રાજકોટ
News of Thursday, 15th February 2018

મેટોડાના કારખાનેદારની ૧૪.રપ લાખની છેતરપીંડી

ચાઇનાથી મશીન મંગાવ્યા બાદ કોઇ અજાણ્યા શખ્સો ઇ-મેઇલ એડ્રેસ હેક કરી ખાતામાંથી રૂપીયા ઉપાડી લીધા

રાજકોટ, તા., ૧૫: લોધીકાના મેટોડા જીઆઇડીસીના કારખાનેદાર સાથે ૧૪.રપ લાખની છેતરપીંડી થતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મેટોડા જીઆઇડીસીમાં આવેલ પ્લાસ્ટીકના ઇપીપી નામના કારખાનામાં નોકરી કરતા ભાવેશ દિનેશભાઇ મહેતા (રહે. સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર રાજકોટ)એ લોધીકા પોલીસમાં ઇ-મેઇલ એડ્રેસ બનાવનાર તથા ઉપયોગ કરનાર કંપનીના માલીક અને તપાસમાં ખુલે તે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ કોઇ અજાણ્યા ઇસમ દ્વારા ફરીયાદીના ઇ-મેઇલ એડ્રેસ પર ખોટા ઇ-મેઇલ કરી વાતચીત કરી કંપનીના ખોટા પરફોર્મ ઇન્વાઇસ મોકલી સાચા હોવાનો વિશ્વાસ અપાવી ફરીયાદીના ખાતામાંથી યુએસ ડોલર ર૧,૬૦૦ ભારતીય ચલણ મુજબ ૧૪.રપ લાખ ઉપાડી લઇ છેતરપીંડી કરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ફરીયાદીએ પ્લાસ્ટીકની વસ્તુ બનાવવા માટેનું મશીન ચાઇનાથી લીધું હતું અને બીજા ૪ મશીન બનાવવાનો ઓર્ડર આપ્યો હતો પણ અજાણ્યા ઇસમે અગાઉ જે કંપનીનું મશીન લીધું હતું તેનું ખોટુ ઇ-મેઇલ અડ્રેસ ઉભુ કરી ફરીયાદીના ખાતામાંથી ૧૪.રપ લાખ બારોબાર ઉપાડી લીધા હતા. લોધીકા પોલીસે ઇર્ન્ફોમેશન ટેકનોલોજી -ર૦૦પની કલમ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:34 am IST)