રાજકોટ
News of Thursday, 15th February 2018

ભગવતીપરામાં દિપક કોળીને ભાઇના વેણ આકરા લાગતાં સળગીને જિંદગી ટૂંકાવી

બહારગામથી આવી રહેલા મોટા ભાઇને તેડવા જવા બાબતે ઠપકો આપ્યો'તો : ૧૮ વર્ષનો દિપક ૯મું ભણતો'તોઃ સતત નાપાસ થયો'તો

રાજકોટ તા. ૧૫: ભગવતીપરામાં રહેતાં કોળી પટેલ યુવાનને મોટા ભાઇએ પોતાના સોૈથી મોટા ભાઇ બહારગામથી આવી રહ્યા હોઇ તેને હોસ્પિટલ ચોકીમાં તેડવા જવા બાબતે ઠપકો આપતાં માઠુ લાગી જતાં સળગી જઇ જિંદગી ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

ભગવતી પરા બદરી પાર્ક સામે પાંચ માળીયા બી-૩/૩૦૩માં રહેતો મુળ દાહોદનો દિપક ભીમસીંગભાઇ બારૈયા (ઉ.૧૮) રાત્રે સળગી જતાં ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સલિમભાઇ ફુલાણી અને દિપસિંહે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

આપઘાત કરનાર ત્રણ ભાઇમાં સોૈથી નાનો હતો. તેના મોટાભાઇનું નામ પ્રકાશભાઇ અને વચેટ ભાઇનું નામ મનિષભાઇ છે. મનિષભાઇના કહેવા મુજબ મોટા ભાઇ પંચમહાલથી બુધવારે સાંજે આવી રહ્યા હોઇ તે હોસ્પિટલ ચોકમાં ઉતરવાના હતાં. હું બહાર કામ પર હતો જેથી મેં દિપકને ફોન કરી ભાઇને તેડી આવવા કહેતાં તેણે પોતે નહિ જાય તેમ કહેતાં મેં તેને તો પછી બાઇક મારા મિત્રને આપી આવ એટલે એ તેડી આવશે તેમ કહ્યું હતું. બાદમાં રાત્રે મેં ઘરે આવીને તેને ભાઇને તેડવા જવાની ના કેમ પાડી? તે બાબતે કહેતાં તેને માઠુ લાગી ગયું હતું હતું અને આ પગલું ભરી લીધુ હતું. દિપક ધોરણ-૯માં અભ્યાસ કરતો હતો. તે સતત ચારેક વર્ષ નાપાસ થયો હતો.

બિમારીથી કંટાળી ભાવનાબેન કડીયા ઝેરી દવા પી ગયા

બાબરીયા કોલોની પાસે શ્રધ્ધા સોસાયટી ૪૦ ફુટ રોડ પર રહેતાં ભાવનાબેન કિરીટભાઇ ખેતાણી (ઉ.૪૧) બ્લડ પ્રેશર સહિતની બિમારીથી કંટાળી ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ભાવનાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ લાદી કામની મજૂરી કરે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

(12:37 pm IST)