રાજકોટ
News of Thursday, 15th February 2018

૪ પિસ્તોલ-કાર્ટીસ સાથે બે શખ્સને ક્રાઇમ બ્રાંચે દબોચ્યા

રાજકોટના આહિર હિતેષ ડવ અને પટેલ પિન્ટૂ ઉર્ફ પીનો સાંઇજાને સરધારની વાડીમાં દરોડા પાડી પકડી પાડ્યાઃ મધ્યપ્રદેશથી સસ્તા ભાવે લાવી રાજકોટ-સોૈરાષ્ટ્રમાં વેંચતાઃ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરાઇ : હિતેષ અગાઉ દારૂના અને પિન્ટૂ જૂગારના ગુનામાં પકડાઇ ચુકયો છે

માહિતી આપતાં ડીસીપી ડો. કરણરાજ વાઘેલા, પી.એસ.આઇ. આર. સી. કાનમીયા અને ટીમ તથા ઝડપાયેલા બંને શખ્સો અને કબ્જે થયેલા હથીયારો-કાર્ટીસ (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૫: ક્રાઇમ બ્રાંચે સરધાર ખાતેની બે વાડીમાં દરોડા પાડી આહિર અને પટેલ શખ્સને ત્રણ પિસ્તોલ, એક રિવોલ્વર મળી ચાર ગેરકાયદેસર હથીયારો અને ૨૫ જીવતા કાર્ટીસ સાથે દબોચી લઇ આકરી પુછતાછ હાથ ધરી છે. આ બંને મધ્યપ્રદેશથી છૂટક છૂટક સસ્તા ભાવે આવા હથીયારો લાવી રાજકોટ સહિત સોૈરાષ્ટ્રભરમાં વેંચતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતાં વિશેષ કાર્યવાહી માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. આ બંને શખ્સ અગાઉ પણ ગુનાખોરીમાં સંડોવાઇ ચુકયા છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ઝોન-૧ બલરામ મીના, ડીસીપી ઝોન-૨ ડો. કરણરાજ વાઘેલા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીએ વણશોધાયેલા લૂંટ, ચોરીના ગુના ડિટેકટ કરવા સુચના આપી હોઇ તે અંતર્ગત પી.એસ.આઇ. આર. સી. કાનમીયા, હેડકોન્સ. જગમાલભાઇ ખટાણા, જયસુખભાઇ હુંબલ, મયુરભાઇ પટેલ, કૃપાલસિંહ ઝાલા, કોન્સ. સંતોષ મોરી, કુલદીપસિંહ જાડેજા, સંજય રૂપાપરા સહિતનો કાફલો પેટ્રોલીંગમાં હતો ત્યારે જગમાલભાઇ, મયુરભાઇ અને સંતોષ મોરીને બાતમી મળી હતી કે સરધારની સીમમાં આવેલી મામાના ઢોળા પાસેની મોટી વાડીની બાજુની વાડીમાં હિતેષ અમરાભાઇ ઉર્ફ બાબુભાઇ ડવ (આહિર) (ઉ.૨૪-રહે. વેલનાથ સોસાયટી શિવધારા પાસે હુડકો ચોકડી) અને તેની બાજુની વાડીમાં પિન્ટૂ ઉર્ફ પીનો સુરેશભાઇ સાંઇજા (પટેલ) (ઉ.૨૭-રહે. સરધાર ગામ શ્રીરામ સોસાયટી મેઇન શેરી ઉમિયા કૃપા) ગેરકાયદેસર હથીયારો સાથે બેઠા છે.

આ બાતમી પરથી ટૂકડી ત્યાં ત્રાટકતાં બંનેના નેફામાંથી એક એક લોડેડ પિસ્તોલ તથા અન્ય એક દેશી રિવોલ્વર અને એક પિસ્તોલ મળી આવતાં બંનેની ધરપકડ થઇ હતી. વાડીમાંથી કુલ ૨૫ જીવતા કાર્ટીસ પણ મળતાં રૂા. ૫૭૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. બંને વિરૂધ્ધ આર્મ્સ એકટની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. હિતેષ ડવ અગાઉ તાલુકા પોલીસના ઇંગ્લીશ દારૂના ગુનામાં બે વાર પોલીસ ચોપડે ચડી ચુકયો છે. એ જ રીતે પિન્ટૂ પટેલ પણ આજીડેમ પોલીસ મથકના જૂગારના ગુનામાં પકડાઇ ચુકયો છે. આ બંનેએ પ્રાથમિક પુછતાછમાં પોતે મધ્ય પ્રદેશથી છુટક-છુટક હથીયારો લાવી વેંચાણ કરતાં હોવાનું રટણ કરતાં હોઇ અત્યાર સુધીમાં કેટલા હથીયાર લાવ્યા? કોની પાસેથી લાવ્યા? કોને-કોને વેંચ્યા? તે સહિતની પુછતાછ કરવાની હોઇ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે.

(2:44 pm IST)