રાજકોટ
News of Thursday, 15th February 2018

૩ વર્ષની બાળાની હત્યાના આરોપીનો કેસ રાજકોટના વકીલો લડશે નહિઃ ઠરાવ

રાજકોટ બાર.એસો.નું સમાજ માટે પ્રેરણાદાયી પગલું

રાજકોટ તા. ૧પ : રાજકોટમાં બીજા સ્ટોન કિલર તરીકે ઉભરી આવેલ અને રાજકોટ શહેરમાં મામુલી રકમના ઘરેણા માટે ૭૦ વર્ષીય નિર્દોષ વૃધ્ધાની હત્યા કરીને લુટ કરનાર તહોમતદાર રમેશ કોળીએ તે બનાવના માત્ર ૩૬ કલાક પછી ચુનારાવાળમાંથી ૩ વર્ષની માસુમ બાળકીનું અપહરણ કર્યા બાદ પી.ટી.સી. ગ્રાઉન્ડના ખંડેરમાં બાળકી ઉપર બે-બે વખત બળાત્કાર ગુજારીને કરેલી નિર્દય હત્યાના બનાવથી હત્યારા ઉપર ચારે બાજુથી ફીટકાર વષી રહ્યો છે ત્યારે રાજકોટ બાર.એસો.એક ઠરાવ કરીને આરોપીનો કોઇ વકીલે બચાવ કરવો નહી તેવો ઠરાવ કરેલ છે.

ઉપરોકત બનાવને રાજકોટ બાર એસોસીએશનની કારોબારી કમીટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અને રાજકોટ શહેરને ગુન્હાખોરી માટે સૌરાષ્ટ્ર શિકાંગો શહેર બનાવવાની હોડમાં ઉતારવા આવા નિર્દય આરોપીઓ સમગ્ર સમાજ માટે ખતરા રૂપ હોઇ અને વકીલોએ સમાજનું અવિભાજય અંગ હોઇ આ બન્ને કેસના આરોપી રમેશ કોળી ના આવા કૃત્ય માટે રાજકોટ શહેરના કે અન્ય શહેરના કોઇ વકીલો તેના બચાવ માટે વકીલ તરીકે રોકાઇ નહી તેવો સર્વાનુમતે આ કમીટી અનુરોધ કરે છે. આ અગાઉ પણ રાજકોટ બાર એસોસીએશન રાજકોટમાં રાજકોટના આતંકવાદીઓના કેસમાં કોઇ વકીલોએ વકીલ તરીકે રોકાઉ નહી તેવો સમાજ માટે પ્રેરક ઠરાવ પસાર કરેલ છે.

ઉપરોકત ઠરાવને રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ સંજયભાઇ વ્યાસ, સેક્રેટરી મનીષભાઇ ખખ્ખર, ઉપપ્રમુખ જયેશભાઇ બોઘરા, જોઇન્ટ સેક્રેટરી હરેશ પરસોન્ડા, ટ્રેઝર રાજભા ગોહીલ, કારોબારી સભ્ય સર્વ ડી.બી. બગડા, સુમીત ડી.વોરા, વિરેન આઇ.વ્યાસ, નયનાબેન ડી.ચૌહાણ, અજય ડી. પીપળીયા, પ્રશાંત પી.લાઠીગ્રામ, જીજ્ઞેશ એમ. જોશી, કૌશીક જી. પોપટ ત્થા નરેન્દ્રસિંહ આર. જાડેજાએ સમર્થન આપેલ છે.

(4:24 pm IST)