રાજકોટ
News of Thursday, 15th February 2018

મકાન ખાલી કરવા ધમકી આપવા અંગે પકડાયેલ આરોપીઓનો નિર્દોષ-છૂટકારો

રાજકોટ, તા. ૧પ : મકાન ખાલી કરી જતા રહેવા બાબતે બોલાચાલી કરી ગળદાપાટુનો માર મારી બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘર પાસે પડેલ ગાડીને નુકશાન કરવાના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

આ અંગેની વિગત એવી છે કે જયોતિબેન નરેન્દ્રભાઇ મંગાભાઇ સાંડયા રહે. શ્યામનગર-૪, બિલેશ્વર મંદિર પાસે, ગાંધીગ્રામ , રાજકોટવાળાએ આરોપી નં.૧ જયેશભાઇ દેવજીભાઇ વાઘેલા આરોપી નં. ર સવિતાબેન જયેશભાઇ વાઘેલાએ ફરીયાદી સાથે મકાન ખાલી કરી જતા રહો તે બાબતે બોલાચાલી કરી ફરીયાદીને ગળદાપાટુનો માર મારીને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરીયાદના પાસે પડેલ ગાડીને નુકશાન કરી એકબીજાની મદદગારી કરવા બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ હતી.

આ કેસ રાજકોટના એડી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ શ્રી એમ.એસ. સુતરીયાની કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં રજૂ થયેલ પુરાવાઓ તેમજ ફરીયાદ પક્ષ તથા આરોપી પક્ષના વકીલ મહેશભાઇ ત્રિવેદીની દલીલો ધ્યાને લઇ ફરીયાદ પક્ષ પોતાનો કેસ આરોપીઓ વિરૂદ્ધ નિઃશંકપણે પુરવાર કરી શકતા ન હોય આરોપીઓને તેમની સામેના આઇ.પી.સી. કલમ ૩ર૩,પ૦૪,૧ર૭, પ૦૬ (ર), ૧૧૪ મુજબના ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ વતી રાજકોટના સીનીયર એડવોકેટ મહેશભાઇ ત્રિવેદી, કિરીટભાઇ સાયમન, વાસુદેવ પંડયા, ધર્મેન્દ્ર જરીયા, કિશન જોશી, ઘનશ્યામ પટેલ રોકાયેલ હતાં.

(4:21 pm IST)