રાજકોટ
News of Thursday, 15th February 2018

શનિવારે રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાની ચૂંટણીઃ કુલ ૨II લાખ મતદારોઃ ૩૩૧ મતદાન મથકો

જેતપૂરમાં વોર્ડ નં. ૩માં ૩૮ ઉમેદવારોઃ ત્રણ બેલેટ યુનિટ મૂકવા પડશેઃ કુલ ૧૯૦૦નો પોલીંગ સ્ટાફઃ આજ સાંજથી જાહેર પ્રચાર - પડઘમ બંધઃ શનિવારે રાજકોટ વોર્ડ નં. ૪ની પણ પેટાચૂંટણીઃ કાલે તમામ સ્થળે સ્ટાફ રવાના થશે

રાજકોટ તા. ૧૫ : આગામી શનિવારે તા. ૧૭ના રોજ રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકા સહિત રાજ્યની ૭૫ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે, આજે સાંજે ૫ વાગ્યાથી જાહેર પ્રચાર - પડઘમ શાંત થઇ જશે, સાથોસાથ શનિવારે રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૪ની પણ પેટાચુંટણી યોજાશે, કાલે પાલિકા - મહાપાલિકા તમામ સ્થળે સ્ટાફ રવાના થઇ જશે.

રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે, રાજકોટ જિલ્લાની જસદણના ૭ વોર્ડ - ૨૮ બેઠક, જેતપુર - નવાગઢ ૧૧ વોર્ડ - ૪૪ બેઠક, ઉપલેટા ૯ વોર્ડ - ૩૬ બેઠક, ભાયાવદર ૬ વોર્ડ ૨૪ બેઠક અને ધોરાજી ૯ વોર્ડ - ૩૬ બેઠકની ચૂંટણી થશે.

જેતપુર - નવાગઢમાં વોર્ડ નં. ૩માં અધધધ ૩૮ ઉમેદવાર હોય ત્રણ બેલેટ યુનિટ મૂકવા પડશે તેમ સૂત્રોએ કહ્યું હતું. કુલ ૩૩૧ મતદાન મથકો પાંચ પાલીકામાં નોંધાયા છે, તેમાંથી ૨૦૫ સંવેદનશીલ મથકો જાહેર કરાયા છે. કુલ ૮૩૮ બેલેટ યુનિટ અને ૪૧૯ સીયુ વપરાશે.

પાલિકા ચૂંટણીમાં ૧૯૦૦ના સ્ટાફના ઓર્ડરો થયા છે, ૫૫૦નો પોલીસ સ્ટાફ રહેશે, પાંચેય પાલિકા થઇને કુલ ૨૪૮૩૪૪ મતદારો છે. જેમાં સૌથી વધુ જેતપુર - નવાગઢમાં ૪૮૨૦૭ તો સૌથી ઓછા ભાયાવદરમાં ૭૫૩૩ મતદાન મથકો જાહેર કરાયા છે.(૨૧.૧૩)

(10:54 am IST)