રાજકોટ
News of Thursday, 15th February 2018

નવુ બસ સ્ટેન્ડ જ્યાં બને છે તે એસ.ટી.ની માલિકીની જગ્યામાં સરકારનો હવે વાંધોઃ ટાઈટલ હક અંગે વિવાદ

નવુ બસ સ્ટેન્ડમાં ૩૦ પ્લેટફોર્મ સહિત તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ : કલેકટરે પીપીપી ધોરણે બની રહેલા બસ સ્ટેન્ડ અંગે ૨૦૧૫માં દરખાસ્ત મોકલી'તીઃ સરકારે ૨ વર્ષે વાંધો કાઢયો બોલો !!

રાજકોટ, તા. ૧૪ :. રાજકોટ કલેકટર તંત્ર હોય કે ગુજરાત સરકાર કાગડા બધે કાળા જેવી બાબત સાબિત થઈ છે. ફાઈલો ઉપરથી ધૂળ ખંખેરાતી પણ નથી તેવી હકીકત બનવા પામી છે.

ગુજરાતનું એસ.ટી. તંત્ર વડોદરા-અમદાવાદની જેમ પીપીપી ધોરણે, રાજકોટમાં ૧૨ હજારથી વધુ ચો.મી. જમીન ઉપર જૂના બસ સ્ટેન્ડના સ્થાને ૧૫૦ કરોડના ખર્ચે નવુ બસ સ્ટેન્ડ બનાવી રહ્યુ છે. જુનુ બસ સ્ટેન્ડ તોડી પડાયુ છે અને ત્યાં હવે બાંધકામ શરૂ થશે, આ માટેનો કોન્ટ્રાકટ ઓમની પ્રોજેકટને અપાયો છે.

જ્યાં બસ સ્ટેન્ડ બની રહ્યુ છે તે સર્વે નં. ૮૧ની આ જગ્યા એસ.ટી. તંત્રને ૧૯૫૫માં માલિકી હક્ક સાથે અપાઈ હતી, હવે ત્યાં પીપીપી ધોરણે મોડેલ બસ સ્ટેન્ડ બની રહ્યુ હોય, સરકારની મંજુરીની જરૂર હતી, આ માટે રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડેએ ૨૩-૧૦-૨૦૧૫ના રોજ સરકારમાં આ સંદર્ભે દરખાસ્ત પણ મોકલી હતી.

પરંતુ સરકારે આ ફાઈલ સામુ જોયું જ નહીં અને છેવટે હમણા નવી સરકાર બની તે પહેલા આ ફાઈલ બે વર્ષ બાદ હાથ ઉપર લીધી અને એવો વાંધો કાઢયો કે આમાં ટાઈટલ હકનું શું ? રાજકોટનું કલેકટર તંત્ર પણ આવા વાંધા સામે વિચારમાં પડી ગયું છે, સવાલ એ છે કે, સરકાર બે વર્ષે જાગી અને રાજકોટ કલેકટર તંત્ર પણ નિંદરમાં હોય તેમ ૩ થી ૪ મહિનાથી આ ફાઈલ ગાંધીનગરથી પરત આવી છે પણ તેનું કાંઈ નિરાકરણ કર્યુ નથી અને ઢેબર રોડ ઉપરનો ટાઈટલ હકના વિવાદ વચ્ચે નવુ બસ સ્ટેશન બનવાનું પણ શરૂ થઈ ગયુ છે તે તંત્રની બલીહારી.

રાજકોટ-ઢેબર રોડ ખાતેના હયાત જૂના અને જર્જરીત બસ ટર્મીનલના સ્થાને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પી.પી.પી.)ના ધોરણે ડીઝાઈન, બિલ્ટ, ફાઈનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર (ડીબીએફઓટી) મોડેલ હેઠળ બાંધવામાં આવનાર આઈકોનીક બસ ટર્મીનલની વિગતો અને બાંધકામની વિગતો જોઈએ તો જમીનનો વિસ્તાર ૧૧૧૭૮ ચો.મી., બસ ટર્મીનલ બાંધકામ વિસ્તાર ૪૧૧૯ ચો.મી., કોમર્શીયલ બાંધકામ વિસ્તાર ૧૬૦૦૧ ચો.મી., બસ ટર્મીનલ બાંધકામનો અંદાજીત ખર્ચ રૂ. ૮.૬૬ કરોડ, કુલ પ્રોજેકટ બાંધકામનો અંદાજીત ખર્ચ રૂ. ૪૫.૨૩ કરોડ, મળનાર કન્સેશન ફી રૂ. ૧૬.૫૧ કરોડનો સમાવેશ થાય છે.

બસ ટર્મીનલમાં સુવિધાઓમાં બોર્ડીંગ, એલાઈટીંગ તથા આઈડલ પ્લેટફોર્મ ૩૦ નંગ. પી.એ. સીસ્ટમ, ઈન્કવાયરી, રીઝર્વેશન ટીકીટીંગ ઓફિસ, ટુરીસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર માટે ૧૫૦ ચો.મી. જગ્યા.

આ ઉપરાંત કલોક રૂમ, વહીવટી ઓફિસ, પાર્સલ તથા સ્ટોર રૂમ, રેસ્ટ રૂમ, જનરલ બેઠક વ્યવસ્થા, લેડીઝ બેઠક વ્યવસ્થા. કેન્ટીન, રેસ્ટોરન્ટ તથા રીટેલ કીઓસ્ક, વોટર રૂમ, ડોરમેટરી. મુસાફર ટોઈલેટ સુવિધાનો સમાવેશ થાય છે તથા આર.સી.સી. સરકયુલેશન વિસ્તાર, લેન્ડ સ્કેપીંગ, ડીઝીટલ ડીસપ્લે સાથે આવાગમનની માહિતી, સી.સી. ટીવી સર્વેલન્સ સીસ્ટમ, વેરીએબલ મેસેજ સાઈન બોર્ડ, રીટેલ સુપર માર્કેટ, ફુડ કોર્ટ-પ્લાઝા, મલ્ટીપ્લેક્ષ, ગેમીંગ ઝોન, વ્યવસાયિક ઓફિસો, ટુ વ્હીલર-ફોર વ્હીલર, બેઝમેન્ટ પાર્કિંગ, શો રૂમ, બજેટેડ હોટલ વિગેરે સુવિધાઓનો સમાવેશ થાય છે તેમ એસ.ટી.ના ઉચ્ચ વર્તુળોએ ઉમેર્યુ હતું.

(9:05 am IST)