કહેવા મુજબ કોઇ એક લુખ્ખા શખ્સને કવાર્ટરના કોઇ રહેવાસી સાથે કદાચ માથાકુટ થઇ હશે તેનો ખાર રાખી મોડી રાત્રે બે વાગ્યા આસપાસ દસેક શખ્સો રિક્ષામાં ધોકા-પાઇપ સહિતના હથીયારો સાથે ધસી આવ્યા હતાં અને લાગલગાટ ગમે તેના વાહનોમાં ધોકા-પાઇપ ફટકારી તોડફોડ શરૂ કરી દઇ ભયનો માહોલ સર્જી દીધો હતો.

આ શખ્સો બહાર નીકળો...એવી બૂમો પાડી બેફામ ગાળો બોલતાં રહેવાસીઓ ગભરાઇ ગયા હતાં. ટોળકીએ બોલેરો, બે રિક્ષા, ઇન્ડિકા કાર, ચાર-પાંચ ટુવ્હીલરોને નિશાન બનાવી તોડફોડ કરી હતી. મોટી સંખ્યામાં રહેવાસીઓ ભેગા થઇ જતાં આ શખ્સો ભાગી ગયા હતાં. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતાં તપાસ શરૂ થઇ છે. તસ્વીરમાં જેમાં તોડફોડ થઇ તે પૈકીના કેટલાક વાહનો જોઇ શકાય છે. તોડફોડ કરનારા કોણ હતાં? શા માટે આવું કર્યુ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:51 pm IST)