રાજકોટ
News of Thursday, 15th February 2018

પાણીની અછતના ઓછાયા : સ્વિમીંગપુલમાં ધુબાકા સમી જવાની સંભાવના

કોર્પોરેશન સંચાલિત ચાર સ્નાનાગારમાં ઉનાળામાં સભ્ય પદ ૪૦ હજારે પહોંચે છેઃ અઠવાડીયે ૪૦ હજાર લીટર પાણીનો ઉપયોગઃ તંત્ર દ્વારા બંધ કરવા વિચારણા

રાજકોટ, તા.૧૫ :. એક તરફ શહેરમાં નર્મદા નદીનાં પાણી સુકાતાં ઉનાળામાં લોકોને સવાર-સાંજ પાણીનો પુરવઠો હાલના રાબેતા મુજબના ધોરણથી આપી શકાશે કે કેમ તે અંગે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે. બીજી તરફ પાણીનો વેડફાટ રોકવા મ્યુનિસિપલ સ્વિમિંગપૂલને બંધ કરવાની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે. જો ઉનાળાના પ્રારંભથી  સ્વિમિંગપૂલને બંધ કરવાની વિચારણા તંત્ર દ્વારા કરવામાં આવી રહી હોવાનું સુત્રો માંથી જાણવા મળ્યુ છે.

સ્વિમિંગના શોખીન ઓને ઉનાળામાં સર્જાનારી પાણીની કટોકટીની સાઇડ ઇફેકટથી મ્યુનિસિપલ સ્વિમિંગપૂલના દરવાજે આગામી દિવસોમાં લોખંડી તાળાં લટકતાં જોવા મળી શકે છે. તંત્ર દ્વારા પાણીનો વેડફાટ રોકવા  મ્યુનિસિપલ સંચાલિત સ્વિમિંગપૂલના પાણીને બંધ કરવા વિચાર થઈ રહ્યાનું સૂત્રોએ જણાવ્યુ હતું.

તંત્રના સૂત્રોમાંથી મલતી માહિતી મુજબ હાલમાં મ્યુનિસિપલ સંચાલિત સ્વિમિંગપૂલના ૨૫૦૦ થી વધારે સભ્ય છે. જે ઉનાળામાં એક સ્નાનાગારમાં અંદાજીત સભ્યો ૧૦ હજાર સુધી પહોંચે છે.  સ્વિમિંગપૂલમાં ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઠંડીના કારણે સભ્યોનો ઘસારો ઓછો હોય છે. તેમાં પણ શિખાઉ સભ્ય નહીંવત હોય છે. પરંતુ એપ્રિલ, મે અને જૂન એટલે કે ઉનાળા વેકેશનના દિવસોમાં સ્વિમિંગપૂલ તરવૈયાઓની સંખ્યા હોય છે.

તમામ સભ્યોને ઉનાળામાં સ્વિમિંગપૂલનું પાણી બંધ કરી દેવાથી સ્વિમિંગ શીખવાથી વંચિત રહેવું પડશે. શહેરમાં રેસકોર્ષ, કોઠારિયા, પેડક રોડ તથા કાલાવડ રોડ સહિતનાં ૪  સ્વિમિંગપૂલ ધમધમી રહ્યા છે.

૭૫ લાખથી ૧ કરોડ  સુધીની આવક

આ તમામ સ્વિમિંગપૂલ સભ્યોથી મ્યુનિસિપલ તિજોરીને અંદાજે રૂ. ૭૫ લાખથી  ૧ કરોડની આવક થાય છે. ઉનાળામાં સ્વિમિંગપૂલને તાળાં લગાવવાથી તંત્રને આટલી આવક પણ ગુમાવવી પડશે.

૪ સ્નાનાગારમાં અઠવાડીયે ૧૦ હજાર લીટર પાણીનો ઉપયોગ

જોકે તંત્રને આવક કરતાં પણ સ્વિમિંગપૂલમાં થતો પાણીનો વપરાશ અટકાવવામાં વધારે રસ છે કેમ કે એક સ્વિમિંગપૂલ પાછળ અઠવાડીયામાં ૧૦ હજાર લિટર પાણીના વપરાશને ધ્યાનમાં રાખીએ તો અંદાજિત દૈનિક એક લાખ લિટર પાણીનો વપરાશ થાય છે જો ઉનાળાના ત્રણ મહિનાના ૯૦ દિવસ સ્વિમિંગપૂલનું પાણી બંધ કરાય તો ઓછામાં ઓછા ૧૨૦૦ હજાર  લિટર પાણીનો વપરાશ અટકી જશે.  સ્વિમિંગપૂલના પાણી બંધ કરીને સત્ત્।ાવાળાઓ પાણીની આટલી બચત કરવા પ્રયાસ કરશે.

જો પાણીના લીકેજ અટકાવાય તો સ્વિમિંગપૂલ બંધ કરવાની જરૂર જ નહીં રહે.

જો તંત્ર આગામીસમયમાં  સઘળા સ્વિમિંગપૂલના પાણી બંધ કરશે તો તરવૈયાઓથી ધમધમતા આ ચારે સ્વિમિંગપૂલ સૂના પડી જશે.

સ્વિમીંગ પૂલો વર્ષ ૨૦૦૦માં બંધ

કોર્પોરેશનના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા સંચાલિત ૪ સ્વિમીંગ પૂલો વર્ષ ૨૦૦૦માં પાણીની અછતના કારણે તંત્ર દ્વારા બંધ રાખવામાં આવ્યા હતા.

(2:46 pm IST)